અનન્યા/080531/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 31)

.

અરદેશર ઈરાનીભારતના ફિલ્મ ઉદ્યોગને પ્રથમ ટોકી મુવી (Talkie movie) અર્થાત્ સવાક્ સિનેમા (બોલતું ચલચિત્ર કે બોલપટ)ની ભેટ આપી.

ભારતીય સિનેમાની પ્રથમ ટોકી ફિલ્મ તે અરદેશર ઈરાની દ્વારા નિર્મિત ‘આલમ આરા’.

અરદેશર ઈરાની ખાનદાન પારસી કુટુંબનું ફરજંદ. તેમનો જન્મ 1886 (કે 1885 ?)માં થયો હતો. તેમના પિતાને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટસનો વ્યવસાય હતો. તે જમાનાના મુંબઈ (Mumbai, Bombay) ના શાનદાર કાલબાદેવી રોડ પર તેમની દુકાન હતી.

યુવાન વયે અરદેશરે નવા ફાલતા ફિલ્મ વિતરણના ધંધામાં ઝંપલાવ્યું.

વીસમી સદીના આરંભનો તે સમય હતો. ફિલ્મ વિતરક વિદેશમાં બનેલી ટૂંકી મૂંગી ફિલ્મોની આયાત કરતા. મુંબઈ કલકત્તા જેવા મોટા શહેરોમાં તે પ્રદર્શિત કરતા.

“અનન્યા”ના મિત્રો! આપને મારી એ વાત પર આશ્ચર્ય થશે કે તે સમયે ફિલ્મ માટે હજી થિયેટર્સ કે સિનેમાગૃહો બન્યાં ન હતાં. ફિલ્મ વિતરક ખુલ્લા મેદાનમાં તંબૂ ઠોકી, આવા તંબૂ થિયેટરોમાં સિનેમા બતાવતા. બંધ તંબૂમાં સિનેમા બતાવવાનું મશીન (જેમકે કાઇનેટોસ્કોપ) અને પડદો ગોઠવાતાં. પડદા સામે જમીન પર કે ખુરશી પર દર્શકો બેસતાં.

આવાં તંબૂ થિયેટરોમાં સાંજે અંધારું થયા પછી મૂંગી ફિલ્મો બતાવાતી. પ્રેક્ષકો બળદગાડાંમાં કે ઘોડાગાડીમાં બેસી સિનેમા જોવા આવતાં. ક્યારેક ફિલ્મ વિતરક પોતે પ્રેક્ષકોને લેવા-મૂકવા ઘોડાગાડીની વ્યવસ્થા કરી આપતો!

મુંબઈમાં એક ફિલ્મ વિતરક શેઠ અબ્દુલ અલી યુસુફ અલી હતા. અરદેશર ઈરાનીએ શેઠ અબ્દુલ અલી સાથે ભાગીદારી કરી ફિલ્મ વિતરણના ધંધાને જમાવ્યો.

મને બરાબર યાદ છે, મિત્રો! શરૂઆતમાં અરદેશર ઈરાની મુંબઈના આવા તંબૂ થિયેટરોમાં ફિલ્મ-પ્રદર્શન કરતા વિતરક હતા.

વીસમી સદીના શરૂઆતનાં વર્ષોમાં કલકત્તા (કોલકતા Kolkata)માં પણ આવાં તંબૂ થિયેટરોમાં જ ફિલ્મો બતાવાતી.

કલકત્તામાં ફિલ્મ વિતરણના વ્યવસાયના પ્રણેતા જમશેદજી ફરામજી માદન નામક પારસી સજ્જન હતા. મુંબઈના વતની માદન શેઠ યુવાન વયે કલકત્તા જઈ ઠરીઠામ થયેલા. કલકત્તામાં ફિલ્મ વિતરણના વ્યવસાયમાં ભારે સ્પર્ધાનો સામનો કરી પૈસા કમાયા. તેમને ફિલ્મ પ્રદર્શિત કરવા પાકા બાંધેલા સિનેમા હોલની આવશ્યકતા સમજાઈ.

માદન શેઠે 1907માં કલકત્તા શહેરમાં પ્રથમ સિનેમાગૃહ ‘એલ્ફિન્સ્ટન પિક્ચર પેલેસ’ બાંધ્યું. માદન શેઠનું ‘એલ્ફિન્સ્ટન’ હિંદુસ્તાનનું પ્રથમ ફિલ્મ થિયેટર મનાય છે.

