અનન્યા/080614/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 33)

.

આપ જાણો છો કે મુંબઈમાં અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’1922માં સિનેમા નિર્માણ ક્ષેત્રે શ્રીગણેશ કર્યા.

સ્ટારની પ્રથમ ફિલ્મ ‘વીર અભિમન્યુ.’

ફિલ્મ નિર્માતા ઈરાની-દવે ‘વીર અભિમન્યુ’ને ભવ્ય ઐતિહાસિક ફિલ્મ તરીકે પેશ કરવા માગતા હતા. ફિલ્મ ખર્ચાળ પણ ભવ્ય બને તે માટે સ્ટારના ભાગીદારો સજ્જ હતાતેમણે પોતાની પ્રથમ ફિલ્મ માટે તે મૂંગી ફિલ્મોના જમાનામાં અધ…ધ….ધ કહેવાય તેવું એક લાખ રૂપિયાનું બજેટ રાખ્યું.

વાર્તાકાર મોહનલાલ દવેને રસભરી સ્ક્રીપ્ટ તૈયાર કરવાનું સોંપ્યું.

ફિલ્મનું દિગ્દર્શન મણિલાલ જોશી નામના ગુજરાતીને સોંપ્યું. “અનન્યા”ના મારા મિત્રો! ઈરાની-દવેએ ફિલ્મ માટે કલાકારો પસંદ કરવામાં પણ કસર ન છોડી. ભગવાન શ્રીકૃષ્ણના પાત્ર માટે મદનરાય વકીલ નામના જાણીતા ગુજરાતી કલાકારની વરણી થઈ. દક્ષિણ ગુજરાતમાં સુરત પાસે સચીન સ્ટેટના નવાબી કુટુંબનાં ફાતિમા બેગમ (ફાતમા બેગમ)ની સુભદ્રાના પાત્રમાં અને તેમનાં પુત્રી સુલતાનાની ઉત્તરાના પાત્રમાં પસંદગી થઈ. ફિલ્મમાં અભિમન્યુનું મુખ્ય પાત્ર ફિલ્મ ડાયરેકટર મણિલાલ જોશીએ સ્વયં ભજવ્યું હતું.

ફિલ્મ નિર્માતા ઈરાની-દવે પૌરાણિક કથાની ભવ્યતાને પડદા પર દર્શાવવા ઇચ્છતા હતા. મને યાદ છે, મિત્રો! તેમણે સેંકડોની સંખ્યામાં એક્સટ્રા કલાકારો એકત્ર કર્યા હતા. એક અંદાજ પ્રમાણે ‘વીર અભિમન્યુ’માં પાંચ હજાર એક્સટ્રા કલાકારો હતા.

‘વીર અભિમન્યુ’ ફિલ્મથી અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ પ્રોડક્ષન કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’નું નામ ગાજવા લાગ્યું.

* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 33) * * અનન્યા/080614/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *

* * * * * * * * **

અનન્યા/080614/ગુજરાતી નેટ જગત

.

“મધુસંચય” પર મારી લેખમાળા ‘બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત’ ના એક લેખમાં મેં બ્લોગ્સ પરની કોમેન્ટની અગત્ય સમજાવી હતી. આપણે સામાન્ય રીતે કોમેન્ટ લખવાનો વિવેક દર્શાવવા કે ફરજ બજાવવા કે સમયના અભાવે “સુંદર માહિતી”, “સુંદર પોસ્ટ”, “વાંચવાની મઝા આવી”, “Thanks for information” લખીને છૂટી જતા હોઇએ છીએ.

ગયા સપ્તાહે ગુજરાતી બ્લોગ્સની મુલાકાત લેતાં લેતાં એક બ્લોગ પર ડો. વિવેકભાઈ ટેઇલરની અર્થપૂર્ણ, લક્ષ્યવેધી, માર્મિક કોમેન્ટ નજરે ચઢી. દરેક સાહિત્યચાહક મિત્રે વાંચવા જેવી અને મનન કરવા જેવી કોમેન્ટ છે. ગુજરાતી નેટ પર કોમેન્ટ લખવા ઇચ્છતા દરેક નવાગંતુકને આ કોમેન્ટ આદર્શરૂપ અને પ્રેરણારૂપ બને તેમ હું ઇચ્છું છું. તેથી તે બ્લોગર મિત્ર અને મારા અંગત મિત્ર વિવેકની દરિયાવદિલ મંજૂરીની અપેક્ષાએ આપ સમક્ષ તે કોમેન્ટ ડો. વિવેકના મૂળ શબ્દોમાં જ રજૂ કરું છું.

