અનન્યા/071229/ફિલ્મ-સિનેમા

*

.

અનન્યા/071229/ફિલ્મ-સિનેમા

.ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી (હપ્તો  )

.

આજે હું આપને ભારતીય સિનેમા ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાલકે (ફાળકે) ની વાત કરીશ.

તેમનું પૂરું નામ ધુંડીરાજ ગોવિંદ ફાલકે. ઇ.સ. 1870માં 30 એપ્રિલે મહારાષ્ટ્રના નાસિકમાં તેમનો જન્મ. પંદર વર્ષની વયે દાદાસાહેબ મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં કલાક્ષેત્રના અભ્યાસ અર્થે જોડાયા. મુંબઈથી દાદાસાહેબ વડોદરા પહોંચ્યા. વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે લલિત કલાઓને ઉત્તેજન અર્થે કલાભવનની સ્થાપના કરી હતી. દાદાસાહેબ ફાલકેએ વડોદરામાં રહી કલાભવનમાં ફોટોગ્રાફી, પેઇન્ટિંગ, મેજીક વગેરેનો અભ્યાસ કર્યો. તેમણે થોડો વખત ફોટોગ્રાફીનો વ્યવસાય કર્યો. પત્નીના સ્વર્ગવાસ પછી તેમણે દેશની સ્વાતંત્ર્ય-લડતમાં ભાગ લીધો. વળી  પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના નાસિકના પ્રિન્ટિંગ પ્રેસમાં તેમણે લીથોગ્રાફી પ્રિન્ટિંગ કામ કર્યું. “અનન્યા”ના વાચકમિત્રો! રાજા રવિ વર્મા ના પ્રિન્ટિંગ કામને છોડી, દાદાસાહેબ ફાલકેએ જર્મની જઈ સિનેમેટોગ્રાફીનો અભ્યાસ કર્યો.બસ, હવે દાદાસાહેબને લગની લાગી કે હું ફિલ્મ બનાવું.વિશ્વમાં સિનેમાની ચડતીનો જુવાળ હતો.હિંદુસ્તાનમાં તોરણે દાદાની “પુંડલિક” સફળ ફિલ્મ બની હતી.

અમેરિકામાં પ્રથમ અમેરિકન ફીચર ફિલ્મ “ઓલિવર ટ્વિસ્ટ” બની હતી. જગપ્રસિદ્ધ અમેરિકન ફિલ્મ નિર્માતા ચાર્લી ચેપ્લિન હોલિવુડમાં પોતાની પ્રથમ ફિલ્મ્સને સર્જી રહ્યા હતા.

આ સમયે દાદાસાહેબ ફાલકે પોતાની પ્રથમ ફિલ્મનાં સ્વપ્નાં જોવા લાગ્યા. તેમાંથી સર્જાઈ ભારતની પ્રથમ ફીચર ફિલ્મ તરીકે અધિકૃત સન્માન પામનાર દાદાસાહેબ ફાલકેની “રાજા હરિશ્ચંદ્ર”. * * * *

* * * * * * * * * * * * * * * * * * * * * *

આપને આ લેખ જરૂર ગમશે: ભારતની સૌ પ્રથમ ટૂંકી ફિલ્મના પહેલા ફિલ્મ નિર્માતા હીરાલાલ સેન (1866 -1917)

* * * * * * * * * * * * * * * * * * * * * *

**ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ  શ્રેણી ( હપ્તો 9)  * * અનન્યા/071229/ફિલ્મસિનેમા/હરીશદવે * *

*  **  *   

 

અનન્યા/071229/ગુજરાતી નેટ જગત

*

.

અનન્યા/071229/ગુજરાતી નેટ જગત

અનન્યાના ગયા અંકમાં (અનન્યા/071222/ગુજરાતી નેટ જગત) એક જ નામે શરૂ કરાતા અનેક બ્લોગ્સની માહિતી આવી ગઈ. તે સંદર્ભમાં ડો. ધવલભાઈ શાહ, ડો. વિવેકભાઈ ટેલર, શ્રી જય ભટ્ટ સહિત કેટલાક મિત્રોએ કોમેંટ/ઈ-મેઇલ દ્વારા રસપ્રદ પ્રતિભાવો આપ્યાછે. વર્ડપ્રેસ પર આવી  સાઇટ્સ જલદી નજરે ચડતી નથી, ક્યારેક જ નજરે ચડે છે તે એક નોંધનીય બાબત છે.

