અનન્યા/081122/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 39)

.

 

મારે આપને ‘શારદા ફિલ્મ કંપની’ની કાંઈક વિશેષ વાત કરવી છે.

1925માં ગુજરાતી મિત્રોના સહકારથી મુંબઈમાં સ્થપાયેલી શારદા ફિલ્મ્સના બેનર હેઠળ સાતેક વર્ષમાં 85થી વધારે મૂક ફિલ્મો બની. તેમાંની કેટલીક તો ભારતીય ચલચિત્ર ઉદ્યોગની યાદગાર ફિલ્મો બની રહી.

સિનેમા જગતમાં શારદા ફિલ્મ કંપનીનું એવું નામ થયું કે કૃષ્ણ ફિલ્મ કંપની   ના મશહૂર દિગ્દર્શક હર્ષદરાય સાકરલાલ મહેતા તથા સિનેમેટોગ્રાફર ચીમનલાલ લુહાર પણ પાછળથી શારદામાં જોડાયા હતા.

‘બાજીરાવ મસ્તાની’ એક ઐતિહાસિક ફિલ્મ તરીકે આરંભિક વર્ષોમાં જ શારદાનું બેનમૂન નજરાણું બની ગયું.

તે ફિલ્મનું દિગ્દર્શન નાનુભાઈ દેસાઈ સાથે ભાલજી પેંઢારકરે સંભાળ્યું. ફિલ્મ ડાયરેકટર તરીકે પેંઢારકરની આ પ્રથમ ફિલ્મ. “અનન્યા”ના મિત્રો જાણે છે કે ‘પૃથ્વીવલ્લભ’   માં ભાલજીએ એકટર તરીકે પ્રથમ વખત કામ કરેલું. બાજીરાવના દિગ્દર્શન સાથે ભાલજી ડાયરેક્ટર બન્યા.

મહારાષ્ટ્રીયન અદાકાર માસ્ટર વિઠ્ઠલ ‘બાજીરાવ મસ્તાની’ના અભિનેતા હતા. અભિનેતા તરીકે માસ્ટર વિઠ્ઠલની પ્રથમ ફિલ્મ ‘કલ્યાણ ખજીના’ (1924) હતી જેમાં અભિનેત્રી તરીકે ગુજરાતી અદાકારા સુલતાના(ઝુબેદાનાં બહેન)એ કામ કરેલું.

હું આપને એક રસપ્રદ વાત યાદ કરાવું? 1931ની હિંદુસ્તાનની પ્રથમ ટોકી ફિલ્મ ‘આલમઆરા’માં માસ્ટર વિઠ્ઠલ હીરો તથા ઝુબેદાજી હીરોઇન હતાં.

 

*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક અનન્યા પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 39) * * અનન્યા/081122/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *

*   *   * *       *  *     *  *      **

*   *   * *     * *     *  *    **

*   *   * *     * *     *  *    **

 

અનન્યા/081122/પ્રથમપૃષ્ઠ

અનન્યા/081122/પ્રથમપૃષ્ઠ

 

“અનન્યા”ના આજના અંકમાં ‘ફિલ્મ-સિનેમા’નું પૃષ્ઠ પ્રગટ થયેલ છે.

 

* * * અનન્યા/081122/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/081025/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 38)

.

 

‘સ્ટાર ફિલ્મ કંપની’ માં અરદેશર ઈરાની સાથે ભાગીદાર ભોગીલાલ દવે હતા તે વાત મેં આપને કરી છે.

1922માં શરૂ થયેલી સ્ટાર ફિલ્મ્સના ભાગીદારો છૂટા પડ્યા. અરદેશર ઈરાનીએ ‘મેજેસ્ટિક ફિલ્મ કંપની’ બનાવી.

1924માં ભોગીલાલ દવેએ નાનુભાઈ દેસાઈ સાથે મળી ‘સરસ્વતી સિનેટોન’ ( સરસ્વતી ફિલ્મ કંપની ) નામે ફિલ્મ કંપની બનાવી.

વળી આ એક ગુજરાતી મિત્રોનું સાહસ. મિત્રો! મને સરસ્વતીના નામ સાથે ‘સતી સરદારબા’ ફિલ્મ યાદ આવે છે. જી હા, સરસ્વતી ફિલ્મ્સના પ્રારંભની એક સફળ  ફિલ્મ ‘સતી સરદારબા’ હતી.