“પ્રિય મિત્ર રાજીવ,

આ એક ખૂબ જ સરસ શરૂઆત છે. ખૂબ ખૂબ અભિનંદન…ગાલિબ વિશે વેબ-સાઈટ બનાવવાનું મારૂં પણ એક સ્વપ્ન છે. પણ એક વણમાંગી સલાહ જરૂર આપીશ. ગઝલો સાંભળીને ટાઈપ કરવામાં કવિને આપણે જે અન્યાય કરી બેસીએ છીએ એ અક્ષમ્ય ગણાય. અહીં આપણે અજ્ઞાન નહીં, જ્ઞાન વહેંચવા બેઠા છીએ એટલે જોડણીની ભૂલોને બાદ કરતાં, શબ્દોની ભૂલો થાય એ ચલાવી ન જ લેવું જોઈએ. આ ગઝલમાં કુલ દસ શેર છે જેમાંથી માત્ર અડધા અહીં હાજર છે. દરેક કાફિયામાં શબ્દાંતે દીર્ઘ ઊ છે એના બદલે આપે હ્રસ્વ ઉ થી કામ ચલાવ્યું છે, જેમ કે तू, गुफ़्तगू, लहू, रफ़ू, जुस्तजू વગેરે. ઉર્દૂમાં સામાન્યરીતે कि લખવાનો રિવાજ છે, જ્યારે આપે के થી કામ ચલાવ્યું છે. चिपक रहा है बदन पर लहू से पैराहन માં આપે શ્રવણક્ષતિના કારણે टिपक થી શરૂઆત કરી છે. कुरेदते हो जो अब राख માં રા પછીનો ख જ રહી ગયો છે. रही ना ताकते-गुफ़्तार और अगर માં लगर લખાઈ ગયું છે. વળી જ્યાં फ़ હોવો જોઈએ ત્યાં બધે फ થી કામ ચલાવ્યું છે. એટલે આ ગઝલનો મક્તો મારે ગાલિબ તરફથી વકાલતના તૌર પર કહેવો પડે છે:

हुआ है शह का मुसाहिब, फिरे है इतराता

वगर्ना शहरमें ‘गालिब’की आबरु क्या है….”

(રાજીવભાઈ અને વિવેકભાઈ પ્રત્યે આભારની લાગણી સાથે…. )

* * * અનન્યા/080614/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080614/દેશ-દુનિયા

.
* સુનીલ મિત્તલની ભારતની આગેવાન ટેલિકોમ કંપની ભારતી એરટેલ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં વિશ્વની પ્રમુખ કંપનીઓ સાથે તાલ મિલાવી રહી છે. ભારતી એરટેલ ભારત અને યુરોપ વચ્ચે હાઇ બેંડવિડ્થ ઓપ્ટિકલ ફાઇબર ગેઇટવેના નિર્માણમાં સહયોગ આપશે. આ ભગીરથ કાર્યમાં એટીટી (યુએસએ) અને બીટી ગૃપ (યુકે) જેવી જાયંટ મલ્ટીનેશનલ કંપનીઓ સાથે ભારતી એરટેલ જોડાશે. * * * અનન્યા/080614/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* ભારતીય ટેલિવિઝન પર અગ્રણી ટીવી ચેનલોમાં પ્રણય રોય (પ્રન્નોય રોય) નું એનડીટીવી ગ્રુપ આગલી હરોળમાં છે. પ્રણય રોય – રાધિકા રોયના એનડીટીવી NDTV ગ્રુપની એનડીટીવી ઇમેજીન (NDTV Imagine) ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝુકાવી રહી છે. હોમ વિડિયો તથા થિયેટર બંને સેગ્મેન્ટ માટે એનડીટીવી ફિલ્મો બનાવશે તેવું મનાય છે. ભારતમાં બાળકો માટેની ટીવી ચેનલ્સમાં સ્પર્ધા વધી રહી છે. હંગામા ટીવી, પોગો અને કાર્ટૂન નેટ વર્ક સામે વાયાકોમ 18ની નિકોલડીઓનનો ગ્રોથ રેટ સારો રહ્યો છે. * *