અરદેશર ઈરાની એ પોતાના કોમી બિરાદર માદન શેઠની કલકત્તાની સફળતામાંથી પ્રેરણા લીધી. અરદેશર ઈરાની અને શેઠ અબ્દુલ અલી યુસુફ અલીના સંયુક્ત સાહસથી મુંબઈમાં બોમ્બે સેંટ્રલ વિસ્તારમાં એલેક્ઝાન્ડ્રા સિનેમા થિયેટર સારું વિકાસ પામ્યું.

એલેક્ઝાન્ડ્રા (કે એલેક્ઝાન્ડર) થિયેટર આસપાસના વિસ્તારો – બોમ્બે સેંટ્રલ- નાગપાડા- કમાઠીપુરા – ની ખ્યાતિ-કુખ્યાતિને સ્વીકારી ભારતીય ફિલ્મ ઉદ્યોગના ગૌરવભર્યા ઇતિહાસની સાક્ષી બની રહ્યું.   * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 31) * * અનન્યા/080531/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* * * * * * * * **

અનન્યા/080531/પ્રથમપૃષ્ઠ

.

અનિવાર્ય સંયોગોને લીધે “અનન્યા”ના પ્રકાશનમાં વિક્ષેપ બદલ ક્ષમાયાચના. “અનન્યા”ના આજના અંકમાં ‘ફિલ્મ-સિનેમા’ના પૃષ્ઠ પર ચલચિત્રના ઇતિહાસની શ્રેણી આગળ ધપે છે.
* * * અનન્યા/080531/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/080524/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 30)

.
ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાલકેની ફિલ્મનિર્માણ પ્રવૃત્તિમાં ઊંડો રસ લેનાર એક ગુજરાતી બ્રાહ્મણ મયાશંકર ભટ્ટ હતા.

દાદાસાહેબ ફાલકેની સિનેમા પ્રોડક્શન કંપની ‘હિંદુસ્તાન ફિલ્મ કંપની’ની ફિલ્મોની વિતરણ વ્યવસ્થા મયાશંકર ભટ્ટ કરતા. ચલચિત્રનિર્માણના ઉજળા ભવિષ્યને પારખી મયાશંકરે પોતાના ફોઈના દીકરા ભોગીલાલ દવેને પોતાની સાથે તૈયાર કર્યા.

ભોગીલાલ દવે ફિલ્મનિર્માણ માટે ફોટોગ્રાફીની તાલીમ અર્થે અમેરિકા ગયા. “અનન્યા”ના મિત્રો કદાચ જાણતા હશે કે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ફોટોગ્રાફી શીખવા માટે વિશ્વનું સૌ પ્રથમ તથા સૌથી મોટું ઇન્સ્ટીટ્યૂટ – ન્યૂ યોર્ક ઇંસ્ટીટ્યૂટ ઓફ ફોટોગ્રાફી (NYIP, New York, USA) – આવેલું છે.

1910માં આરંભ પામેલું ન્યૂ યોર્ક (યુએસએ)નું આ ફોટોગ્રાફી ઇન્સ્ટીટ્યૂટ આજે પણ કાર્યરત છે.

ભોગીલાલ દવેએ ન્યૂ યોર્ક ઇંસ્ટીટ્યૂટ ઓફ ફોટોગ્રાફીમાં બે વર્ષ અભ્યાસ કર્યો.

આ વિશ્વપ્રસિદ્ધ અમેરિકન ઇન્સ્ટીટ્યૂટનો કોર્સ કરી સર્ટિફીકેટ મેળવનાર ભોગીલાલ દવે પ્રથમ ગુજરાતી બન્યા.

અમેરિકા (યુએસએ)માં ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીથી પરિચિત થઈ ભોગીલાલ દવે હિંદુસ્તાન પરત આવ્યા.

* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 30) * * અનન્યા/080524/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

* * * * * * * * *** * * * * * * * **

અનન્યા/080524/પ્રથમપૃષ્ઠ

.

“અનન્યા”ના આજના અંકમાં ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ‘ફિલ્મ-સિનેમા’નો ત્રીસમો હપ્તો પ્રગટ થયેલ છે.

* * * અનન્યા/080524/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/080517/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 29)

.

શ્રી નાથ પાટણકર ઉર્ફે એસ. એન. પાટણકર પોતાની શક્તિ પ્રમાણે ફિલ્મ લાઈનમાં ફાળો આપવા ઝઝૂમતા રહ્યા. “અનન્યા”ના મારા મિત્રો! 1922ના અરસામાં ગુજરાતી સાહસિકોએ મુંબઈમાં નેશનલ ફિલ્મ કંપની સ્થાપી હતી. તેના બેનર નીચે પાટણકરે ગુજરાત અને હિંદુસ્તાનની કેટલીક પ્રાચીન કથાઓને આધારે ફિલ્મો બનાવી. તેમાં ‘કરણઘેલો’ ફિલ્મની કથા ગુજરાતના છેલ્લા નોંધપાત્ર રાજપૂત શાસક કર્ણ દેવ પર કેન્દ્રિત હતી.