‘સતી સરદારબા’ ના દિગ્દર્શક નાનુભાઈ દેસાઈ હતા. મુખ્ય અભિનેત્રી તરીકે ઝુબેદાજી  હતાં. અભિનેતા મોહનલાલા હતા, જેમણે પાછળથી સર્વ પ્રથમ ગુજરાતી ટોકી ફિલ્મ ‘નરસિંહ મહેતા’માં અભિનય આપ્યો હતો. “અનન્યા”ના મારા મિત્રો! ‘સતી સરદારબા’ ફિલ્મમાં ફાતમા બેગમ ઉપરાંત તેમની પુત્રીઓ ઝુબેદા અને સુલતાના પણ હતાં. આ ફિલ્મના દિગ્દર્શક નાનુભાઈ દેસાઈની પ્રથમ ફિલ્મ 1923માં બનેલી ‘ચાંપરાજ હાંડો’ હતી.

 ‘સરસ્વતી’ના એકાદ-બે વર્ષના સંચાલન પછી ભોગીલાલ દવે તથા નાનુભાઈ દેસાઈ સાથે મયાશંકર ભટ્ટ જોડાયા. ત્રણેએ 1925માં શારદા ફિલ્મ કંપની સ્થાપી.

‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મથી શારદા ફિલ્મ કંપનીને ભારે પ્રસિદ્ધિ મળી.

મુંબઈના સિનેમા જગતના સન્માનનીય ફિલ્મ નિર્માતા – દિગ્દર્શક વી. શાંતારામના મસિયાઈ ભાઈ પેંઢારકર બંધુઓની મેં આપને વાત કરી હતી, યાદ છે, મિત્રો?

‘બાજીરાવ મસ્તાની’એ ભાલજી પેંઢારકર અને માસ્ટર વિઠ્ઠલની કારકિર્દીના પાયા નાખ્યા. સિનેમા જગતમાં નામ કમાનાર આપણા ગુજરાતી બંધુ  નાનુભાઈ દેસાઈ 1929માં શારદામાંથી છૂટા પડ્યા અને તેમણે પોતાની સ્વતંત્ર ફિલ્મનિર્માણ કંપની ‘સરોજ ફિલ્મ્સ’ની સ્થાપના કરી. * * **

*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક અનન્યા પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 38) ** અનન્યા/081025/ફિલ્મસિનેમા/હરીશદવે/Ananyaa/ * * *

*   *   * *       *  *     *  *      **

*   *   * *     * *     *  *    **

*   *   * *     * *     *  *    **

અનન્યા/081025/પ્રથમપૃષ્ઠ

અનન્યા/081025/પ્રથમપૃષ્ઠ

“અનન્યા”ના આજના અંકમાં ‘ફિલ્મ-સિનેમા’નું પૃષ્ઠ પ્રગટ થયેલ છે.

 

* * * અનન્યા/081025/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080913/ફિલ્મ-સિનેમા

.

અનન્યા/080913/ફિલ્મસિનેમા

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 37)

.

અરદેશર ઈરાનીની જીવન કહાણી કહેતાં કહેતાં હું જરા આડી વાતે ચડી ગયો હતો!

મિત્રો! મેં આપને જણાવ્યું કે અરદેશર ઇરાની – ભોગીલાલ દવેની ‘સ્ટાર ફિલ્મ કંપની’એ કેટલીક ફિલ્મો બનાવી.

ઈરાની-દવેની જોડીએ વીર અભિમન્યુ ઉપરાંત ભીષ્મ પિતામહ, પિતૃદ્ધાર, ચંદ્રગુપ્ત આદિ ફિલ્મો બનાવી. સ્ટાર ફિલ્મ્સ દ્વારા બે વર્ષમાં પંદરથી વધુ (કદાચ પાંત્રીસેક?) ફિલ્મોનું નિર્માણ થયું. કાશ! આ બધી ફિલ્મોની તવારીખ સચવાઈ હોત તો કેટલું સારું હતું! તે જમાનાની નામી-અનામી ફિલ્મનિર્માણ કંપનીઓની અગણિત મૂગી ફિલ્મોનો રેકોર્ડ ક્યાં ઉપલબ્ધ છે? મિત્રો! આ તો બધા અંદાજ છે.