* યુનાટેડ નેશન્સ (UN – United Nations) ના નેજા નીચે ગયા વર્ષે વિશ્વના પર્યાવરણના સંરક્ષણ માટે ‘Caring for the Climate’ મુવમેન્ટ શરૂ કરાઈ છે. તેમાં વિશ્વના 200થી મોટા ઉદ્યોગોએ ભાગ લીધો છે. ભારતમાંથી ટાટા સ્ટીલ (ટાટા ગ્રુપ ઓફ કંપનીઝ) અને ઓએનજીસી બે કંપનીઓએ તેમાં સહયોગ માટે જાહેરાત કરી છે. બંને કંપનીઓ પ્રતિ વર્ષ પોતાના કાર્બન એમિશનના આંકડા જાહેર કરશે. * * અનન્યા/080614/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* યુએસએ (યુનાટેડ સ્ટેટસ ઓફ અમેરિકા – USA) ની સબ-પ્રાઈમ ક્રાઇસિસનાં પરિણામો હજી ‘આફ્ટર-શોક્સ’ આપી રહ્યાં છે. સબ-પ્રાઈમ ક્રાઇસિસને લીધે અમેરિકન બેંકિંગ ઇંડસ્ટ્રી અને ફાઇનાંશિયલ કંપનીઓએ ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

અમેરિકા સ્થિત યુનાઇટેડ નેશન્સના ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇ એમ એફ – IMF)ના અંદાજ પ્રમાણે અમેરિકન અર્થવ્યવસ્થાને નુકશાન એક ટ્રીલિયન ડોલર જેટલું છે. જો કે બીજી કેટલીક સંસ્થાઓ આ નુકશાન 400 બિલિયન ડોલર સુધી આંકે છે. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં મેરિલ લિંચ દ્વારા 200 મિલિયન ડોલરથી પણ વધુ નુકશાનનો અંદાજ છે. * * * અનન્યા/080614/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080614/આજકાલ-સામાન્યજ્ઞાન

.

આજકાલ
.
ક્રુડ ઓઇલ – પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ આસમાને પહોંચ્યા છે. વિશ્વની અર્થવ્યવસ્થાઓનાં સંતુલન બગડતાં જાય છે. દેશ દેશનાં આર્થિક – વાણિજ્ય વ્યવહારોની સમસ્યાઓ વધતી જાય છે.

ગઈ કાલની દુનિયા સંપૂર્ણપણે પેટ્રોલિયમ પ્રોડક્ટસના જોરે દોડતી હતી.

આજે બિનપ્રણાલીગત ઊર્જાસ્રોત તરફ ઝોક વધ્યો છે. ભારતમાં એનર્જીની જરૂરત કૂદકે અને ભૂસકે વધતી જાય છે. ઇલેક્ટ્રીસિટી – વિદ્યુત ઉત્પાદન ક્ષમતા મર્યાદિત છે. આ સંજોગોમાં ભારત સરકાર વૈકલ્પિક ઊર્જા સ્રોતો (Alternate Sources of energy) પર વિચારી રહી છે.

પવન ઊર્જા (Wind energy) તથા સૌર ઊર્જા (Solar energy) ભારત જેવા દેશ માટે ઉત્તમ ઊર્જા સ્રોતો છે. વિંડ એનર્જી પાવરના ક્ષેત્રે ગુજરાતી ઉદ્યોગપતિ તુલસીભાઈ તંતીની સુઝલોન જેવી ખાનગી કંપની વિકસી રહી છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે.