એક મિત્ર મને લખે છે કે કદાચ ભૂલથી કોઈ બ્લોગર મિત્રે પોતાના બ્લોગને આ નામ આપી દીધા હોય તો? આવી શક્યતા ખરી. પરંતુ ભૂલ થઈ જાય તો એક દિવસમાં સુધારી શકાય. ગુજરાતી નેટ જગતના વિકાસના તબક્કાથી  લયસ્તરો અને મધુસંચય એટલા જાણીતા બ્લોગ્સ છે કે અન્ય કોઇ નવા બ્લોગર મિત્ર ક્યારે ય પણ તે નામ પોતાના બ્લોગને આપવાની ભૂલ કે ચેષ્ટા ન કરે.

કન્ટેન્ટની કોપી ન થઈ હોય, ભલે, પણ ગુગલ સર્ચ પર વાચક ઓરીજીનલ મધુસંચય બ્લોગને બદલે કોઈ ભળતી, વણચાહી મધુસંચય સાઇટ પર પહોંચી જાય, તે કેવી દુઃખદ બાબત! સમયનો વ્યય જ ને?

મને થયેલા દુખદ અનુભવ પછી હવે બાકીના બ્લોગર મિત્રોને આવી સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે કેટલાક સોનેરી સૂચનો કરું છું. બીજા જાણકાર મિત્રો તેમાં ઉમેરો કરતા રહે તો ભવિષ્યના બ્લોગર્સને બહુ લાભ થશે.

ધારો કે એક નવા બ્લોગર મિત્ર (કાલ્પનિક) અશોક શાહને પોતાના નવા ત્રણ બ્લોગ્સ શરૂ કરવા ઇચ્છા છે. તો કયા પ્રકારનાં નામ અને URL પસંદ કરવા?  જો શક્ય હોય તો  ત્રણ ચાર શબ્દોનું નામ રાખવું. શબ્દો છે શ્વાસ મારા, કસુંબલ રંગનો વૈભવ કે સ્પંદનનાં ઝરણાં જેવાં નામોની કોપી થવાની શક્યતા સહેજ ઓછી ખરી.

તેમનાં યુઆરએલ અશોકશાહ.વર્ડપ્રેસ.કોમ, શાહઅશોક.વર્ડપ્રેસ.કોમ તથા અશોક.વર્ડપ્રેસ.કોમ રાખવા ઇચ્છનીય છે. હવે જો બ્લોગ્સનાં નાનાં નામ રાખવા હોય …

ધારો કે તેમનાં બ્લોગ્સનાં નામ કલાકાર, આકાશ તથા  સુનયના રાખવા છે. તો તે બ્લોગ્સનાં યુઆરએલ અનુક્રમે કલાકાર.વર્ડપ્રેસ.કોમ, આકાશ.વર્ડપ્રેસ..કોમ તથા સુનયના.વર્ડપ્રેસ.કોમ ઇચ્છનીય છે. આ સાથે જ તેમણે ડમી બ્લોગ્સ બનાવી તેમનાં યુઆરએલ અશોકશાહ.વર્ડપ્રેસ.કોમ, શાહઅશોક.વર્ડપ્રેસ.કોમ તથા અશોક.વર્ડપ્રેસ.કોમ વગેરે પોતાના નામે કરી લેવા જોઈએ.

એક અન્ય મહત્વની વાત. આ જ નામનાં બ્લોગ્સ અને સંબંધિત તમામ શક્ય યુઆરએલ તેમણે બ્લોગસ્પોટ (તથા અન્ય પોર્ટલ) પર પણ હસ્તગત કરવા.(કોર્પોરેટ હાઉસ આમ જ તો કરતાં હોય છે!) કોઈ કહેશે કે આ સૂચન એથિકલ નથી. નૈતિક દ્રષ્ટિએ યોગ્ય નથી. પરંતુ સર્ચ એંજિનમાં ટોપ રિઝલ્ટ્સ આપતાં નામોના દુરૂપયોગ જોયા પછી હું આપ સૌને આ સલાહ આપું છું.

મારાં સૂચનો બીજાની સર્જનશીલતાને ઠેસ મારે તેટલાં અનૈતિક તો નથી જ.

લયસ્તરો, મધુસંચય, અનન્યા, અનામિકા, … હવે કોનો વારો?

વિચારજો.

આપ આપના વિચારો વ્યક્ત કરશો. આપના બે શબ્દો ગુજરાતી નેટ જગતને ઝકઝોરી શકશે.