1924માં સ્ટાર ફિલ્મ્સના ભાગીદારો છૂટા પડ્યા.

મેજેસ્ટિક થિયેટરના માલિક અરદેશર ઈરાનીએ ‘મેજેસ્ટિક ફિલ્મ કંપની’ બનાવી. ‘મેજેસ્ટિક’ના નેજા હેઠળ અરદેશર ઈરાનીએ માંડ દસ-પંદર ફિલ્મો ઉતારી હોવાનું કહેવાય છે. તેમાં સદાવંત સાવળિંગા, પાપનો ફેજ, આત્મ બળ આદિ ફિલ્મો ઉતારી.

મેજેસ્ટિકની જાણીતી ફિલ્મ ‘પાપનો ફેજ’માં ફિલ્મના ડાયરેકટર નવલ ગાંધી હતા. નવલ ગાંધીનો જન્મ કરાંચી (પાકિસ્તાન)માં 1897માં થયો હતો.

આ ફિલ્મમાં અભિનેતા તરીકે ભગવતીપ્રસાદ મિશ્રાને પસંદ કરાયા હતા. ભગવતીપ્રસાદ મિશ્રા ઉત્તર પ્રદેશના વતની હતા અને અગાઉ ઈરાનીની સ્ટાર ફિલ્મ કંપનીમાં દિગ્દર્શન કરી ચૂક્યા હતા. મિશ્રાજીએ જીવન પર્યંત અરદેશર ઈરાનીનો સાથ નિભાવ્યો. માત્ર છત્રીસ વર્ષની ભર યુવાન વયે તેમનું અવસાન થયું. ભગવતી પ્રસાદ મિશ્રાની આખરી ફિલ્મોમાં એક મહત્વની ફિલ્મ પણ ઈરાની દ્વારા નિર્મિત ‘ઝાલિમ જવાની’ હતી. તે ફિલ્મમાં માસ્ટર વિઠ્ઠલ સાથે એર્મેલિનનો અભિનય હતો.

મેજેસ્ટિક કંપનીએ એકાદ-બે વર્ષનાં અસ્તિત્વમાં ગણીગાંઠી ફિલ્મો બનાવી. 1925માં ઈરાનીએ નવી ફિલ્મનિર્માણ કંપની ‘રોયલ આર્ટ સ્ટુડિયો’ની સ્થાપના કરી. રોયલ આર્ટના નેજા હેઠળ ઈરાનીએ પચીસેક ફિલ્મો બનાવી હોવાનું કહેવાય છે.

ત્યાર બાદ ઈરાનીએ ઇમ્પિરીયલ ફિલ્મ કંપનીની સ્થાપના કરી, જે ભારતના સિનેમા ઉદ્યોગના ઇતિહાસમાં નામના મેળવી ગઈ.

ઈમ્પીરિયલ દ્વારા નિર્મિત “આલમઆરા” હિંદુસ્તાનની પ્રથમ બોલતી ફિલ્મ – ટોકી ફિલ્મ – તરીકે અરદેશર ઈરાનીને અમર કરી ગઈ છે. . . * * **

* *

ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 37) * * અનન્યા/080913/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *

* * * * * * * * **

અનન્યા/080913/ગુજરાતી નેટ જગત

.

અનન્યા/080913/ગુજરાતી નેટ જગત

.

ગુજરાતી નેટ જગત ત્વરાથી વિકસિત થઈ રહ્યું છે.

ગુજરાતમાંથી તેમજ ગુજરાત બહાર, ભારતભરમાંથી જ નહીં, વિશ્વભરમાંથી ગુજરાતી ભાષામાં બ્લોગ્સ પ્રસિદ્ધ કરનાર ગુજરાતી ચાહકોની સંખ્યા વધતી જાય છે.

માત્ર વર્ડપ્રેસ – ગુજરાતીના હોમ-પેજ પર નજર નાખતાં જણાશે કે ‘બ્લોગ્સ ઓફ ધ ડે’ની સંખ્યા નેવુંને પહોંચી જાય છે. આ તો થઈ માત્ર ગુજરાતી વર્ડપ્રેસના ગુજરાતી બ્લોગર્સની સંખ્યા. બ્લોગસ્પોટ અને અન્યત્ર બેશુમાર ગુજરાતી બ્લોગ્સ પ્રગટ થઈ રહ્યાં છે. પોતાના સ્વતંત્ર ડોમેઇન સાથે ગુજરાતી ભાષામાં બ્લોગ્સ અને વેબ-સાઈટ્સ પણ ગુજરાતી નેટ જગતને સમૃદ્ધ કરી રહ્યાં છે.