સૌર ઊર્જા માટે ભારતમાં ઘણો સ્કોપ છે. ભારત સરકારે સેમી કંડકટર ઉત્પાદન તથા તેને સંલગ્ન ઉદ્યોગો અને સોલર સેલ ફેબ્રિકેશન યુનિટસને મોટી આર્થિક સહાય સહિતનાં આકર્ષક પેકેજ જાહેર કર્યાં છે. ભારતમાં મોટા ભાગના પ્રદેશોમાં વર્ષ દરમ્યાન 2300 થી 3000 કલાક સૌર ઊર્જા પ્રાપ્ત કરી શકાય તેવો સૂર્યપ્રકાશ ઉપલબ્ધ હોય છે. વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં ઊર્જા ક્ષેત્રોમાં આવી રહી છે. અમેરિકાની કેલિફોર્નિયાની Signet Solar ભારતમાં ફોટોવોલ્ટેઈક ક્ષેત્રે આઠસો કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. ફોટોવોલ્ટેઈક યુનિટ્સના ઉત્પાદનમાં મોઝર બેર Moser Baer પણ જંગી રોકાણ કરી રહી છે. નેનોટેક સિલિકોન ઇન્ડિયાનું પણ આશરે આઠસો કરોડ રૂપિયાના રોકાણનું આયોજન છે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ સેમીકંડકટર તેમજ ફોટોવોલ્ટેઈક સંલગ્ન વિવિધ ક્ષેત્રોમાં 30,000 કરોડ રૂપિયાના જંગી રોકાણ માટે આયોજન કરી રહી છે. * * * અનન્યા/080614/ આજકાલ /હરીશ દવે/ Ananyaa/ * * *

.

સામાન્યજ્ઞાન
.
ભારતના ઇતિહાસમાં દિલ્હી અને પાણીપતનું મહત્વ ઘણું રહ્યું છે. ભારતીય તવારીખમાં પાણીપતનાં ત્રણ યુદ્ધોહિંદુસ્તાનની તકદીર રેખાઓ પલટી છે.

1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ દિલ્હીના સુલતાન ઇબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે થયું. તેમાં ઇબ્રાહીમ લોદીની હાર થઈ; મોગલ સમ્રાટ બાબરની જીત સાથે હિંદુસ્તાનમાં મોગલ સામ્રાજ્યની સ્થાપના થઈ.

1556માં પાણીપતનું બીજું યુદ્ધ હેમુ અને અકબર વચ્ચે થયું. તેમાં મોગલ સમ્રાટ અકબરની જીત થતાં હિંદુસ્તાનમાં અકબરના શકવર્તી શાસનનો આરંભ થયો.

1761માં પાણીપતનું ત્રીજું યુદ્ધ અહમદશાહ અબદાલી અને મરાઠી પેશ્વા બાલાજી બાજીરાવ વચ્ચે થયું. તેમાં પેશ્વાની હાર થતાં મરાઠા શાસનનો અંત આવ્યો.

.

ગુજરાતી-અંગ્રેજી


અંગ્રેજી ભાષામાં એક મૂળ Rect / Recti છે. તેનો અર્થ થાય છે Straight અથવા Right. તેનાં પરથી બનતાં શબ્દોના અર્થ જાતે જ સમજી શકાય તેવા છે.

Rectangle એટલે Right-angled parallelogram.

Rectilinear એટલે Formed by a straight line.

Rectify એટલે To set right, to correct an error.

Direct એટલે To show the way, to guide.

* * *

અનન્યા/080614/પ્રથમપૃષ્ઠ

.

સાહિત્યસર્જનને અર્થપૂર્ણ પ્રતિભાવોની અપેક્ષા હોય છે, ભલે અભિવ્યક્તિનું માધ્યમ કોઇ પણ હોય.

ગુજરાતી બ્લોગિંગનું ધોરણ સુધારવા વાચકો પ્રતિભાવો દ્વારા શું ફાળો આપી શકે? ગુજરાતી બ્લોગ્સ પર કોમેન્ટસનું મહત્વ શું? સચોટ અને અર્થસૂચક કોમેન્ટ કોને કહેવાય? આ પ્રશ્નોનું મહત્વ આપ સમજી શકો છો.

“અનન્યા”ના આજના અંકમાં તે સંદર્ભે ‘ગુજરાતી નેટ જગત’ના પૃષ્ઠ પર ડો. વિવેક ટેઇલરની એક રચનાત્મક કોમેન્ટને બિરદાવી છે. * * * અનન્યા/080614/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080607/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 32)

.

મેં આપને ભોગીલાલ દવેના અમેરિકા-પ્રવાસની તથા અરદેશર ઈરાનીના ડિસ્ટ્રીબ્યુશન વ્યવસાયની વાતો કરી.

ભોગીલાલ દવેના મામાના દીકરા મયાશંકર ભટ્ટ દાદાસાહેબ ફાકેની હિંદુસ્તાન ફિલ્મ કંપનીના ફિલ્મ-વિતરક હતા.

અમેરિકાથી હિંદુસ્તાન પરત આવેલા ભોગીલાલ દવેનો પરિચય અરદેશર ઈરાની સાથે થયો. બંનેને મિત્રતા થઈ અને તેમણે ફિલ્મ નિર્માણ અર્થે ભાગીદારી કંપની ઊભી કરી. મુંબઈમાં અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ પ્રોડક્ષન કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’ અસ્તિત્વમાં આવી.

“અનન્યા”ના મારા મિત્રો! મૂંગી સિનેમા (સાયલેન્ટ મુવી) ના તે જમાનામાં પૌરાણિક કથાઓની ફિલ્મો ખૂબ ચાલતી. મેં અગાઉ આપને મોહનલાલ દવે ની વાત કહી હતી.

ગુજરાતી પટકથા લેખક મોહનલાલ ગોપાળદાસ દવે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ સ્ટોરી રાઈટર.

ઇરાની શેઠે મોહનલાલ જી. દવેને ફિલ્મ માટે સારો વિષય અને સબળ પટકથા – સ્ક્રીપ્ટ – સૂચવવા અનુરોધ કર્યો.

તેમાંથી ઈરાની – દવેની ‘સ્ટાર ફિલ્મ કંપની’ની પ્રથમ ફિલ્મ ‘વીર અભિમન્યુ” બની.

ફિલ્મ વિશે હું કાંઈ કહું તે પહેલાં આપ મને અભિમન્યુ વિશે પ્રશ્ન કરવાના છો.

વેદ વ્યાસના અમર મહાકાવ્ય ‘મહાભારત’નું એક ઉત્તમ પાત્ર, વીર છતાં અતિ કરુણ પાત્ર તે અભિમન્યુ.

મહાભારતની કથા પ્રમાણે અર્જુનનાં એક પત્ની સુભદ્રા. ભગવાન શ્રીકૃષ્ણનાં બહેન સુભદ્રાજીનું હરણ કરી અર્જુને તેમની સાથે વિવાહ ફરેલા.

અર્જુન – સુભદ્રાનો મહા પરાક્રમી પુત્ર તે અભિમન્યુ.

અભિમન્યુને બે પત્નીઓ હતી. એક પત્ની વિરાટ રાજાની પુત્રી ઉત્તરા. બીજી પત્ની ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામની પુત્રી વત્સલા.

મહાભારતના યુદ્ધમાં કૌરવોએ દુર્ભેદ્ય ચક્રવ્યૂહ રચ્યો. તેરમા દિવસે વીર અભિમન્યુ એકલે હાથે તેના કોઠા ભેદવા લાગ્યો. છેક છેલ્લે કોઠે કૌરવ પક્ષના છ યોદ્ધાઓએ ભેગા મળી અભિમન્યુ પર હુમલો કર્યો.

ભારે શૌર્ય દાખવી, એકલે હાથે યુદ્ધ કરતાં કરતાં અભિમન્યુ વીર ગતિ પામ્યો.

તે સમયે ઉત્તરા ગર્ભવતી હતી. અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર તે રાજા પરીક્ષિત, જેમણે શુકદેવજી પાસેથી ભાગવત કથા સાંભળી હતી.

અભિમન્યુની કરુણ – વીર રસથી ભરી ગાથાને સ્ટાર ફિલ્મ કંપનીએ સુંદર ચિત્રણ કરી 1922માં ભવ્ય ફિલ્મરૂપે ‘વીર અભિમન્યુ’ રજૂ કરી.

* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 32) * * અનન્યા/080607/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

* * * * * * * * *** * * * *

* * *** * * * * * * * ** * * * * * * **

અનન્યા/080607/ગુજરાતી નેટ જગત

.

ગુજરાતી નેટ જગતમાં તાજેતરમાં ‘જરા હટકે’ હોય તેવા નવા બ્લોગ્સ દેખાવા લાગ્યા છે.

અમે “મધુસંચય” અને “અનન્યા” પર વારંવાર આ પ્રકારના બ્લોગ્સની હિમાયત કરી છે.

આજે શ્રી હરસુખભાઈ થાનકીના બ્લોગની વાત કરું. શ્રી હરસુખભાઈ પત્રકારત્વ અને લેખન ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. બ્લોગની ગુણવત્તાનો એક માપદંડ તેની પોસ્ટ્સના વિષયોની સમૃદ્ધિ છે. પોસ્ટસની વિવિધતા જુઓ – પોલીએના, જુથિકા રોય (જ્યુથિકા રે), ગ્રેટા ગાર્બો અને અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીની ચર્ચા કરતી પોસ્ટસ…..! આપે હરસુખભાઈની પોસ્ટ્સની રેઈન્જ માણવા ‘હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ’ની મુલાકાત લેવી જ જોઇએ. .
* * * અનન્યા/080607/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/080607/દેશ-દુનિયા

.
* જો ભારતની જીડીપી (Gross Domestic Product – GDP of India) નો વૃદ્ધિદર 7 થી 8 ટકા જેટલો રહે, તો 2025 સુધીમાં ભારતની એનર્જીની જરૂરત લગભગ બમણી થશે અને 2035 સુધીમાં તે ચાર ગણી વધી ગઈ હશે! * * *

* ભારતીય કંપનીઓ અને ભારતમાં કારોબાર કરતી મલ્ટીનેશનલ કંપનીઓ માર્કેટિંગ વ્યુહ રચનાઓ (માર્કેટિંગ સ્ટ્રેટેજીઝ) માં અવનવા ફેરફાર કરતી રહે છે.

મોબાઇલ ફોન કંપની હચને જ્યારે વોડાફોન દ્વારા ખરીદવામાં આવી ત્યારે કરોડો રૂપિયા ખર્ચીને તેનાં નામ અને લોગો (logo) બદલવામાં આવ્યાં હતાં. હમણાં શોપર્સ સ્ટોપના લોગોને બદલવામાં આવ્યો તેની એડ “અનન્યા”ના વાચકોએ ટીવી પર જોઇ હશે. સિયેટ ટાયર કંપનીએ પણ પોતાના લોગોમાં ફેરફાર કર્યો છે. અત્યારના ‘એનર્જી’ના મુદ્દાને ધ્યાનમાં રાખી CEAT શબ્દમાં E અક્ષરને વિશેષ ‘યુવાન અને એનર્જેટિક’ બનાવાયો છે. પણ સિયેટને આમ યુવાન બનવાનો ખર્ચો 40 કરોડને આંબશે! વર્ષોથી આપણે ગોદરેજ (Godrej) ના લોગોને એકધારા કાળા રંગમાં જોતાં આવતાં હતાં. ગોદરેજના લોગોને પણ યુવાની ફૂટી છે! તેનાં રંગરૂપમાં સો કરોડના ખર્ચે નિખાર આવ્યો છે. ક્રિકેટશોખીનોએ તાજેતરમાં ‘આઇપીએલ’ (IPL Indian Premier League) ની T-20 ક્રિકેટ ટુર્નામેન્ટની 20-20 ક્રિકેટ મેચો ટેલિવિઝન પર જોઇ હશે. (ક્રિકેટ મેચો કે ક્રિકેટ મેચીઝ લખું? માફ કરજો, આ મૂંઝવણ હંમેશા રહેશે.) આઈપીએલની ક્રિકેટ મેચો દરમ્યાન ગોદરેજના નવા રંગીન લોગોની એડ વારંવાર દર્શકોની નજરે ચડી હતી. ** * * અનન્યા/080607/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* ટેલિકોમ ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફોન સર્વિસ કંપની ચીન (China) ની ‘ચાઇના મોબાઇલ’ છે. ચાઇના મોબાઇલના સાડત્રીસ કરોડ ગ્રાહકો છે. * * *

* અનિલ અંબાણીના સંચાલનમાં રિલાયન્સ એડીએ ગ્રુપ મનોરંજન ક્ષેત્રમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે. રિલાયન્સ એડીએના રિલાયન્સ બિગ એન્ટરટેઇનમેન્ટ (RBEL) દ્વારા 100 મિલિયન ડોલરનું રોકાણ કરવાનું આયોજન છે. તે અંતર્ગત અમેરિકાના વોશિંગ્ટન, શિકાગો આદિ શહેરોમાં 200 થી વધુ સિનેમાગૃહ ખરીદવામાં આવ્યાં છે.

વળી રિલાયન્સ RBEL હોલિવુડના ટોપ સ્ટાર્સને લઈને જંગી બજેટના ફિલ્મ નિર્માણમાં પણ ઝુકાવવાનું છે. વિલ સ્મિથ, ટોમ ક્રુઝ, જ્યોર્જ ક્લુની આદિ અભિનેતાઓનાં નામ રિલાયન્સ એડીએ RBEL સાથે સંભળાઈ રહ્યાં છે.* * * અનન્યા/080607/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080607/આજકાલ-સામાન્યજ્ઞાન

.

આજકાલ

* વિશ્વની આર્થિક વ્યવસ્થાનાં સમીકરણો બદલાઈ રહ્યાં છે.

ગઈ કાલના વિશ્વમાં અમેરિકા અને જાપાનની તૂતી બોલતી હતી. અમેરિકા અને યુરોપનાં માર્કેટ મહત્વનાં હતાં.

હવે વિશ્વના અર્થશાસ્ત્રીઓ બ્રિક (BRIC) દેશો – બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના – પર મીટ માંડી બેઠા છે.

આપણે બ્રાઝિલ અને ભારત પર દ્રષ્ટિપાત કરીએ.

બ્રાઝિલની માથાદીઠ આવક – પર કેપિટા ઇન્કમ 5115 ડોલર છે, જ્યારે ભારતની માથાદીઠ આવક માત્ર 735 ડોલર છે.

બ્રાઝિલ અને ભારતમાં ઉદ્યોગો વિકસી રહ્યાં છે તેમજ ગણનાપાત્ર સ્પેંડિંગ કેપેસિટી ધરાવતો વર્ગ ઊભરી રહ્યો છે. 2006-07માં બ્રાઝિલને અનાયાસે પેટ્રોલિયમ ક્ષેત્રોનો મોટો ભંડાર હાથ લાગ્યો છે. આ તેલક્ષેત્રોમાં ક્રુડનો એટલો મોટો જથ્થો છે કે બ્રાઝિલ રાતોરાત દુનિયાના સૌથી મોટા દસ ઓઇલ-રીચ દેશોમાં ગણાવા લાગ્યું છે.

બ્રાઝિલની ગેર્ડો સ્ટીલ કંપની ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા – બંને ખંડોમાં સૌથી મોટી સ્ટીલ કંપની છે. બ્રાઝિલ વિશ્વનાં ટોચના દસ ઓટો મેન્યુફેક્ચરીંગ દેશોમાંથી એક છે. બ્રાઝિલની માર્કોપોલો કંપની પેસેંજર બસ અને કોચ બનાવતી અગ્રણી કંપની છે. ભારતના ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સ અને બ્રાઝિલની માર્કોપોલો વચ્ચે કરાર થયા છે. ટાટા મોટર્સ અને માર્કોપોલો વચ્ચેના જોઇન્ટ વેન્ચર પ્લાન્ટમાં ઉત્પાદિત પેસેંજર બસોને ભારતમાં માર્કેટ મળી રહેશે. તેમને અત્યારે જ દિલ્હી ડીટીસી (DTC Delhi Transport Corporation) નો ઓર્ડર મળી ગયો છે. * * * અનન્યા/080607/ આજકાલ/હરીશ દવે/* * * સામાન્યજ્ઞાન

* કોઈ માની શકે કે હજી હમણાં સુધી અમેરિકાનો સભ્ય સમાજ રંગભેદની શરમજનક ચુંગાલમાં સબડતો હતો?

