.
અનન્યા/080913/ફિલ્મસિનેમા
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 37)
.
અરદેશર ઈરાનીની જીવન કહાણી કહેતાં કહેતાં હું જરા આડી વાતે ચડી ગયો હતો!
મિત્રો! મેં આપને જણાવ્યું કે અરદેશર ઇરાની – ભોગીલાલ દવેની ‘સ્ટાર ફિલ્મ કંપની’એ કેટલીક ફિલ્મો બનાવી.
ઈરાની-દવેની જોડીએ વીર અભિમન્યુ ઉપરાંત ભીષ્મ પિતામહ, પિતૃદ્ધાર, ચંદ્રગુપ્ત આદિ ફિલ્મો બનાવી. સ્ટાર ફિલ્મ્સ દ્વારા બે વર્ષમાં પંદરથી વધુ (કદાચ પાંત્રીસેક?) ફિલ્મોનું નિર્માણ થયું. કાશ! આ બધી ફિલ્મોની તવારીખ સચવાઈ હોત તો કેટલું સારું હતું! તે જમાનાની નામી-અનામી ફિલ્મનિર્માણ કંપનીઓની અગણિત મૂગી ફિલ્મોનો રેકોર્ડ ક્યાં ઉપલબ્ધ છે? મિત્રો! આ તો બધા અંદાજ છે.
1924માં સ્ટાર ફિલ્મ્સના ભાગીદારો છૂટા પડ્યા.
મેજેસ્ટિક થિયેટરના માલિક અરદેશર ઈરાનીએ ‘મેજેસ્ટિક ફિલ્મ કંપની’ બનાવી. ‘મેજેસ્ટિક’ના નેજા હેઠળ અરદેશર ઈરાનીએ માંડ દસ-પંદર ફિલ્મો ઉતારી હોવાનું કહેવાય છે. તેમાં સદાવંત સાવળિંગા, પાપનો ફેજ, આત્મ બળ આદિ ફિલ્મો ઉતારી.
મેજેસ્ટિકની જાણીતી ફિલ્મ ‘પાપનો ફેજ’માં ફિલ્મના ડાયરેકટર નવલ ગાંધી હતા. નવલ ગાંધીનો જન્મ કરાંચી (પાકિસ્તાન)માં 1897માં થયો હતો.
આ ફિલ્મમાં અભિનેતા તરીકે ભગવતીપ્રસાદ મિશ્રાને પસંદ કરાયા હતા. ભગવતીપ્રસાદ મિશ્રા ઉત્તર પ્રદેશના વતની હતા અને અગાઉ ઈરાનીની સ્ટાર ફિલ્મ કંપનીમાં દિગ્દર્શન કરી ચૂક્યા હતા. મિશ્રાજીએ જીવન પર્યંત અરદેશર ઈરાનીનો સાથ નિભાવ્યો. માત્ર છત્રીસ વર્ષની ભર યુવાન વયે તેમનું અવસાન થયું. ભગવતી પ્રસાદ મિશ્રાની આખરી ફિલ્મોમાં એક મહત્વની ફિલ્મ પણ ઈરાની દ્વારા નિર્મિત ‘ઝાલિમ જવાની’ હતી. તે ફિલ્મમાં માસ્ટર વિઠ્ઠલ સાથે એર્મેલિનનો અભિનય હતો.
મેજેસ્ટિક કંપનીએ એકાદ-બે વર્ષનાં અસ્તિત્વમાં ગણીગાંઠી ફિલ્મો બનાવી. 1925માં ઈરાનીએ નવી ફિલ્મનિર્માણ કંપની ‘રોયલ આર્ટ સ્ટુડિયો’ની સ્થાપના કરી. રોયલ આર્ટના નેજા હેઠળ ઈરાનીએ પચીસેક ફિલ્મો બનાવી હોવાનું કહેવાય છે.
ત્યાર બાદ ઈરાનીએ ઇમ્પિરીયલ ફિલ્મ કંપનીની સ્થાપના કરી, જે ભારતના સિનેમા ઉદ્યોગના ઇતિહાસમાં નામના મેળવી ગઈ.
ઈમ્પીરિયલ દ્વારા નિર્મિત “આલમઆરા” હિંદુસ્તાનની પ્રથમ બોલતી ફિલ્મ – ટોકી ફિલ્મ – તરીકે અરદેશર ઈરાનીને અમર કરી ગઈ છે. . . * * **
* *
ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 37) * * અનન્યા/080913/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *
* * * * * * * * **