ગુજરાતી નેટ જગતને સલામ!

તેના પ્રસારમાં નિમિત્ત થનાર પ્રત્યેક ગુજરાતીને અને બિન-ગુજરાતીને પણ સલામ!

ગુજરાતની અસ્મિતાને સલામ!

* * * અનન્યા/080913/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/080913/દેશ-દુનિયા

.

અનન્યા/080913/દેશ-દુનિયા


* ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી), ટેલિકોમ, રીટેઈલ, ફાર્મા- હેલ્થકેર આદિ ક્ષેત્રોનાં નામ મીડિયામાં મોખરે રહે છે. ભારતમાં આઈટી ક્ષેત્રના વિકાસ પર સૌની નજર છે. આંતરરાષ્ટ્રીય અર્થતંત્રના ઉતારચઢાવની અસર આઈટી કંપનીઓ પર પડતી હોવા છતાં તેમનો મોભો અનોખો છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) ફિલ્ડમાં ભારતની મોખરાની આઈટી કંપનીઓમાં ટીસીએસ (ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ), ઇન્ફોસિસ, વિપ્રો, સત્યમ, એચસીએલ આદિનો સમાવેશ થાય છે. * * * * * * અનન્યા/080913/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

*  *  **
* ઓગસ્ટ, 2008માં ચીનની રાજધાની બીજિંગ (બેઈજિંગ / બાઈજિંગ)માં યોજાયેલ 2008 સમર ઓલિમ્પિક્સ ગેઈમ્સના લીધે ચીન (ચાઈના – China) તાજેતરમાં સમાચાર જગતમાં ગાજતું રહ્યું છે.

વિશ્વનો આ 29મો ઓલિમ્પિક રમતોત્સવ ભારત માટે શુકનવંતો રહ્યો. 108 વર્ષના ઓલિમ્પિક ગેઈમ્સના ઈતિહાસમાં ભારતને પ્રથમ વખત વૈયક્તિક સુવર્ણચંદ્રક નસીબ થયો. ભારતના શુટર અભિનવ બિંદ્રાએ 10 મીટર એર રાઈફલ શુટિંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી દેશની શાન વધારી. અભિનવ બિંદ્રા ઓલિમ્પિકમાં ભારતના વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ સ્પર્ધક બન્યા. ચીન ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતને કુલ ત્રણ વ્યક્તિગત ચંદ્રકો પ્રાપ્ત થયા તે ખુશીની વાત.

બીજિંગના 2008 સમર ઓલિમ્પિક્સમાં 51 સુવર્ણ ચંદ્રકો સાથે ચીન પ્રથમ અને 36 સુવર્ણ ચંદ્રકો સાથે અમેરિકા – યુએસએ – બીજા સ્થાને રહ્યા. આ ઓલિમ્પિક રમતોત્સવમાં કુલ 100 ચંદ્રકો જીતવા છતાં યજમાન દેશ ચીનની હાલત ‘કભી ખુશી કભી ગમ’ જેવી થઈ છે. આ રમતોત્સવ પાછળ ચીન સરકારને 70 બિલિયન ડોલરથી વધારે ખર્ચ થઈ ગયો છે. ગમની વાત એ છે કે કે ચીન સરકાર દેશના સ્વાસ્થ્ય, શિક્ષણ અને પર્યાવરણ સંવર્ધન પાછળ કુલ વાર્ષિક 35 બિલિયન ડોલર માંડ ખર્ચી શકે છે!!! * * * અનન્યા/080913/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080913/આજકાલ-સામાન્યજ્ઞાન

.

