અનન્યા/080223/ફિલ્મ-સિનેમા

.

અનન્યા/080223/ફિલ્મ-સિનેમા 

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો  17)

 

દ્વારકાદાસ સંપતની કોહિનૂર ફિલ્મ કંપની હિંદુસ્તાનના સિનેમા ઉદ્યોગમાં શિખરે બિરાજમાન થઈ, ત્યારે માણેકલાલ પટેલ તેમાંથી છૂટા પડ્યા.

મિત્રો ! અનન્યાના આગળના એક અંકમાં મેં આપને કોહિનૂરની વિખ્યાત ફિલ્મ ભક્ત વિદૂરની વાત કરી હતી. તે ફિલ્મમાં માણેકલાલ પટેલ શ્રીકૃષ્ણના પાત્રમાં હતા.

1924માં પોતાની સ્વતંત્ર કૃષ્ણ મુવિટોન કંપનીની સ્થાપના સાથે માણેકલાલ પટેલ ભારતીય ફિલ્મ ક્ષેત્રે સક્રિય બન્યા. શરૂઆતમાં મૂંગી ફિલ્મો તથા 1931 પછી બોલતી ફિલ્મો (બોલપટ)ના નિર્માણથી કૃષ્ણ મુવિટોનને ફિલ્મ ઉદ્યોગમાં સન્માનપાત્ર સ્થાન મળ્યું. (ક્રમશ:) *  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક અનન્યા પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 17) * * અનન્યા/ /ફિલ્મસિનેમા/હરીશદવે * * **  *   *  *   *   ***  *** **

અનન્યા/080223/પ્રથમપૃષ્ઠ

.

 

અનન્યા/080223/પ્રથમપૃષ્ઠ

 

અનિવાર્ય સંજોગોને કારણે અનન્યાનો  આજ તારીખ 23 ફેબ્રુઆરી, 2008નો અંક પૂર્ણ વિભાગો સાથે સમયસર પ્રગટ થઈ શકેલ નથી તો વાચકો ક્ષમા કરે!

ફિલ્મ-સિનેમા વિભાગમાં ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો  17) પ્રગટ થયેલ છે તેની નોંધ લેશો જી. ધન્યવાદ. * * * અનન્યા/ /હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080216/ફિલ્મ-સિનેમા

.

*

અનન્યા/080216/ફિલ્મ-સિનેમા

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 16)

દ્વારકાદાસ સંપત સફળ ફિલ્મ નિર્માતા બન્યા અને તેમની કોહિનૂર કંપનીને ભારતની એમજીએમથી નવાજવામાં આવી.

1923ના જાન્યુઆરીમાં કોહિનૂર સ્ટુડિયોમાં વિનાશક આગ ફાટી નીકળી. વાચકમિત્રો! આપ માનશો કે આજેય મારી આંખોમાં એ આગની વાતો તાજી છે. હિંદુસ્તાનના સિનેમા ઉદ્યોગના કમનસીબે આ અગ્રીમ ભારતીય ફિલ્મ કંપનીને પારાવાર નુકશાન થયું. કેટલીયે ફિલ્મોની અણમોલ નેગેટીવ આગમાં ખાખ થઈ ગઈ.

દ્વારકાદાસ સંપત આવા અસહ્ય આઘાતમાંથી હિંમત દાખવી બહાર આવ્યા અને તેમણે કોહિનૂર ફિલ્મ કંપનીને ફરી જીવિત કરી.

1929 સુધીમાં દ્વારકાદાસ સંપતની કોહિનૂર કંપનીએ 98 જેટલી ફિલ્મો બનાવી. પણ કમનસીબી એ કે તે દરમ્યાન સાથીદારો છૂટા પડતા ગયા … (આવતા અંકે)

*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક અનન્યા પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 16 ) * * અનન્યા/080216/ફિલ્મસિનેમા/હરીશદવે * * * 

અનન્યા/080216/પ્રથમપૃષ્ઠ

.

અનન્યા/080216/પ્રથમપૃષ્ઠ

અનિવાર્ય સંજોગોને કારણે અનન્યાનો  આજ તારીખ 16 ફેબ્રુઆરી, 2008નો અંક પૂર્ણ વિભાગો સાથે સમયસર પ્રગટ થઈ શકેલ નથી તો વાચકો ક્ષમા કરે!

ફિલ્મ-સિનેમા વિભાગમાં ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 16) રાબેતા મુજબ પ્રગટ થયેલ છે તેની નોંધ લેવા વિનંતી.

 આપના સહકારની અપેક્ષા. * * * અનન્યા/ /હરીશ દવે/ Ananyaa/ * * * *    *   * *     * *     **    ** *    *   * *     * *     **    **

અનન્યા/080209/ફિલ્મ-સિનેમા

*
. .

* * * * * * ** **

અનન્યા/080209/ફિલ્મ-સિનેમા

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 15)

આપના ચહેરા પરની ઇંતેજારી હું વાંચી શકું છું.

દ્વારકાદાસ નારણદાસ સંપત સૌરાષ્ટ્રના કચ્છી ભાટિયા હતા. “અનન્યા”ના ગયા અંકમાં મેં આપને પ્રથમ મૂંગી ગુજરાતી ફિલ્મ ‘શેઠ સગાળશા’ બનાવવાના પ્રયત્નની કથા કહી.

દ્વારકાદાસ સંપત, ગોરધનદાસ પટેલ અને એસ. એન. પાટણકરની કંપની ‘પાટણકર ફ્રેંડ્ઝ કંપની’એ નાની મોટી ફિલ્મો બનાવી. પણ તેમની ભાગીદારી લાંબો વખત ચાલી નહીં.