પાટણકરની અન્ય ફિલ્મોમાં ‘સતી મદાલસા’, ‘ભક્ત બોડાણા’, ‘માર્કંડેય અવતાર’, ‘રાણકદેવી’, ‘વનરાજ ચાવડો’, ‘વામન અવતાર’, ‘ભર્તૃહરિ’, ‘મહાશ્વેતા કાદંબરી’ વગેરે સમાવિષ્ટ છે.

નેશનલ ફિલ્મ પછી પાટણકર ‘પાયોનિયર ફિલ્મ કંપની’ સાથે જોડાયા. તેમાં તેમણે ‘સત્યવિજય’, ‘મનોવિજય’, ‘કચ દેવયાની’, ‘દો રંગી દુનિયા’, ‘અબોલ રાણી’ વગેરે ફિલ્મો બનાવી.

ફિલ્મ નિર્માણમાં એસ. એન. પાટણકર ( શ્રી નાથ પાટણકર) ચૌદેક વર્ષ સક્રિય રહ્યા.

ચાલીસેક ફિલ્મોના નિર્માણમાં તેમનું યોગદાન હોવાનું મનાય છે. 1941માં તેમનું અવસાન થયું.

* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 29) * * અનન્યા/080517/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* * * * * * * * **
* * * * * * * * **

અનન્યા/080517/પ્રથમપૃષ્ઠ

.

“અનન્યા”ના આજના અંકમાં ‘ફિલ્મ-સિનેમા’નું પૃષ્ઠ પ્રગટ થયેલ છે.

* * * અનન્યા/080517/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/080510/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 28 )

‘કોહિનૂર’ અને ‘કૃષ્ણ’ – બંને ફિલ્મ કંપનીઓએ મુંબઈના સિનેમા જગતના – બોલિવુડના – પાયામાં ગજબનું ચણતર-કામ કર્યું.

તે સાથે સૌરાષ્ટ્ર – ગુજરાતમાં પટ્ટણી બંધુઓ અને મુંબઈમાં શ્રી નાથ પાટણકર, ભટ્ટ અને દવે તેમજ અરદેશર ઈરાનીહિંદુસ્તાનના ફિલ્મ ઉદ્યોગને વિશેષ ઘાટ આપ્યો.

પાટણકર અને દ્વારકાદાસ સંપટની વાત મેં આપને કહી છે.

પટ્ટણી ભાઈઓની ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’એ માંડ વીસેક મૂંગી ફિલ્મો બનાવી હોવાનું કહેવાય છે. તેમાં અડધો અડધ ફિલ્મો દસ્તાવેજી ચિત્ર (ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ) પ્રકારની હતી.

“અનન્યા”ના મારા મિત્રો! આપ જાણો છો કે તે સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સમગ્ર હિંદુસ્તાનમાં ચેતનાનો સંચાર કરેલ. આફ્રિકાથી હિંદુસ્તાન પરત ફરી મહાત્મા ગાંધીએ અમદાવાદમાં આશ્રમ સ્થાપેલા (પ્રથમ કોચરબ, પછી હરિજન આશ્રમ, સાબરમતી).

ગાંધી વિચારધારાને પ્રસરાવવા ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’ગાંધીજી પર ઉતારેલાં બે દસ્તાવેજી ચિત્રો નોંધનીય ગણાયાં. ગુજરાતમાં કાઠિયાવાડ-સૌરાષ્ટ્રના રાજ્યકર્તાઓ અને પ્રજાના ભાવિ વિષે ચર્ચા કરવા સમયાંતરે કાઠિયાવાડ રાજકીય પરિષદનું આયોજન થતું રહેતું.

1925ના વર્ષમાં આવી ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ ભાવનગરમાં ભરાયેલી.

મહાત્મા ગાંધી તેના પ્રમુખપદે હતા. તે ત્રીજી પરિષદનું દસ્તાવેજી ચિત્ર પટ્ટણી ભાઈઓની ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’એ ઉતારેલું.

સૌરાષ્ટ્ર ફિલ્મ્સ દ્વારા નિર્મિત બીજું દસ્તાવેજી ચિત્ર ‘સ્વાશ્રય’ હતું જેમાં ગાંધીજીના અમદાવાદના આશ્રમજીવનની ઝલક હતી.

* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી==અઠ્ઠ્યાવીસમો  હપ્તો ( હપ્તો 28 ) * * અનન્યા/080510/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

* * * * * * * * **

* * * * *

અનન્યા/080510/પ્રથમપૃષ્ઠ

.