અનન્યા/080913/આજકાલ-સામાન્યજ્ઞાન

આજ-કાલ

મીડિયામાં હમણાંથી જીનિવા, સ્વિટ્ઝરલેંડ (યુરોપ) ની અણુ સંશોધન સંસ્થા સર્ન (European Organization for Nuclear Research : CERN) નું નામ વારંવાર ચમકે છે. સર્નના ઉપક્રમે યુરોપમાં સ્વિટ્ઝરલેંડ તથા ફ્રાંસની સરહદ પર ભૂગર્ભમાં ઊંડે એકવીસમી સદીનાં મહત્વાકાંક્ષી વૈજ્ઞાનિક પરીક્ષણો ચાલી રહ્યાં છે. હકીકતમાં, બ્રહ્માંડની ઉત્પત્તિનાં રહસ્યો જાણવા માટેનો આ સૌથી ખર્ચાળ પ્રયોગ છે.

આપ કદાચ જાણતાં હશો કે બ્રહ્માંડની ઉત્પત્તિના પ્રચલિત સિદ્ધાંતને ‘બિગ બેંગ થિયરી’ (Big Bang Theory) કહે છે. ‘બિગ બેંગ’ થિયરીને સામાન્ય શબ્દોમાં આમ રજૂ કરી શકાય: કરોડો વર્ષો અગાઉ બ્રહ્માંડનું દ્રવ્ય અતિ ઘનીભૂત – બિંદુવત્ હતું. આ બિંદુવત્ દ્રવ્યમાં મહાવિસ્ફોટ (બિગ બેંગ) થયો અને પરિણામે દ્રવ્ય દૂર દૂર ફેંકાતાં તેમાંથી હાઈડ્રોજન – હિલિયમ આદિ વાયુરૂપ દ્રવ્યોનાં વાદળાં સર્જાયાં. તેમાંથી ગેલેક્સી, તારા, સૂર્યમંડળ આદિ અવકાશી પદાર્થો સર્જાતાં ગયાં.

સર્નના ઉપક્રમે થઈ રહેલ વર્તમાન વૈજ્ઞાનિક પ્રયોગનો હેતુ બિગ બેંગ પર પ્રકાશ પાડવાનો તેમજ મેટર – એનર્જી – ફંડામેન્ટલ ફોર્સિસ – દ્રવ્ય, ઊર્જા, મૂળભૂત બળ – અંગેના કેટલાક વિશેષ કંસેપ્ટ્સ સમજવાનો છે.

આ પ્રયોગ માટેનાં વિરાટ ઉપકરણો સર્ન ( સ્વિટ્ઝરલેંડ, યુરોપ) દ્વારા વિકસાવાયાં છે. મુખ્ય વૈજ્ઞાનિક ઉપકરણનું નામ એલએચસી – લાર્જ હેડ્રોન કોલાઈડર (Large Hedron Collider, LHC) – છે. એંશીથી વધુ દેશોના આઠ હજારથી વધારે વૈજ્ઞાનિકોના સહકારથી થતા આ પ્રયોગમાં અસંખ્ય યુનિવર્સિટીઓ, લેબોરેટરીઓ અને કોર્પોરેટ જગતની દસ હજાર જેટલી કંપનીઓનું યોગદાન છે. * * * અનન્યા/080913/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/

* * *

સામાન્ય જ્ઞાન

બિગ બેંગ થિયરી તથા બ્રહ્માંડની ઉત્પત્તિનાં રહસ્યોનો તાગ મેળવવા વૈજ્ઞાનિકો મથી રહ્યાં છે. આ પ્રયોગ જેની મદદથી થનાર છે તે એલએચસી – લાર્જ હેડ્રોન કોલાઈડર (Large Hedron Collider, LHC) – વિશ્વનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી પાર્ટિકલ એક્સિલરેટર (પ્રોટોન એક્સિલરેટર) છે. આ કોલાઈડરને 27 કિમીના પરિઘવાળી વર્તુળાકાર ટનેલમાં ગોઠવેલ છે. આ ટનેલ યુરોપમાં ફ્રાંસ અને સ્વિટ્ઝરલેંડની સરહદો પર જમીનથી સોએક મીટર નીચે સ્થિત છે.

લાર્જ હેડ્રન કોલાઈડરમાં પ્રથમ હાઈડ્રોજનના અણુઓના ભંજનથી પ્રોટોન મેળવાશે. અસંખ્ય પ્રોટોન્સને પ્રકાશના વેગ (એક સેકંડમાં આશરે ત્રણ લાખ કિમી) થી પરસ્પર અથડાવવામાં આવશે. પરિણામોનો અભ્યાસ કરવામાં આવશે.

આ સમગ્ર પ્રયોગની નિયામક સંશોધન સંસ્થા સર્ન વિશે આપે મધુસંચય પર માહિતી મેળવી છે.

ઇન્ટરનેટ પર વર્લ્ડ વાઈડ વેબ (WWW) ના પ્રણેતા બ્રિટીશ વૈજ્ઞાનિક સર તિમોથી જહોન બર્નેર્સ-લી (Sir Timothy John Berners-Lee) છે જેમની કારકિર્દી સ્વિટ્ઝરલેંડ (યુરોપ)ની સર્ન સાથે જોડાયેલ છે.

1989- 90માં ટિમોથીએ HTTPના ઉપયોગથી ક્લાયંટ તથા સર્વર વચ્ચે સફળતાથી ‘કોમ્યુનિકેશન’ કર્યું. 1990- 91માં સર ટિમોથી જહોન બર્નેર્સ-લીએ સર્ન, સ્વિટ્ઝરલેંડ ખાતે વિશ્વમાં સૌ પ્રથમ વેબ-પેઈજ (વેબ-સાઈટ) તેમજ ઇન્ટરનેટના પ્રથમ બ્રાઉઝરનું સર્જન કર્યું. * * *  *

* **  *  *   *

ગુજરાતી – અંગ્રેજી

આપણે ક્યારેક Etymology, Entomology, Ethnology જેવા શબ્દોમાં ઉલઝી જઈએ છીએ.

Etymologyનો સંબંધ શબ્દોના ઈતિહાસ કે શબ્દોનાં મૂળ (વ્યુત્પત્તિ)ના અભ્યાસ સાથે.

Entomology નો સંબંધ કીટકવિજ્ઞાન અથવા કીટકોના અભ્યાસ સાથે.

Ethnology નો સંબંધ નૃવંશ શાસ્ત્ર કે વિભિન્ન જાતિનાં માનવવંશજોના અભ્યાસ સાથે..

* * **  અનન્યા/080913/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/080913/પ્રથમપૃષ્ઠ

.

“અનન્યા”ના આજના અંકમાં સર્ન , સ્વિટઝર્લેંડ, યુરોપના વૈજ્ઞાનિક પ્રયોગ – બિગ બેંગ થિયરીના એલએચસી પ્રયોગ – ની માહિતી છે, ઉપરાંત ‘ફિલ્મ-સિનેમા’ આદિ અન્ય વિભાગો પ્રગટ થયેલ છે. * * * અનન્યા/080913/હરીશ દવે/ Ananyaa/ * * * * * * ** * * **

અનન્યા/080906/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 36 )

સચીન, દક્ષિણ ગુજરાતના ફાતમા બેગમ (ફાતિમા બેગમ) અને ઝુબેદાજીની વાત કરતાં કરતાં એક વાત નજરે પડે છે. “અનન્યા”ના મારા મિત્રો! મુંબઈમાં હિંદુસ્તાની સિનેમા ઉદ્યોગને વિકસાવવામાં ગુજરાતીઓનો ફાળો અદ્વિતીય છે, પરંતુ આપને એક અચરજ પમાડે તેવી વાત કહું?

દક્ષિણ ગુજરાતમાંથી – સુરત વલસાડ પ્રદેશોમાંથી – બેશુમાર કસબીઓએ ભારતીય ફિલ્મ ઉદ્યોગને સમૃદ્ધ કર્યો છે. થોડાં નામ ગણાવું?