મિત્રો! સજ્જનોની ખામોશી અને નિષ્ક્રિયતા દુઃખદ પરિણામો લાવે છે તે ન ભૂલીએ. આપના પ્રતિભાવની અપેક્ષા રાખી શકું?

* * * અનન્યા/071229/ગુજરાતી નેટ જગત/હરીશદવે * * ** *  **  *   *  **

અનન્યા/071229/દેશ-દુનિયા

*

.

અનન્યા/071229/દેશ-દુનિયા

*

હેલ્થકેર ક્ષેત્રે દેશનું નામાંકિત કોર્પોરેટ ગ્રુપ એપોલો હવે આરોગ્ય-ચિકિત્સા ક્ષેત્રે સંશોધનમાં પાંખ પ્રસારે છે. ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા આઈસીએમઆર ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (ICMR – Indian Council of Medical Research) ના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ડો. ગાંગુલી એપોલો હોસ્પિટલ્સ ગ્રુપમાં જોડાયા છે. ડો. રેડ્ડીના નેતૃત્વ નીચે એપોલો હોસ્પિટલ્સ ગ્રુપ અમેરિકાની મેયો ક્લિનિક, ક્લીવલેન્ડ ક્લિનિક આદિ ચિકિત્સા-સંશોધનમાં અગ્રેસર સંસ્થાઓની હરોળમાં જવા ઇચ્છે છે.  *  *

* માર્કેટિંગ મેનેજમેન્ટમાં એડવર્ટાઇઝમેન્ટનું આગવું સ્થાન છે. પોતાની પ્રોડક્ટસ તથા સેવાઓને ઉપભોક્તાઓની નજરમાં લાવવા અને ગ્રાહકોને પોતાના પ્રતિ ખેંચવા કંપનીઓ માટે એડવર્ટાઇઝમેન્ટ ઉપયોગી શસ્ત્ર છે.

મેગેઝિન-ન્યૂઝપેપર જેવા પ્રિન્ટ મીડિયા સાથે હવે  ટીવી ચેનલ્સ અને રેડિયો પણ એડવર્ટાઇઝમેન્ટ માટે સ્પર્ધામાં છે. ભારતમાં એડવર્ટાઇઝમેન્ટનું માર્કેટ સોળ હજાર કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનો અંદાજ છે. ભારતમાં પ્રિન્ટ મીડિયાની એડવર્ટાઇઝમેન્ટમાં મારુતિ સુઝુકી, બજાજ ઓટો, ટાટા મોટર્સ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, એચપી ઇન્ડિયા આદિ કંપનીઓ મોખરે છે. * *

* શેરડીનો રસ પણ હવે બ્રાંડેડ બન્યો છે!

ભારતના સિલિકોન વેલી તરીકે ઓળખાતા શહેર બેંગલોર (બેંગ્લોર Bangalore, Karnataka)માં હવે બ્રાંડેડ શેરડી-રસ મળતો થયો છે. Cane-O-La ના નામથી બેંગલોરની કંપની શહેરમાં પોતાના આઉટલેટ્સ પરથી મિકેનાઇઝડ પ્રોસેસથી શેરડીનો  તાજો જ્યૂસ ગ્રાહકોને સર્વ કરશે. * *

* અમેરિકાની સોફ્ટ ડ્રીંક્સ કંપની પેપ્સીકો (PepsiCo, USA) આશરે બસો દેશોમાં વિસ્તરેલ બહુરાષ્ટ્રીય કંપની (MNC – Multinational company) છે. અનન્યાના અગાઉના અંકમાં આપે વાંચ્યું છે કે  પેપ્સીના ચીફ એક્ઝીક્યુટીવ ભારતીય મૂળના અમેરિકન ઇન્દ્રા નૂયી છે.

ભારતમાં ચેન્નાઈ (Chennai, Tamilanadu, India) ના મૂળ વતની ઇન્દ્રા નૂયી અમેરિકામાં ફેડરલ રિઝર્વ બેંક ઓફ ન્યૂ યોર્ક (Federal Reserve Bank of  New York, USA) ના બોર્ડના સભ્ય છે તેમ જ ન્યૂ યોર્કના લિંકન સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટસ સાથે પણ સંલગ્ન છે. તાજેતરમાં ઇન્દ્રા નૂયી અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર-વાણિજ્યની સંસ્થા US – India Business Council ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં નિમાયા છે. * *

* અમેરિકાની કંપની એઓએલ (AOL) દ્વારા ભારતમાં તેનું ઇન્ટરનેટ પોર્ટલ શરૂ થયાને આઠેક મહિના થયા છે.