“અનન્યા”ના આજના અંકમાં માત્ર ‘ફિલ્મ-સિનેમા’નું પૃષ્ઠ પ્રગટ થઈ શકેલ છે. વાચકો દરગુજર કરે તેવી વિનંતી.

* * * અનન્યા/080510/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/080503/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 27)

આપને ચીમનલાલ લુહારની થોડી શી વાત કરી દઉં.

“ચીમનલાલ એમ. લુહાર બી.એસસી”નો જન્મ 1901માં થયો હતો. તેમની સિનેમા જગતની કારકિર્દીની શરૂઆત લેખક અને સિનેમેટોગ્રાફર તરીકે થઈ.

પટ્ટણી ભાઈઓની ‘સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની’માં ચીમનલાલ લુહાર પ્રકાશમાં આવ્યા. “અનન્યા”ના મિત્રોને તે સમયની ફિલ્મોના નામ કહું તો સાચે જ હસવું આવશે! ‘ઈશ્કનો ઉમેદવાર’, ‘સનમની શોધમાં’, ‘સુધરેલ શયતાન’ ઈત્યાદિ …

ચીમનલાલ લુહાર સૌરાષ્ટ્ર ઉપરાંત કોહિનૂર ફિલ્મ્સ, કૃષ્ણ ફિલ્મ્સ, શારદા ફિલ્મ્સ વગેરે ફિલ્મ કંપનીઓ સાથે સંકળાયા. પાછળથી તેમણે પોતાની ફિલ્મ નિર્માણકંપની પણ સ્થાપી.

તેમની ફિલ્મોમાં ભાત ભાતના કલાકારો ચમક્યા. ‘સનમની શોધમાં’ ફિલ્મથી અભિનેત્રી ડોરોથી જાણીતી થઈ, પછી તેને હર્ષદરાય સાકરલાલ મહેતા દિગ્દર્શિત ‘સોનેરી ખંજર’માં પણ કામ મળ્યું.

ત્રીસ જ વર્ષની નાની ઉંમરે ચીમનલાલ લુહાર ફિલ્મ દિગ્દર્શક બન્યા.

સિંધ પ્રદેશની વિખ્યાત પ્રેમ કથા પર આધારિત ફિલ્મ ‘સસ્સી પુન્નુ’નું દિગ્દર્શન તેમણે અન્ય એક સહયોગી સાથે સફળતાથી કર્યું.

ફિલ્મ ડાયરેક્ટર તરીકે ચીમનલાલની બીજી ફિલ્મ ‘તલાશ-એ-હક’.

આ ફિલ્મમાં અલ્હાબાદના જદ્દનબાઈની છ વર્ષની પુત્રી બાળ કલાકાર તરીકે આવી અને પછીના થોડા વર્ષોમાં તો મુંબઈના ફિલ્મજગતની ટોચની અભિનેત્રી તરીકે હિંદુસ્તાનમાં જ નહીં, વિદેશમાં પણ નામના પામી. ‘અનન્યા’ના મિત્રો! આપ જાણો છો તે બાળ કલાકારને?

ચીમનલાલ લુહારની ‘તલાશ-એ-હક’માં બાળ કલાકાર તરીકે રજૂ થનાર છ વર્ષની બાળકી તે નરગીસ; સમય જતાં નરગીસ દિલીપકુમાર સાથે ‘મેલા’ તથા રાજ કપૂર સાથે ‘આવારા’, ‘બરસાત’ જેવી સફળ ફિલ્મોમાં નામ કમાયાં.

મુંબઈ-બોલિવુડમાં છવાઈ જનાર બિલિમોરાના વતની એવા ગુજરાતી ફિલ્મ-નિર્માતા મહેબૂબની ફિલ્મ ‘મધર ઇંડિયા’એ નરગીસને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિદ્ધિ અપાવી. પણ નરગીસની આ સિદ્ધિ જોવા ચીમનલાલ લુહાર ન રહ્યા; 1948માં માત્ર 47 વર્ષની ઉંમરે ચીમનલાલ લુહારનું અવસાન થયું.

* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 27) * * અનન્યા/080503/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

* * * * * * * * **

અનન્યા/080503/પ્રથમપૃષ્ઠ

.

* * * * * * * * **

અનિવાર્ય પરિસ્થિતિને કારણે “અનન્યા”ના આજના અંકમાં પણ માત્ર ‘ફિલ્મ-સિનેમા’નું પૃષ્ઠ પ્રગટ થયેલ છે. * * * અનન્યા/080503/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **