.
અનન્યા/080315/ફિલ્મ-સિનેમા
.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 20)
ભારતના સિનેમા ઉદ્યોગની તવારીખમાં ગુજરાતી મિત્રો દ્વારકાદાસ સંપત (સંપટ) અને માણેકલાલ પટેલના બહુમૂલ્ય યોગદાનની વાતોનો પાર આવી શકવાનો નથી.
મેં તો મારી સગી આંખોથી ગુજરાતના આ સપૂતોની કાર્યસિદ્ધિઓ નિહાળી છે. દ્વારકાદાસ સંપતની ‘કોહિનૂર ફિલ્મ કંપની’ને હિંદુસ્તાનની ‘એમજીએમ – મેટ્રો-ગોલ્ડવિન-મેયર (MGM, USA)’ તરીકે નવાજવામાં આવી તેમાં બોલિવુડ અને હોલિવુડ – બંનેનું સન્માન હતું. મર્યાદિત સંસાધનો અને ટેકનોલોજીથી ફિલ્મ બનાવતી બે ગુજરાતીઓની ભારતીય ફિલ્મ કંપનીની સરખામણી અમેરિકાના હોલિવુડની એક કંપની સાથે થાય તે ગુજરાતની યશગાથામાં એક સુવર્ણ સિદ્ધિ છે.
દ્વારકાદાસની કોહિનૂર ફિલ્મ કંપનીએ ભારતીય ચલચિત્ર ઉદ્યોગને એક એકથી ચડિયાતા પ્રતિભાવાન કલાકારોની બક્ષિસ આપી છે. કોહિનૂરમાં કામ કરનાર કેટકેટલાં કસબીઓનાં તકદીર પલટાઇ ગયાં!!
કાનજીભાઈ રાઠોડની વાત તો આપે ‘અનન્યા’ના આગલા એક અંકમાં જાણી.
પ્રિય મિત્રો!! આપ હિંદુસ્તાનના ફિલ્મ ઉદ્યોગના પ્રથમ બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહને જાણો છો.
જામનગરના ગુજરાતી ચંદુલાલ શાહની કંપની રણજીત મુવિટોનમાં એક જમાનામાં 750 કર્મચારીઓ કામ કરતા. રણજીત ફિલ્મ કંપનીમાં એક વર્ષમાં 5 થી 6 ફિલ્મો બનતી.
‘અનન્યા’ના મિત્રો!! સરદાર ચંદુલાલ શાહની કારકિર્દી ઘડનાર કોહિનૂર ફિલ્મ્સ. દ્વારકાદાસ સંપતની ‘કોહિનૂર ફિલ્મ કંપની’માં રણજીતના સરદાર ચંદુલાલ શાહ સ્ટોરી રાઇટર હતા. પછી આસિસ્ટંટ ડાયરેક્ટર બન્યા.
કોહિનૂરની બોલિવુડના ફિલ્મ ઉદ્યોગને બીજી એક કીમતી ભેટ તે મોહન ભવનાની. મોહન ભવનાની કોહિનૂર છોડ્યા પછી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે નામ કમાયા. ‘અનન્યા’ના મારા મિત્રોને મોહન ભવનાનીની એક વાક્યમાં ઓળખ આપું?
ભારતીય ફિલ્મ ઉદ્યોગના મહાન સંગીતકાર નૌશાદને ફિલ્મી દુનિયામાં લાવનાર મોહન ભવનાની.
મોહન ભવનાનીની ફિલ્મ ‘પ્રેમનગર’ તે સંગીતકાર નૌશાદની પ્રથમ ફિલ્મ.
આપે અમદાવાદના વિષ્ણુકુમાર મગનલાલ વ્યાસનું નામ સાંભળ્યું છે? નહીં ને?
અમદાવાદમાં જન્મેલ – આઝાદી પૂર્વેના સમયના – એકમાત્ર નામાંકિત ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટરને આપણે જાણતા નથી!!! કદાચ આપ તેમને વી. એમ વ્યાસ તરીકે જાણતા હશો.
અમદાવાદના વી.એમ. વ્યાસની 1952માં ફિલ્મ આવેલી ‘સંસ્કાર’. તે અભિનેત્રી મુમતાઝ (ઉર્ફે મુમુ)ની સર્વ પ્રથમ ફિલ્મ.
વી. એમ. વ્યાસની ફિલ્મ ‘સંસ્કાર’માં માત્ર પાંચ વર્ષની મુમતાઝ બાળ કલાકાર (ચાઇલ્ડ આર્ટીસ્ટ) તરીકે ચમકેલી! આ વી.એમ. વ્યાસને આગળ લાવનાર પણ કોહિનૂર.
હોમી માસ્ટરનું તકદીર બદલનાર પણ દ્વારકાદાસ સંપતની ‘કોહિનૂર ફિલ્મ કંપની’. મિત્રો! હોમી માસ્ટરનો પરિચય “અનન્યા”ના આગળના અંકોમાં આવી ગયો. પરંતુ આજે આપને બીજી એક મઝાની વાત કહું.
હિંદી ફિલ્મ ઇંડસ્ટ્રીના મશહૂર ગાયક- પ્લેબેક સિંગર કિશોરકુમારની બાળ કલાકાર (ચાઇલ્ડ આર્ટીસ્ટ) તરીકે સર્વ પ્રથમ ફિલ્મના દિગ્દર્શક હોમી માસ્ટર.
1935માં અરદેશર ઇરાનીની ‘ઇમ્પિરીયલ ફિલ્મ કંપની’ની ફિલ્મ ‘દો ઘડી મૌજ’માં ચાર વર્ષના કિશોરકુમાર બાળ કલાકાર હતા.
‘કોહિનૂર ફિલ્મ્સ’નો બીજો એક ચમકેલો સિતારો નંદલાલ જશવંતલાલ. આપણે આ ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટરને યાદ રાખ્યા છે?
નંદલાલ જશવંતલાલ દક્ષિણ ગુજરાતમાં સુરત પાસે બારડોલીના વતની. તકદીર અજમાવવા મુંબઈ પહોંચ્યા. પાંત્રીસેક વર્ષ બોલિવુડના ફિલ્મ ઉદ્યોગ સાથે સંલગ્ન રહ્યા.
નંદલાલ જશવંતલાલની એક મહત્વની ફિલ્મ પ્રદીપકુમાર – વૈજયંતીમાલાને ચમકાવતી 1954ની ‘નાગિન’.
તેમની છેલ્લી ફિલ્મ 1963માં આવેલી રાજેન્દ્રકુમાર – મીનાકુમારીની ‘અકેલી મત જઈઓ’. આ ફિલ્મના નિર્માણ દરમ્યાન આપણા ગુજરાતી ડાયરેક્ટરનું અવસાન થયું.
“અનન્યા”ના મિત્રો! આપ જાણો છો કે દ્વારકાદાસ સંપતની ‘કોહિનૂર ફિલ્મ કંપની’ એક ઓર શાનદાર દેન તે આપણા ગુજરાતી પટકથાલેખક મોહનલાલ ગોપાળદાસ દવે.
ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ સ્ટોરી રાઇટર મોહનલાલ જી. દવેની પ્રથમ ફિલ્મ ‘કોહિનૂર’ની 1921ની ફિલ્મ ‘મહાસતી અનસૂયા’.
‘કોહિનૂર’ સાથે સંલગ્ન એક પ્રસિદ્ધ ગુજરાતી લેખક તે હરજી લવજી દામાણી ઉર્ફે ‘શયદા’.
મિત્રો! દ્વારકાદાસ સંપત અને તેમની ‘કોહિનૂર ફિલ્મ્સ’ની અવનવી વાતો આજે મારા હૃદયમાં ધબકતી રહે છે. * * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 20) * * અનન્યા/ /ફિલ્મસિનેમા/હરીશદવે * * * * * * *
* * * * *** * * * * * * * *** * * * * * * * ** * * ** * ** * ** ** * ** * ** * ** ** * ** * ** * ** *