1918માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. તે અરસામાં દ્વારકાદાસ સંપત  (સંપટ) નવાં સ્વપ્નાં સેવી રહ્યા હતા, ત્યારે તેમને અમદાવાદના સાહસિક અને સ્વપ્નદ્રષ્ટા યુવાન માણેકલાલ પટેલનો સાથ મળ્યો. માણેકલાલ પટેલે લોનાવલામાં એક અલ્પજીવી ફિલ્મ કંપની ચલાવેલી. દ્વારકાદાસ સંપત અને માણેકલાલ પટેલ – બંને મિત્રોની મૈત્રી એક સંયુક્ત સાહસમાં પરિણમી. બંને મિત્રોએ મળી મુંબઈના ઇસ્ટ દાદર વિસ્તારમાં એક વાડી ખરીદી ત્યાં ‘કોહિનૂર ફિલ્મ કંપની’ની સ્થાપના કરી.

ટૂંક સમયમાં ‘કોહિનૂર ફિલ્મ કંપની’એ હિંદુસ્તાનની ‘એમજીએમ’ (MGM) તરીકે નામના મેળવી.

દ્વારકાદાસ સંપત અને માણેકલાલ પટેલની ‘કોહિનૂર ફિલ્મ કંપની’એ 1920માં પૂર્ણ રીતે ગુજરાતી ફિલ્મ ‘શ્રીકૃષ્ણ-સુદામા’ બનાવી. “અનન્યા”ના વાચકમિત્રો! કોહિનૂર ફિલ્મ્સનું ‘શ્રીકૃષ્ણ-સુદામા’ ગુજરાતની પ્રાદેશિક છાંટવાળું સર્વ પ્રથમ ગુજરાતી ચલચિત્ર બન્યું.

1921માં તો કોહિનૂર ફિલ્મ કંપનીએ ‘ભક્ત વિદુર’ ફિલ્મથી ગુજરાતી સિનેમાને હિંદુસ્તાનભરમાં નામ અપાવ્યું. હિંદુસ્તાનમાં અંગ્રેજો સામે મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્યસંગ્રામ છેડ્યો હતો.

ગાંધીજીની અસહકારની હાકલ હવામાં ગુંજતી હતી ત્યારે ‘કોહિનૂર’ની ગુજરાતી ફિલ્મ ‘ભક્ત વિદુર’ રજૂ થઈ. ભગવાન શ્રીકૃષ્ણ-વિદુરની કથાને સમયને અનુરૂપ રાજકીય રંગ આપી આ ફિલ્મ બની હતી.

વિદુર તરીકે દ્વારકાદાસ અને શ્રીકૃષ્ણ તરીકે માણેકલાલ પટેલે   સરસ અભિનય કર્યો. યુવાન પારસી હોમી માસ્ટર આ ફિલ્મમાં દુર્યોધનના પાત્રમાં હતા. આપને કદાચ મારી વાત પર વિશ્વાસ નહીં થાય, પરંતુ ફિલ્મમાં પ્રાચીન કથાની આડમાં હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામને બિરદાવતો ગર્ભિત સંદેશ હતો.

હિંદુસ્તાનના સિનેમા-ઇતિહાસની આ પ્રથમ રાજકીય ફિલ્મ. તેના પ્રભાવથી અંગ્રેજો એવા ચોંકી ઊઠ્યા કે અંગ્રેજ સરકારે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો. બ્રિટીશ સરકાર દ્વારા પ્રતિબંધિત થનાર હિંદુસ્તાનની પ્રથમ ફિલ્મ તે ‘ભક્ત વિદુર’. મિત્રો! મને આજે પણ તે વાત યાદ આવતાં રોમાંચ થઈ આવે છે.

1923-24માં કોહિનૂર ફિલ્મ કંપનીની ‘કાલા નાગ’ ફિલ્મ આવી .

ફિલ્મનું ટાઇટલ હતું ‘કાલાનાગ’ ઉર્ફે ‘કલિયુગકી સતી’ ઉર્ફે ‘ટ્રાયમ્ફ ઑફ જસ્ટીસ’

હિંદુસ્તાનની આ પ્રથમ અપરાધ-રહસ્ય ફિલ્મ. આ સસ્પેંસ-થ્રીલર ફિલ્મના દિગ્દર્શક કાનજીભાઈ રાઠોડ હતા. આ ફિલ્મ સાચી ખૂન કથા (ચાંપશી હરિદાસ મર્ડર કેસ)ના પરથી બનેલ હતી ફિલ્મની વાર્તા ગુજરાતી પટકથા લેખક મોહનલાલ જી. દવેએ લખી હતી.

“અનન્યા”ના વાચક મિત્રો! મોહનલાલ દવે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ પટકથા લેખક. આ ફિલ્મમાં મિસ મોતી નામક અભિનેત્રી પણ ચમકેલી. આ ફિલ્મમાં ગુજરાતી પારસી અભિનેતા હોમી માસ્ટરનો અભિનય ખૂબ વખણાયો હતો. પાછળથી ‘કોહિનૂર’ની ઘણી ફિલ્મ્સનું દિગ્દર્શન હોમી માસ્ટરે કર્યું હતું. ‘કાલા નાગ’ના સિનેમેટોગ્રાફર ડી. ડી. દબકે (ડબકે) હતા કે જે ભારતીય સિનેમા ઉદ્યોગના સર્વ પ્રથમ અભિનેતા હતા.

હું આપને યાદ કરાવું, મારા મિત્રો! ડી. ડી. દબકે દાદાસાહેબ ફાલકેની પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’માં મુખ્ય અભિનેતા હતા.

* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 15) * * અનન્યા/080209/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

* * ** * ** * ** *

* * ** * ** * ** *

* * ** * ** * ** * 

અનન્યા/080209/ગુજરાતી નેટ જગત

*

અનન્યા/080209/ગુજરાતી નેટ જગત

શ્રીમતી નીલમબહેન દોશીના સુંદર બ્લોગ ‘પરમ ઉજાસ’ની તાજેતરની એક પોસ્ટ નોંધપાત્ર છે. નીલમબહેને ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થયેલ સાહિત્યકાર સુશ્રી ધીરુબહેન પટેલના એક લેખ પ્રત્યે ધ્યાન દોર્યું છે. તેમાં કહેવાતા સંશોધકો કે ‘સંચયકારો’ની વાત કરી છે.

મારા મતે મુદ્દાની વાત એ કે પુન: પ્રકાશન કે સાહિત્યિક રિમિક્સ કયા ક્ષેત્રમાં, કયા હેતુથી થાય છે? ધીરુબહેન કદાચ માત્ર પ્રિંટ મીડિયાની વાત કરતા હોય તેવું બની શકે. પ્રિંટમાં ‘રીડર્સ ડાઇજેસ્ટ’ની પ્રવૃત્તિને આપણે આવકારી નથી?

બીજું, ગુજરાતી ઇન્ટરનેટ અત્યારે પ્રારંભિક તબક્કામાં છે. આપણે ગુજરાત અને ગુજરાતી વિષયક મોટો સંચય ઇન્ટરનેટ પર મૂકવાનો છે. તો આપણે ભારે મહેનતથી શોધેલ સામગ્રી, એટલી જ મહેનતથી નેટ પર મૂકનાર મિત્રોને વખોડી કાઢીશું? નીલમબહેને ‘મુંબઈ સમાચાર’નો લેખ તેમની સાઇટ પર મૂક્યો તેને આવકારીશું જ ને?

એક અગત્યનો મુદ્દો – ‘નન-ફિક્શન’માં રિમિક્સ વધતા-ઓછા પ્રમાણમાં હોય જ છે. નન-ફિક્શનમાં ઔચિત્યપૂર્ણ ‘રિમિક્સ’ તો સ્વીકારવાં જ પડે ને! આવા ‘નન-ફિક્શન’ રિમિક્સમાં મૌલિકતા હોય તો પછી વાંધો ન હોઇ શકે ને?

પરંતુ યાદ રાખીએ કે ફિક્શનમાં, વાર્તા, નવલકથા, કવિતામાં આમ બનતું હોય તે સ્વીકાર્ય ન જ ગણાય. આપની નવલકથાનો પ્લોટ નજીવા ફેરફાર સાથે બીજા સાહિત્યકારની અન્ય નવલકથામાં આવે તો … ?

‘સાહિત્યિક રિમિક્સ’થી જો સાક્ષર આટલા વ્યથિત હોય, તો જેમની કૃતિની બેઠી કોપી, વિના અનુમતિએ, પ્રકાશિત થતી હશે, તે સર્જકને કેવી વેદના થતી હશે?

દુનિયાનાં સાહિત્યવર્તુળો હવે ઇન્ટરનેટ વિશે પણ ચિંતિત થઈ રહ્યાં છે. જો સર્જક/લેખક/ કવિની લેખિત અનુમતિ/સંમતિ વિના આપ તેમની પ્રગટ કૃતિને બીજે ક્યાંયે પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત ન જ કરી શકો, તો શું ઇન્ટરનેટ પર બેધડક પ્રકાશિત કરી શકો? લક્ષ્મણરેખા ક્યાં દોરવી? કોણે દોરવી? ઔચિત્ય કોણ નક્કી કરશે?

આ એક ગંભીર બાબત છે. ઇન્ટરનેટના વધતા વ્યાપ સાથે આ સમસ્યા વકરી રહી છે. ઘણા સાહિત્યકારો, લેખકો, કવિઓએ દબાયેલા અવાજમાં આ વાત કહેવા પ્રયત્ન કર્યો છે. તેમની મજબૂરી એ છે કે તેઓ ઇન્ટરનેટથી પરિચિત નથી, તો તેની ગતિ-વિધિઓથી શી રીતે પરિચિત હોય? ઇન્ટરનેટ પર કોપીરાઇટના કાયદાની એવી ક્રૂર મજાક ઊડી છે કે ન ચર્ચો તો સારું! સાહિત્યકારો- સર્જકો કરી પણ શું શકે?

પરમ ઉજાસ પર સુશ્રી ધીરુબહેન જેવા અનેકની આંતરવ્યથા કોઇ સમજશે?
* *  * *  * *  * *

અનન્યા/080209/દેશ-દુનિયા

*

અનન્યા/080209/દેશ-દુનિયા

“અનન્યા”ના વાચકો માટે દેશ-દુનિયાની નવાજૂની ….

* * ભારતના મોટરકાર ઉદ્યોગને બેંગલોરની રેવા કંપનીએ યુરોપમાં ભારે પ્રતિષ્ઠા અપાવી છે.

બેંગલોર (Bangalore, India)ની રેવા ઇલેક્ટ્રિક કાર કંપની (RECC) ની રેવા ઇલેક્ટ્રિક મોટરકાર (Reva Electric Vehicle) યુરોપ (Europe) ના નોર્વે, સ્પેઇન, ઇટાલી, ઇંગ્લેન્ડ (યુકે) આદિ દેશોમાં તથા એશિયાના જાપાન, શ્રી લંકા જેવા દેશોમાં દોડતી થઈ ગઈ છે.

લંડન (યુકે UK) ના રસ્તાઓ પર દોડતી હજારેક રેવા (Reva G-Wiz) કાર આકર્ષણનું કેન્દ્ર બની છે. ઇંગ્લેન્ડ (યુકે)માં આશરે 7300 પાઉંડની રેવા કાર અન્ય ઇલેક્ટ્રિક કારની સરખામણીએ (જેમકે નાઇસની Megacity ઇલેક્ટ્રિક કાર – 10,000 પાઉંડથી વધુ) ખૂબ જ સસ્તી છે. રેવાનું G-Wiz મોડેલ ચાર્જ કર્યા પછી 80 કિમીના અંતર સુધી ચાલે છે અને મહત્તમ 80 કિમી/ પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. * *

* * “અનન્યા”ના વાચકોના ધ્યાન પર કદાચ  ભારતના નવા દૈનિક અખબાર ‘મેઇલ ટુડે’ની વાત નહીં આવી હોય. ‘મેઇલ ટુડે’ રાજધાની દિલ્હીનું સવારનું નવું  દૈનિક વર્તમાન પત્ર (મોર્નિંગ ન્યુઝપેપર) છે.

‘મેઇલ ટુડે’ ભારતના અગ્રીમ મીડિયા ગ્રુપ ‘ઇંડિયા ટુડે’ (India Today) અને ઇંગ્લેંડ (યુકે UK)ના ‘ડેઇલિ મેઇલ’ (Daily Mail) ગ્રુપના સહયોગનું પરિણામ છે. * * *

* * ભારતમાં મોબાઇલ ફોન (સેલ ફોન)થી ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર ઉપભોક્તાઓની સંખ્યા વધતી જાય છે. સેલ ફોનથી નેટ પર કનેક્ટ થતા ભારતીય કંઝ્યુમર્સની સંખ્યા ગયા વર્ષે 16 મિલિયન હતી. આ વર્ષે મોબાઇલ ફોનથી ઇન્ટરનેટના વપરાશકર્તા ગ્રાહકોની સંખ્યા 38 મિલિયન વટાવી ગયેલ છે. * * * અનન્યા/080209/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * વિશ્વમાં સ્પેસ ટુરિઝમ (Space Tourism) એક નવી ઘેલછા છે. બિલિયોનાયર્સના આ માદક શોખને પોષવા નવી નવી સ્પેસ લાઇનર્સ કંપનીઓ ઊભી થઈ રહી છે.

સ્પેસ ટુરિઝમનો આરંભ રશિયા (USSR) અને અમેરિકા (USA) ના સંયુક્ત સાહસથી થયો. રશિયન કંપની ‘રોઝાવિઆકોસ્મોસ’ સાથે અમેરિકન કરોડપતિ ડેનિસ ટીટોએ હાથ મિલાવ્યા. તેમના સંયુક્ત સાહસથી ખાનગી સ્પેસ ટ્રાવેલ શક્ય બની. “અનન્યા”ના વાચકો જાણે છે કે વિશ્વમાં સ્પેસ મિશન અને તેના માટે અવકાશયાત્રીઓની પસંદગી સરકાર કે સરકારી એજન્સી (જેમકે નાસા NASA, USA) જ કરે છે. અમેરિકન બિલિયોનાયર ડેનિસ ટીટો અવકાશની ખાનગી અંગત સહેલગાહે જનાર પ્રથમ નાગરિક બન્યા.

ડેનિસ ટીટો પછી બીજા ત્રણ અમેરિકન અને એક સાઉથ આફ્રિકન – માર્ક શટલવર્થ (દક્ષિણ આફ્રિકા) – આમ કુલ પાંચ નાગરિકો અંગત ધોરણે, ખાનગી અવકાશયાત્રા દ્વારા અવકાશની સહેલગાહે જઈ શક્યા છે. રશિયન સ્પેસશીપ ‘સોયુઝ’માં બેસી અવકાશમાં આઇએસએસ (ISS International Space Station) પર રહેવાની ‘અવકાશી ટુર’ આઠથી દસ દિવસની હોય છે. આ સ્પેસ ટ્રાવેલની એક ટ્રીપની ટિકિટ 20 થી 25 મિલિયન ડોલર હોય છે. * * * ** * * * અનન્યા/080209/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/080209/આજકાલ-સામાન્યજ્ઞાન

*

.

અનન્યા/080209/આજકાલ-સામાન્યજ્ઞાન

આજ-કાલ

ભારતના જમશેદજી નસરવાનજી તાતા (જમશેદજી ટાટા) (Tata) ની સાહસવૃત્તિને પરિણામે એશિયાનો પ્રથમ સ્ટીલ પ્લાંટ ભારતમાં કાર્યરત થયો.

તાતા કુટુંબનું મૂળ વતન ગુજરાતનું નવસારી.

ટાટા ગ્રુપ (TATA Group) ની પ્રથમ કંપની ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની (TISCO) નો આ ભારતીય સ્ટીલ પ્લાંટ પૂર્વ ભારતમાં સુવર્ણરેખા અને ખરકાઈ (ખારકાઈ) નદીને કિનારે સાકચી ગામ નજીક ઊભો થયો જે ગામ સમય વીત્યે ટાટાનગર તરીકે ઓળખાયું.

ટિસ્કો સ્ટીલ પ્લાંટ ઊભો થાય તે પહેલાં 1907માં જમશેદજી ટાટાનું અવસાન થયું. તેથી દોરાબજી તાતા કંપનીના ચેરમેન બન્યા (1907 – 32).

તેમના પછી નવરોજી સકલતવાલા (1932 – 38), જે. આર. ડી. તાતા (1938 – 84), રૂસી મોદી (1984 – 93) તથા રતન તાતા (1993 – ) ના માર્ગદર્શન નીચે ટિસ્કો તથા ટાટા ગ્રુપની કંપનીઓ પ્રગતિ કરતી રહી છે.

જે. આર. ડી. ટાટાએ ટાટા ગ્રુપને સ્થિર કર્યું, તો રતન ટાટાએ પ્રગતિશીલ નિર્ણયોથી દુનિયાના નકશા પર ટાટા ગ્રુપનું નામ રોશન કર્યું. રતન ટાટાએ જંગી રકમ ચૂકવી વિશ્વની અગ્રણી સ્ટીલ કંપની ‘કોરસ’ ખરીદીને ઔદ્યોગિક વર્તુળોને અચંબિત કરી દીધા.

“અનન્યા”ના ગયા અંકમાં આપે ‘નેનો’ મોટર કાર રૂપી રતન ટાટાની સફળતાની વાત વાંચી છે ને?

* * * * * * ** **

સામાન્યજ્ઞાન

આજે “અનન્યા”ના વાચકમિત્રોને માનવશરીરની કેટલીક અજબગજબની વાતો કહું! આપણે સ્વસ્થ પુખ્ત માનવશરીરને ધ્યાનમાં રાખીશું.

પુખ્ત વયના સ્વસ્થ માનવશરીરમાં સામાન્ય રીતે (આશરે/અંદાજે) –

• 100 ટ્રિલિયન કોષો હોય છે.

• 206 જેટલાં હાડકાં હોય છે (હાડકાંની સંખ્યામાં ઉંમર મુજબ ફેરફાર હોય છે).

• 600 થી 650 જેટલાં સ્નાયુઓ – મસલ્સ – હોય છે.

• 5 લિટર લોહી હોય છે.

• હૃદય એક દિવસમાં 27000 લિટરથી વધુ લોહી શરીરમાં ‘પંપ’ કરે છે.

• 96,000 કિમીથી પણ વધુ લંબાઈની નાની-મોટી રક્તવાહિનીઓ હોય છે.

• મગજમાં 100 બિલિયન જેટલા ન્યુરોન્સ (જ્ઞાનતંત્રના કોષો) હોય છે.

• શરીરમાં પથરાયેલા જ્ઞાનતંતુઓની કુલ લંબાઈ 72 કિમી જેટલી છે.

• જ્ઞાનતંતુમાં સેકંડના 100 મીટરના વેગથી સંવેદન-સંદેશાની આપ-લે થાય છે.

• માથા પર એક લાખથી વધુ વાળ હોય છે.

• સૌથી મોટું અંગ ચામડી છે. (The largest organ of human body is the skin)

• ચામડી શરીરના 1.65 થી 1.80 ચો.મી. જેટલા એરિયાને કવર કરે છે.

* * * * * * ** **

ગુજરાતી-અંગ્રેજી

સંસ્કૃત શબ્દોના વારસાને લીધે ગુજરાતી ભાષાનો શબ્દવૈભવ મ્હોરી ઊઠે છે. અંગ્રેજી ભાષામાં ‘સૂર્ય’ માટે નામ- વિશેષણો વિચારશો તો તમને ‘the sun’ , ‘the solar’ જેવા શબ્દો જ દેખાશે. ‘ચંદ્ર’ માટે ‘the moon’, ‘the lunar’ જેવા શબ્દો જ યાદ આવશે.

હવે સૂર્ય માટે ગુજરાતી ભાષામાં શબ્દો જોઈએ – સૂરજ, રવિ, સવિતા, ભાનુ, દિવાકર, પ્રભાકર, દિનકર, દિનમણિ, આદિત્ય, મિહિર, માર્તંડ, સહસ્ત્રાંશુ ….. અને બીજાં ઘણાં નામો મળશે.

ચંદ્ર માટે ગુજરાતી ભાષામાં શબ્દો જોઈએ – ચાંદો, ચંદ્રમા, ચાંદલિયો, સોમ, ઇન્દુ, વિધુ, મયંક, મૃગાંક, શશી, શશાંક, શશધર, શીતાંશુ, શુભ્રાંશુ, સુધાંશુ, સુધાકર, નિશાકર, નિશાપતિ, કુમુદપતિ . . . .. નામોની યાદી લંબાતી રહેશે.

* * * અનન્યા/080209/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/080209/પ્રથમપૃષ્ઠ

*

* * * * * * ** **

* * * * * * ** **

અનન્યા/080209/પ્રથમપૃષ્ઠ

ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર ઘણી સાઇટ્સ ઉમેરાતી જાય છે. તે બધી સાઇટ્સની વ્યવસ્થિત નોંધ રહે તેવી કોઇ ક્ષતિરહિત, સર્વસ્વીકૃત, સર્વાંગપૂર્ણ વ્યવસ્થા અત્યારે ઇન્ટરનેટ પર જણાતી નથી.

ગુજરાતી ઇન્ટરનેટ વિકસી રહ્યું છે તે ગુજરાત માટે અને ગુજરાતી ભાષાપ્રેમીઓ માટે ખુશીની બાબત છે. ગુજરાતીઓની વર્તમાન અથવા ભૂતકાળની સિદ્ધિઓ ઇન્ટરનેટ પર ચમકતી રહે તો ગુજરાતની મોટી સેવા થયેલી ગણાશે.

“અનન્યા” ગુજરાતના ગરવા ગુજરાતીઓને બિરદાવતું રહ્યું છે. આજના અંકમાં ફિલ્મ-ઇતિહાસ શ્રેણીમાં આપ મુંબઈના બોલિવુડના સિનેમા ઉદ્યોગમાં ગુજરાતીઓનું યોગદાન જોઈ શકશો.

* * * અનન્યા/080209/હરીશ દવે/ Ananyaa/ * * *

*

અનન્યા/080202/ફિલ્મ-સિનેમા

.

*

અનન્યા/080202/ફિલ્મ-સિનેમા

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 14)

મુંબઈમાં નાનક્ડી વિદેશી ફિલ્મો આકર્ષણ જમાવી રહી હતી, ત્યારે 1902માં દ્વારકાદાસ સંપટ (સંપત) નામના મહત્વાકાંક્ષી યુવાને સૌરાષ્ટ્ર છોડી મુંબઈને પોતાનું વતન બનાવ્યું. મિત્રો! આજે પણ મને સંપટ શેઠની સાહસવૃત્તિ, દ્રઢતા અને લગની યાદ છે.

દ્વારકાદાસ સંપટ થોડા વર્ષો સુધી નાનામોટા વ્યવસાય કરતા રહ્યા. તેમને ફિલ્મ લાઇન પ્રત્યે ખેંચાણ થયું.

“અનન્યા” પર મેં આપને પહેલાં જણાવ્યું કે 1917માં દાદાસાહેબ ફાલકેની ‘લંકાદહન’ રજૂ થઈ. તેનાં ટ્રીક દ્રશ્યો દ્વારકાદાસની આંખોમાં વસી ગયાં.

પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું, ત્યારે સાહસિક ગુજરાતીઓ વિદેશી અને દાદાસાહેબની ફિલ્મોના વિતરણ-પ્રદર્શનના વ્યવસાયમાં તકદીર અજમાવતા હતા. દ્વારકાદાસને વિચાર આવ્યો: ‘શું હું ગુજરાતી ભાષામાં ફિલ્મ ન બનાવી શકું?’

દ્વારકાદાસ સંપટે શેઠ પાટણકર અને શેઠ ગોરધનદાસ સાથે ભાગીદારી કરી. “અનન્યા”ના વાચકમિત્રો! મેં આપને અમેરિકાના વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનના કાઇનેટોસ્કોપની વાત કરેલી છે.

સંપટ શેઠે એડિસનનું ‘કાઇનેટોસ્કોપ’ વિદેશથી મગાવ્યું.

શેઠ સગાળશાની લોકપ્રિય વાર્તા પરથી ફિલ્મ ઉતારી. તે સમયે ફિલ્મની ‘પોઝિટિવ’ કાઢવા – પ્રિન્ટ નિકાળવા ઇલેક્ટ્રીસિટીથી ચાલતાં યંત્રો ન હતાં. ફિલ્મની યોગ્ય પ્રિન્ટ નીકળી ન શકતાં દ્વારકાદાસ સંપટની ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ ‘શેઠ સગાળશા’ ડબ્બામાં જ ગૂંગળાઈ ગઈ!

પ્રથમ પ્રયત્ને નિષ્ફળતાથી દ્વારકાદાસ હિંમત ન હાર્યા.

તેમણે લોનાવલામાં દેશની પ્રથમ ફિલ્મ પ્રોસેસિંગ અને પ્રિન્ટિંગ લેબોરેટરી સ્થાપી.

આમ, હિંદુસ્તાનના સિનેમા ઉદ્યોગની બુનિયાદમાં શેઠ દ્વારકાદાસ સંપટનું – એક ગુજરાતીનું – બહુમૂલ્ય યોગદાન મળ્યું.

બે-ત્રણ વર્ષમાં સંપટ શેઠે ‘વિશ્વામિત્ર-મેનકા’, ‘કચ-દેવયાની’ આદિ મૂંગી ફિલ્મો બનાવી.

પહેલા વિશ્વયુદ્ધ પછી સૌરાષ્ટ્રના સાહસિક શેઠ દ્વારકાદાસ સંપટ અને અમદાવાદના સ્વપ્નશિલ્પી માણેકલાલ પટેલનો મેળાપ થયો અને 1920માં બંનેએ ‘કોહિનૂર ફિલ્મ કંપની’ ની સ્થાપના કરી. ભારતીય સિનેમા ઉદ્યોગને નવી દિશાએ દોરતી ઘટનાઓ “અનન્યા”ના આગામી અંકમાં આપણે જોઇશું.

* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 14) * * અનન્યા/080202/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

* * * * * * ** **

અનન્યા/080202/ગુજરાતી નેટ જગત

.
*
અનન્યા/080202/ગુજરાતી નેટ જગત

ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાનો વિકાસ ઊડીને આંખે વળગે તેવો છે. છેલ્લા થોડા મહિનાઓમાં ગુજરાતી નેટ જગત હરણફાળ ભરી દોડી રહ્યું છે. ગુજરાતી ભાષાના બ્લોગ સંચાલકો અનોખી સૂઝબૂઝ દાખવી અવનવા પ્રયોગો પણ કરતા રહ્યા છે. ગુજરાતી બ્લોગ જગતના મારા મિત્રોના પ્રયત્નો પર મને ગર્વ થય છે.

મિત્રો! આપ સૌને અભિનંદન!

આજે સુશ્રી ઊર્મિબહેનના “ગાગરમાં સાગર” બ્લોગની વાત કરીએ.

ઊર્મિબહેને 26 જાન્યુઆરીની પોસ્ટમાં ‘તાપીસ્તોત્ર’ સાથે દક્ષિણ ગુજરાતનાં તળપદી લોકગીતો મૂક્યાં છે. જે રીતે ‘નર્મદાષ્ટકમ્’ નું મહત્વ છે, તે જ રીતે તાપીમાતાના ‘તાપીસ્તોત્ર’નું આગવું મહત્વ છે. અહીં તે ગુજરાતી ઇંટરનેટ પર પ્રથમ વખત સંગીતમય રૂપે પ્રસ્તુત છે.

દક્ષિણ ગુજરાતનાં અંતરિયાળ પ્રદેશોની લોકબોલી સુગમ ન હોય, તો પણ લોકગીતોની મહેક માણવા જેવી છે. ઊર્મિબહેનનો આ પ્રયત્ન અભિનંદનને પાત્ર છે.

આ પોસ્ટ પર શ્રી રાજેન્દ્ર હેમુ ગઢવી (ડેપ્યુટી કલેકટર, પ્રોટૉકોલ સુરત)નું નામ વાંચ્યું. કોઈ વાચક મિત્ર જણાવી શકે કે રાજેન્દ્રભાઈનો સંબંધ લોકગાયક હેમુ ગઢવી સાથે હશે? સ્વ. હેમુ ગઢવીની રચનાઓ કયા બ્લોગ પર સ્થાન પામી છે તે કોઈ વાચક મને જણાવી શકશે?

ઊર્મિબહેન! ફરી એક વાર, અભિનંદન! 

* * * અનન્યા/080202/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *
* * * * * * ** **.

અનન્યા/080202/દેશ-દુનિયા

.
*
અનન્યા/080202/દેશ-દુનિયા

“અનન્યા”ના વાચકો માટે દેશ-દુનિયાની નવાજૂની ….

* * * ભારતમાં રીટેઇલ ક્ષેત્રે વિશાળ પાયે રોકાણ થઈ રહ્યું છે.

2010 સુધીમાં રિલાયન્સ રીટેઇલ ક્ષેત્રે 50 થી 60 મિલિયન સ્ક્વેર ફીટ સ્પેસ સાથે લગભગ પાંચેક બિલિયન ડોલરનું રોકાણ કરે તેવી ધારણા છે.

ફ્યુચર ગ્રુપ (Future Group)વાળા કિશોર બિયાણી પણ પેન્ટાલુનને અત્યારના સાડા ત્રણ મિલિયન સ્ક્વેર ફીટ પરથી 2010 સુધીમાં 30 મિલિયન સ્ક્વેર ફીટ પર વિકસાવે તેવા સમાચાર છે.

સુનીલ મિત્તલની કંપની ભારતીએ રીટેઇલ ક્ષેત્રે પ્રવેશવા અમેરિકાની વોલ-માર્ટનો સહયોગ લીધેલ છે. ભારતી આશરે 15 થી 20 મિલિયન સ્ક્વેર ફીટ સ્પેસ પર રીટેઇલ બિઝનેસ વિકસાવે તેમ મનાય છે. * ** * * અનન્યા/080202/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * * ***

* * * * ભારતમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ – ડ્યુરેબલ્સ ક્ષેત્રે ‘ક્રોમા’ (Croma) સ્ટોર્સ દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. ટાટા ગ્રુપ – ટાટા સન્સના ઇન્ફીનિટી રીટેઇલ દ્વારા સંચાલિત ક્રોમાના ભારતનાં પાંચ શહેરોમાં દસથી વધુ આઉટલેટ્સ છે જે વધીને ટૂંકમાં ત્રીસની સંખ્યા વટાવી જશે. 2010 સુધીમાં ભારતમાં ક્રોમા સ્ટોર્સની સંખ્યા 100 જેટલી થશે તેવું ટાટા સન્સના ઇન્ફીનિટી રીટેઇલનું આયોજન છે. * * * અનન્યા/080202/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * ભારત સરકારની અવકાશ સંશોધન સંસ્થા ઇસ્રો કે ઇસરો (ISRO – Indian Space Research Organisation) દ્વારા ભારતીય વૈજ્ઞાનિકોએ વિકસાવેલ સ્વદેશી ક્રાયોજેનિક એંજિનનું પરીક્ષણ સફળ રહ્યું છે.

ભારતમાં નિર્મિત આ ભારતીય ક્રાયોજેનિક એંજિનમાં ‘સુપર કૂલ્ડ’ ઉષ્ણતામાને રાખેલ પ્રવાહી બળતણ (લિક્વિડ હાઇડ્રોજન અને લિક્વિડ ઓક્સિજન)નો ઉપયોગ થાય છે.

ક્રાયોજેનિક એંજિન ‘જીએસએલવી’ રોકેટ (GSLV – Geosynchronus Satellite Launch Vehicle) માટે મહત્વપૂર્ણ છે. 1998માં ભારતના પોખરણના અણુપ્રયોગ પછી અમેરિકન સરકારના અનુરોધથી ભારતને ક્રાયોજેનિક ટેકનિકની સુવિધા ન મળે તેવો પ્રતિબંધ મૂકાયો હતો.

આ સંયોગોમાં ભારતના વૈજ્ઞાનિકોએ ભારે પરિશ્રમ કરી સ્વદેશી ક્રાયોજેનિક એંજિન વિકસાવી દુનિયાને ચકિત કરેલ છે. * * * **

* * * વિશ્વની શ્રેષ્ઠ 100 આઈટી (IT – Information Technology) ક્ષેત્રની કંપનીઓમાં ભારતની 29 કંપનીઓનો સમાવેશ થાય છે.

તેમાંયે ટોચની દસ આઈટી કંપનીઓમાં ભારતની ચાર અને અમેરિકાની ચાર કંપનીઓનો સમાવેશ થાય છે.

સ્વાભાવિક છે, ભારતની ટીસીએસ (TCS) અગ્ર ક્રમાંકોમાં છે.

સૌનું ધ્યાન ખેંચે તેવી બાબત ટોચની આઈટી કંપનીઓમાં ચીન (China) નો પગપેસારો છે. ચીનની ન્યૂસોફ્ટ કંપનીએ વિશ્વની પ્રથમ દસ આઈટી કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. ચીન આઈટી ક્ષેત્રમાં અગ્રેસર થવા કટિબદ્ધ છે. ચીન સરકારનો “1000 + 100 + 10” નો મહત્ત્વાકાંક્ષી પ્લાન આજકાલ ચર્ચામાં છે. આ પ્લાન અનુસાર ચીન આઈટી આઉટસોર્સિંગ ક્ષેત્રે 1000 સ્વદેશી કંપનીઓ વિકસાવશે અને 100 વિદેશી કંપનીઓને આમંત્રણ આપશે. આ 1000 સ્વદેશી અને 100 વિદેશી આઈટી કંપનીઓને ચીનનાં વિવિધ 10 શહેરોમાં ખાસ સુવિધાઓ પૂરી પડાશે. * * ** * * અનન્યા/080202/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/080202/આજકાલ-સામાન્યજ્ઞાન

.
*

અનન્યા/080202/આજકાલ-સામાન્યજ્ઞાન

.
વિશ્વનાં મોટરકાર ઉદ્યોગમાં અવનવાં વમળો સર્જાઈ રહ્યાં છે. અમેરિકામાં મોટરકાર (પેસેંજર કાર) કંપનીઓ સમસ્યાઓથી ઘેરાયેલી છે.

આ સમયે ભારતના ટાટા ગ્રુપ (Tata Grup of Companies) ની ટાટા મોટર્સ (Tata Motors) ની લાખ રૂપિયાની, નાનકડી ‘નેનો’ (Nano) મોટરકાર દેશ માટે સિદ્ધિદાયી બની છે.

“અનન્યા”ના વાચકોને કેટલીક આંકડાકીય માહિતી જરૂર રસપ્રદ લાગશે.

અમેરિકામાં 1975માં જનરલ મોટર્સ દ્વારા આશરે 49 લાખ, ફોર્ડ મોટર કંપની દ્વારા આશરે 20 લાખ અને ક્રાઇસ્લર કોર્પોરેશન દ્વારા આશરે 13 લાખ પેસેંજર કાર્સનું ઉત્પાદન થયું હતું.

અમેરિકામાં આ જ કંપનીઓનાં ઉત્પાદનના આંકડા દસ જ વર્ષમાં, 1985માંઆઘાતજનક રહ્યા. અમેરિકામાં 1985માં જનરલ મોટર્સ દ્વારા આશરે 22 લાખ, ફોર્ડ મોટર્સ દ્વારા આશરે 7.60 લાખ અને ક્રાઇસ્લર દ્વારા આશરે 6 લાખ પેસેંજર કાર્સનું ઉત્પાદન થયું હતું.

પંદર વર્ષમાં અમેરિકન ઓટોમોબાઇલ્સ ઉદ્યોગનું ચિત્ર ફરી બદલાયું. કારણરૂપ અમેરિકામાં હોંડા, ટોયોટા, મિત્સુબિશી, નિસ્સાન, બીએમડબલ્યુ આદિ મોટર કારનું વધતું વેચાણ છે.

2001માં અમેરિકામાં જનરલ મોટર્સ દ્વારા આશરે 16.6 લાખ, ફોર્ડ મોટર્સ દ્વારા આશરે 10 લાખ અને ક્રાઇસ્લર દ્વારા આશરે 4.3 લાખ પેસેંજર કાર્સનું ઉત્પાદન થયું હતું.

આ સંજોગોમાં રતન તાતા (રતન ટાટા)ની આગેવાની નીચે ટાટા મોટર્સની નેનો કારની સિદ્ધિ પ્રશસ્ય છે. ત્રણેક વર્ષ પહેલાં સુઝુકી, જાપાનના સ્થાપક ચેરમેન સુઝુકીએ રતન ટાટાની એક લાખની નિર્માણાધીન કારને ‘થ્રી-વ્હીલર’ સાથે સરખાવી મજાક ઉડાવી હતી બરાબર બે વર્ષ પહેલાં સુઝુકીએ ‘એક લાખ રૂપિયા’ની કાર અશક્ય છે તેવું નિવેદન આપેલું.

આજે રતન ટાટાએ વિશ્વની સૌથી કિફાયતી કારમાંની એક એવી ‘નેનો’ કારને પ્રસ્તુત કરી સૌને જવાબ આપી દીધો છે. નેનો કારની કેટલીક મર્યાદાઓને સ્વીકારીએ તો પણ ટાટા મોટર્સની સફળતા ઝાંખી પડતી નથી.

1948માં હિંદુસ્તાન મોટર્સ લિમિટેડ દ્વારા ભારતની પ્રથમ મોટર કાર નિર્માણ પામી અને ભારતને દુનિયાના ઓટોમોબાઇલ ઉદ્યોગમાં સન્માન પ્રાપ્ત થયું. એવું જ સન્માન આજે ટાટા મોટર્સની નેનો કાર થકી ભારતને મળ્યું છે. * * * *અનન્યા/080202/ આજકાલ/હરીશ દવે/ Ananyaa/ * * *

* *  * *  * *

સામાન્ય જ્ઞાન

અમેરિકા1977માં સૂર્ય તરફ બે અવકાશયાનો છોડ્યાં – પ્રથમ ‘વોયેજર-2’ તથા તે પછી ‘વોયેજર-1’.

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસા (NASA National Aeronautics and Space Applications) એ ઓગસ્ટ 20, 1977ના રોજ છોડેલ અવકાશયાન ‘વોયેજર 2’ 1979માં ગુરુના ગ્રહ પાસેથી, 1981માં શનિના ગ્રહ પાસેથી, 1986માં યુરેનસ ગ્રહ પાસેથી અને 1989માં નેપ્ચ્યુન ગ્રહ પાસેથી પસાર થયું. ‘વોયેજર 2’ સૂર્યમંડળને પાર કરી ત્યાંથી આગળ વધતું રહ્યું છે.

‘વોયેજર 2’ના લોંચના એક મહિના પછી સપ્ટેમ્બર 5, 1977ના રોજ અમેરિકાએ અતિ ઝડપી સ્પેસક્રાફ્ટ ‘વોયેજર 1’ છોડ્યું.

‘વોયેજર-1’ માર્ચ 1979માં ગુરુના ગ્રહ પાસેથી અને નવેમ્બર 80માં શનિના ગ્રહ પાસેથી પસાર થયું.

અમેરિકન સંસ્થા નાસાનાં બંને વોયેજર અવકાશયાનો બ્રહ્માંડની સફરે સૂર્ય તરફ આજે પણ પ્રયાણ કરી રહ્યાં છે. બંને અમેરિકન અવકાશયાનો હજી બીજાં દસ-પંદર વર્ષો સુધી સફર જારી રાખશે તેવી આશા છે. * * * * * * * અનન્યા/080202/સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

* *  * *  * *  * *  * *  * *

ગુજરાતી-અંગ્રેજી

આજે આપણે અંગ્રેજી ભાષામાં કેટલાક સુંદર વિશેષણો (Adjectives) ના ઉપયોગને સમજીએ.

કોઈકના ‘efforts’ (પ્રયત્નો, પ્રયાસ) ને આપ કયા વિશેષણોથી નવાજી શકો?

Frantic efforts, Untiring efforts, Relentless efforts, Unabated efforts ….. “અનન્યા”ના વાચકો બીજા ઉમેરી શકે?

The management made frantic efforts to persuade the labour union.

His untiring efforts helped him won the first prize.

Relentless efforts by the police quelled the violent mobs in the city.

The poice made unabated efforts to control the situation.
* *  * *  * *  * *
* * * અનન્યા/080202/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

* * *
* * * * * * ** **

અનન્યા/080202/પ્રથમપૃષ્ઠ

* * * * * ** ** **
* * * * * ** ** **

.
*

અનન્યા/080202/પ્રથમપૃષ્ઠ

.

આપ સૌ મિત્રો ગુજરાતી નેટ જગતને હૂંફાળો આવકાર આપી ગુજરાત અને ગુજરાતી ભાષાની મોટી સેવા કરી રહ્યા છો.

“અનન્યા”માં “ફિલ્મ-સિનેમા”ના પૃષ્ઠ પર આજે ગુજરાતી સિનેમાના પ્રણેતા ગુજરાતીનો પરિચય છે. ગુજરાતના આ પનોતા પુત્રનો પરિચય ગુજરાતી ઇન્ટરનેટ પર પ્રથમ વખત આવી રહ્યો છે.

“દેશ-દુનિયા”માં આપ અન્ય સમાચાર સાથે ભારતની અવકાશ વિજ્ઞાન અને આઈટી ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ વિષે જાણશો.

ગુજરાતી નેટ જગત” માં સુશ્રી ઊર્મિબહેનના “ગાગરમાં સાગર”ની તાજેતરની પોસ્ટની વાત છે. * * * અનન્યા/080202/હરીશ દવે/ Ananyaa/ * * *
* * * * * * ** **