અમેરિકાએ 1776માં પોતાને સ્વતંત્ર દેશ ‘યુ.એસ. એ’ તરીકે ઘોષિત કર્યો. તે પછી લગભગ બસો વર્ષ સુધી અમેરિકાની અશ્વેત પ્રજા (the Blacks) (ખાસ કરીને દક્ષિણ અમેરિકાનાના રાજ્યોમાં) સામાજિક અન્યાય અને ઉપેક્ષાઓનો ભોગ બનતી રહી. છેક 1954માં અમેરિકાની સુપ્રિમ કોર્ટ દ્વારા પબ્લિક સ્કૂલ્સમાં જાતિભેદ/વર્ણભેદ આધારિત વ્યવસ્થા રેશિયલ સેગ્રીગેશન (Racial segregation) ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી. 1955માં દક્ષિણ અમેરિકાના અલબામા રાજ્યમાં અશ્વેત મહિલા રોઝા પાર્કસ (Rosa Parks) સાથેનો વિશ્વવિખ્યાત મોન્ટગોમેરી બસ બનાવ બન્યો. પરિણામે અમેરિકામાં અશ્વેતોની સિવિલ રાઈટ્સ મુવમેંટને વેગ મળ્યો. 1957માં અમેરિકન કોંગ્રેસમાં અશ્વેતો માટેનું સિવિલ રાઈટ્સ બિલ પસાર થયું. 1961માં આંતરરાજ્ય વાહનવ્યવહારમાં અશ્વેતો માટેના ‘સેગ્રીગેશન’ સામે લડત શરૂ થઈ. 1963માં અમેરિકાના પાટનગર વોશિંગ્ટન (ડીસી) માં અશ્વેતોની જંગી રેલીને અશ્વેત નેતા માર્ટીન લ્યુથર કિંગ દ્વારા સંબોધન કરવામાં આવ્યું જે ‘આઈ હેવ અ ડ્રીમ (I have a dream)’ના નામે ઇતિહાસમાં અમર થઈ ગયું. 1968માં માર્ટીન લ્યુથર કિંગની હત્યા થઈ ત્યાં સુધીમાં અશ્વેતો માટેની રંગભેદ નીતિમાં ઘણા સુધારા થઈ ચૂક્યા હતા. આમ, માંડ ચાર પાંચ દાયકા પહેલાં જ અમેરિકામાં અશ્વેતોની સ્થિતિ સાચા અર્થમાં સુધરતી દેખાઈ. * * * અનન્યા/080607/સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

ગુજરાતી-અંગ્રેજી

આજે ગુજરાતી ભાષાના કેટલાક વિદેશી મૂળના શબ્દો પર નજર નાખીએ. ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો વિદેશી ભાષા પરથી ઊતરી આવ્યા છે. કેટલાક શબ્દો ગુજરાતીમાં એવા ભળી ગયા છે કે તેમનાં મૂળ અન્ય ભાષામાં હોવાનો ખ્યાલ સરખો ન આવે!

આવા ત્રણ શબ્દો જોઈએ: રૂબરૂ, રૂમાલ અને આબરૂ.

ગુજરાતી ભાષામાં રોજબરોજ વપરાતા આ ત્રણ શબ્દો ફારસી ભાષા પરથી ઊતરી આવ્યા છે. તેમનું મૂળ ફારસી શબ્દ ‘રૂ’ છે. ફારસી ભાષામાં ‘રૂ’નો અર્થ છે મોં.

રૂ – બ – રૂ અર્થાત્ મોં સામે મોં. રૂબરૂ એટલે મોઢામોઢ, પ્રત્યક્ષ.

રૂ – માલ (રૂ + માલિદન = મસળવું).  રૂમાલ અર્થાત્ મોંને લૂછવાનું કપડું.

આબરૂ શબ્દના મૂળમાં આબ (પાણી, તેજ) તથા રૂ શબ્દો છે. આબરૂ અર્થાત્ મોંનું તેજ એટલે પ્રતિષ્ઠા.
* * * અનન્યા/080607/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080607/પ્રથમપૃષ્ઠ

.

* * ** * ** * ** ** * * * * * * * **

“અનન્યા”ના આજના અંકમાં તમામ પૃષ્ઠોનો રસથાળ પુનઃ પ્રસ્તુત છે.

‘આજકાલ’માં બ્રાઝિલના સંદર્ભે દુનિયાની ઊભરતી નવી આર્થિક વ્યવસ્થાની ઝાંખી થાય છે.

ફિલ્મ-સિનેમા’ના પૃષ્ઠ પર અરદેશર ઈરાનીની 1922માં રજૂ થયેલી બોલિવુડની પ્રથમ ભવ્યાતિભવ્ય ફિલ્મ ‘વીર અભિમન્યુ’ની કથાનું ચિત્રણ છે. આપના પ્રતિભાવની પ્રતીક્ષા અપેક્ષિત છે.

* * * અનન્યા/080607/હરીશ દવે/ Ananyaa/ * * *