હિંદુસ્તાનની પ્રથમ બોલતી ફિલ્મ (ટોકી ફિલ્મ) આલમઆરાની પ્રથમ ભારતીય અભિનેત્રી ઝુબેદા, ભારતનાં પ્રથમ મહિલા-દિગ્દર્શક ફાતમા બેગમ (ફાતિમા બેગમ), ‘આલમઆરા’ના હીરો માસ્ટર વિઠ્ઠલની પ્રથમ ફિલ્મ કલ્યાણ ખજીનાની અભિનેત્રી સુલતાના (ઝુબેદાની બહેન), ‘મધર ઇંડિયા’ના સર્જક પ્રસિદ્ધ ફિલ્મ પ્રોડ્યુસર-ડાયરેક્ટર મહેબૂબ ખાન, રાજકપૂરના માનીતા વિખ્યાત સંગીતકાર જયકિશન, અમિતાભ બચ્ચનની પ્રતિભા ઉજાળનાર અનાવિલ બ્રાહ્મણ મનમોહન દેસાઈના પિતાશ્રી ફિલ્મ નિર્માતા કીકુભાઈ દેસાઈ, સવાક્ ગુજરાતી સિનેમાના પ્રથમ ગુજરાતી બોલપટના દિગ્દર્શક નાનુભાઈ વકીલ, ‘સોનેરી ખંજર’ ફિલ્મમાં અભિનેત્રી ડોરોથીને દોરવનાર દિગ્દર્શક હર્ષદરાય સાકરલાલ મહેતા, ‘મુંબઈની મોહિની’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મોના દિગ્દર્શક નાનુભાઈ દેસાઈ, વિષ્ણુ સિનેટોનના ધીરુભાઈ દેસાઈ, બેંગલોરમાં સિનેમા ઉદ્યોગ સ્થાપનાર અનાવિલ હરિભાઈ દેસાઈ …… યાદી લંબાતી રહેશે.

મિત્રો! કેટકેટલા ફિલ્મી કસબીઓ દક્ષિણ ગુજરાતમાંથી ચમક્યા!

.
* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 36 ) * * અનન્યા/080906/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *
* * * * * * * * **

* * * * * * * * **

અનન્યા/080906/પ્રથમપૃષ્ઠ

.

અનિવાર્ય સંજોગોને કારણે “અનન્યા”ના આજના અંકમાં માત્ર ‘ફિલ્મ-સિનેમા’નું પૃષ્ઠ પ્રગટ થયેલ છે. સુજ્ઞ વાચકો ક્ષમા કરે!
* * * અનન્યા/080906/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080830/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 35 )

ફાતમા બેગમ (ફાતિમા બેગમ) ને સ્ટાર ફિલ્મ્સની ‘વીર અભિમન્યુ‘ ફિલ્મ ફળી. ત્યારે તેમની પુત્રી ઝુબેદાની ઉંમર માંડ અગિયારેક વર્ષની હતી.

સચીનને અલવિદા કહી ફાતમા બેગમ અને પુત્રીઓ મુંબઈમાં સ્થાયી થયાં.

1924માં સરસ્વતી ફિલ્મ કંપનીની ફિલ્મ ‘સતી સરદારબા‘ આવી. ત્યારે નવી નવી શરૂ થયેલી સરસ્વતી ફિલ્મ્સના સ્થાપક ભોગીલાલ દવે અને નાનુભાઈ દેસાઈ.

સતી સરદારબા ફિલ્મમાં ફાતમા બેગમ, ઝુબેદા તથા સુલતાનાએ રોલ કર્યા.

આમ, હિંદુસ્તાની સિનેમામાં પ્રથમ વખત એક જ ફિલ્મમાં માતા અને બે પુત્રીઓએ એક સાથે અભિનય આપ્યો.

મુંબઈમાં ફાતમા બેગમના કુટુંબને હવે કામનો તોટો ન હતો. સરસ્વતી ઉપરાંત તેમને કોહિનૂર ફિલ્મ્સમાં સ્થાન મળ્યું. કોહિનૂરની કાનજીભાઈ રાઠોડ દિગ્દર્શિત ગુલ-એ-બકાવલિમાં માતા-પુત્રીઓનું કામ વખણાયું. તે જ અરસામાં મણિલાલ જોષી દિગ્દર્શિત પૃથ્વી વલ્લભમાં પણ તેમને ત્રણને અભિનયની તક મળી. કનૈયાલાલ મુનશીની નવલકથા પર આધારિત ફિલ્મ પૃથ્વી વલ્લભમાં ફાતમા બેગમ મૃણાલવતીના રોલમાં હતાં. પૃથ્વી વલ્લભમાં ભાલજી પેંઢારકરનું કામ નોંધવું રહ્યું, કારણ કે પેંઢારકર ભાઈઓ સાથે વિખ્યાત ફિલ્મ નિર્માતા-નિર્દેશક વી. શાંતારામ મહારાષ્ટ્રમાં ફિલ્મ ઉદ્યોગને ખીલવવામાં મોખરે રહ્યા.

પેંઢારકર ભાઈઓ વી. શાંતારામના મસિયાઈ ભાઈઓ થાય.

*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક અનન્યા પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 35 ) * * અનન્યા/080830/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *

અનન્યા/080830/પ્રથમપૃષ્ઠ

.

અનન્યા/080830/પ્રથમપૃષ્ઠ

“અનન્યા”ના આજના અંકમાં ‘ફિલ્મ-સિનેમા’નું પૃષ્ઠ પ્રગટ થયેલ છે.

* * * અનન્યા/080830/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080726/ફિલ્મ-સિનેમા

.

અનન્યા/080726/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 34 )

મિત્રો! આપને અરદેશર ઈરાનીની કહાણીમાં રસ પડ્યો ને ?

અરદેશર ઈરાનીની સ્ટાર ફિલ્મ્સની વાત થતી હોય  ત્યારે ફાતમા બેગમ (ફાતિમા બેગમ), ઝુબેદા અને આલમઆરાની વાત ન આવે તે કેમ ચાલે?

મેં આપને અગાઉ ‘વીર અભિમન્યુ‘ ફિલ્મમાં ફાતમા બેગમની વાત કરી હતી, ધ્યાનમાં છે ને? દક્ષિણ ગુજરાતમાં સુરતમાં અંગ્રેજોની પહેલી વ્યાપારી કોઠી 1613માં નખાઈ, ત્યારે સુરત મહત્વનું બંદર હતું. ત્યાર પછી સુરતનો વિકાસ ઉત્તરોત્તર થતો રહેલો. હિંદુસ્તાનની આઝાદી પૂર્વે પણ સુરત અંગ્રેજ અમલમાં સારું વિકાસ પામેલું.

મિત્રો! સુરતની દક્ષિણે પંદર-વીસ કિલોમીટર દૂર સચીન નામે નવાબી રજવાડું. સચીન સ્ટેટ તરીકે ઓળખાતા આ રજવાડાના નવાબને નવાબી જનાનખાનું.  તેમાં એક બેગમ ફાતમા બેગમ. રાજાશાહીના જમાનામાં માનીતી-અણમાનીતી કે મોભાદાર – બિનમોભાદાર રાણીઓની વાતો આપે સાંભળી હશે! નવાબી જનાનખાનાનો મરતબો ફાતમા બેગમના તકદીરમાં ન હતો.

ફાતમાબેગમને ઝુબેદા, સુલતાના અને શાહજાદી નામે પુત્રીઓ. વીસમી સદીના બે દશકા માંડ વીત્યા હતા. માતા-પુત્રીઓ રંગીન સ્વપ્નાં જોયા કરતાં. ફાતમાબેગમને ફિલ્મી દુનિયાની ચકાચૌંધ મુંબઈ ખેંચી ગઈ.  તે સમયે ‘સ્ટાર ફિલ્મ કંપની’વાળા અરદેશર ઈરાની અને ભોગીલાલ દવે ‘વીર અભિમન્યુ’ની તૈયારીઓ કરતા હતા.

1922માં ફાતમા બેગમ અને સુલતાનાને ફિલ્મ લાઈનમાં એક સાથે એક જ ફિલ્મમાં ‘બ્રેક’ મળ્યો. મા-દીકરીને વીર અભિમન્યુમાં પાત્ર મળી ગયાં. ફાતમા બેગમ સુભદ્રાના અને સુલતાના ઉત્તરાના રોલમાં નામ કમાઈ ગયાં.

મિત્રો! 1931માં  ફાતમા બેગમનાં પુત્રી ઝુબેદા હિંદુસ્તાનની પ્રથમ બોલતી ફિલ્મ – ટોકી સિનેમા – આલમઆરાનાં સર્વ પ્રથમ અભિનેત્રી બન્યાં.

*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક અનન્યા પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 34 ) * * અનન્યા/080726/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *

અનન્યા/080726/પ્રથમપૃષ્ઠ

.

અનન્યા/080726/પ્રથમપૃષ્ઠ

“અનન્યા”ના આજના અંકમાં ‘ફિલ્મ-સિનેમા’નું પૃષ્ઠ પ્રગટ થયેલ છે.

* * * અનન્યા/080726/હરીશ દવે/ Ananyaa/ * * *