એઓએલ કંપની અને અમેરિકન જાયન્ટ કંપની ટાઇમ-વોર્નર (Time-Warner) સાથેનું ઐતિહાસિક જોડાણ (Merger/ Acquition) 2001માં થયું હતું. ભારતમાં એઓએલ દ્વારા હિંદી તથા તમિલ ભાષાઓમાં પણ સેવા ઉપલબ્ધ છે. *  *  * અનન્યા/071229/દેશ-દુનિયા/હરીશદવે * *  **

* *  * અનન્યા/071229/દેશ-દુનિયા/હરીશદવે * *  ** *  **  *   *  **  

અનન્યા/071229/આજકાલ-સામાન્યજ્ઞાન

*

અનન્યા/071229/આજકાલ-સામાન્યજ્ઞાન

.

આજકાલ વિશ્વમાં પર્યાવરણ  પ્રદૂષણ  અને ગ્રીન હાઉસ ઇફેક્ટ પર ચિંતા વ્યક્ત થઈ રહી છે.

શહેરીકરણ, ઔદ્યોગીકરણ અને બેમર્યાદ ઉપભોક્તાવાદ જમીન, જળ અને વાયુમાં પ્રદૂષણ વધારતાં પરિબળો છે. અનન્યાનાં વાચકો જાણે છે કે વાતાવરણમાં રહેલ ઓઝોન વાયુનું સ્તર સૂર્યનાં નુકશાનકારક વિકિરણો (દા.ત. અલ્ટ્રાવાયોલેટ કિરણો) થી પૃથ્વીનું રક્ષણ કરે છે. 

પૃથ્વી પરથી વાતાવરણમાં ઓકાતા દૂષિત વાયુઓને કારણે ઓઝોન વાયુના સ્તરમાં ગાબડાં પડી રહ્યાં છે. સૂર્યનાં વિકિરણો અને કાળઝાળ ગરમી પૃથ્વી પર કાળો કેર વર્તાવશે તેવાં અનુમાનો થઈ રહ્યાં છે. પૃથ્વીના તમામ વિસ્તારોની આબોહવામાં ફેરફારનાં ચિન્હો છે.  પૃથ્વીના ધ્રુવ પરનો બરફ પીગળીને મહાસાગરોનાં પાણીની સપાટીને ઊંચે લાવશે ત્યારે સમુદ્રકાંઠાના પ્રદેશો ડૂબવા લાગશે.

આ કલ્પના વધુ ભયાનક એટલે લાગે છે કે ન્યૂ યોર્ક, લંડન, ટોકિયો, હોંગકોંગ, મુંબઈ, કોલકતા જેવાં દેશ-દુનિયાનાં પ્રમુખ મહાનગરો દરિયાકાંઠે વસેલાં છે! * 

*   *   *     

સામાન્યજ્ઞાન

અવકાશ સંશોધન ક્ષેત્રની અવનવી વાતો આપણે જાણી રહ્યા છીએ. અનન્યાના ગયા અંકમાં આપે વાંચ્યું કે અમેરિકા અને રશિયા વચ્ચે અવકાશમાં કેવી હોડની શરૂઆત થઈ!  

પ્રથમ સમાનવ અવકાશયાન સોવિયેત રશિયાએ લોંચ કર્યું હતું. તે યાનમાં પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરી પ્રથમ અવકાશયાત્રા કરનાર માનવી યુરી ગાગારીન (યુરી ગેગેરીન) (Yuri Gagarin)  હતા.

વોસ્તોક1  (Vostok-1) નામના અવકાશયાનમાં બેસીને રશિયન અવકાશયાત્રી યુરી ગેગેરીન 12 એપ્રિલ, 1961ના રોજ પૃથ્વીની એક પ્રદક્ષિણા કરનાર પ્રથમ અવકાશયાત્રી બન્યા.

પ્રથમ અમેરિકન અવકાશયાત્રી એલન શેફર્ડ  હતા જેમણે 5 મે, 1961ના રોજ મર્ક્યુરી કેપ્સ્યુલ ફ્રીડમ7 નામના યાનમાં માત્ર 15 મિનિટ માટે અવકાશની સફર કરી (પરંતુ તે પૃથ્વીની પદક્ષિણા ન હતી).

પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ અમેરિકન અવકાશયાત્રી જહોન ગ્લેન હતા જેમણે મર્ક્યુરી કેપ્સ્યુલ ફ્રેન્ડશીપ7 નામના યાનમાં 20 ફેબ્રુઆરી, 1962ના રોજ આશરે પાંચ કલાકમાં પૃથ્વીની ત્રણ પ્રદક્ષિણા કરી.

અનન્યાના વાચકમિત્રો જાણતાં હશે કે અવકાશયાત્રા કરનાર વિશ્વભરના પ્રથમ મહિલા અવકાશયાત્રી સોવિયેત રશિયા (USSR)ના  વેલેન્ટિના હતાં.  યુએસએસઆરના વેલેન્ટિના (Valentina) રશિયાના વોસ્તોક6 નામના યાનમાં બેસીને  (આશરે 70 મિનિટ માટે) અવકાશયાત્રા કરનાર વિશ્વનાં પહેલાં મહિલા અવકાશયાત્રી બન્યાં.*

*  *   * 

ગુજરાતી-અંગ્રેજી

અંગ્રેજી ભાષાના કેટલાક શબ્દોનાં બહુવચનનાં રૂપો ધ્યાનમાં રાખવા જેવાં છે.  આવા થોડા શબ્દોનાં એકવચન-બહુવચનનાં રૂપો નીચે આપેલ છે:

Crisis – Crises .  .  Basis – Bases.      Thesis – Theses .

Hypothesis – Hypotheses.   Analysis – Analyses.  Diagnosis – Diagnoses .  

Datum – Data . Stratum    Strata.  Alumnus – Alumni .   Bacillus – Bacilli.  

અનન્યા/071229/આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશદવે * * **

અનન્યા/071229/પ્રથમપૃષ્ઠ

*

.

અનન્યા/071229/પ્રથમપૃષ્ઠ

અસહ્યપણે વધતી જતી સામાજીક અને આર્થિક વિષમતાઓ વિશ્વના, માનવસમાજના ભાવિ સામે અનેક પ્રશ્નો ઊભા કરે છે. તેમાંથી જ રાજકીય ઊથલપાથલ અને સાર્વત્રિક જનઆક્રોશ પેદા થતાં હોય છે.

નિયંત્રણવિહોણો, દિશાવિહીન, શાણપણ વિનાનો બેલગામ વિકાસ માનવીને ક્યાં દોરી જશે?

2007નું વર્ષ વિદાય લઈ રહ્યું છે.

આપણે સૌ આશા રાખીએ, 2008નું નવલ વર્ષ વિશ્વ માટે, માનવી માટે સુખદ ભાવિના થાળમાં નવલાં નઝરાણાં લઈને આવે!

જગતને સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રતિ દોરે!

આપ સૌને નૂતન વર્ષનાં અભિનંદન! શુભેચ્છાઓ!  હરીશ દવે *

* *  *  અનન્યા/071229/પ્રથમપૃષ્ઠ/* * **

અનન્યા/071222/ફિલ્મ-સિનેમા

*

અનન્યા/071222/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર પ્રથમ વાર સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 8)

.

પ્રિય વાચકો ( દર્શકો પણ કહું?) !


મને યાદ આવે છે મુંબઈના સેંડહર્સ્ટ રોડ પરના કોરોનેશન થિયેટરમાં મારી તાજપોશી.

બસ, તે દિવસથી મારી જાહોજલાલીના દિવસો શરૂ થયા. મારું બાળપણ થોડા વર્ષો સુધી તંબુઓમાં રઝળ્યું હતું. કેવી કંગાલ હાલત! પણ 1912માં મેં મુંબઈમાં કોરોનેશન થિયેટરમાં દબદબાપૂર્વક પગ મૂક્યો અને ભારતીય સિનેમા ઉદ્યોગનું તકદીર પલટાઈ ગયું.

મને ગૌરવ બક્ષવામાં બે હિંદુસ્તાનીઓ તોરણે દાદા તથા ફાળકે દાદા (ફાલકે દાદા) નો અવિસ્મરણીય ફાળો છે.

હું પ્રથમ વંદન કરીશ તોરણે દાદાને. “અનન્યા”ના વાચકમિત્રો! આપ કહેશો! તોરણે દાદા! નામ કાંઈક સાંભળેલું લાગે છે.

આર. જી. તોરણે અલબેલી મુંબઈ નગરીના એક નાટ્યપ્રેમી હતા. અન્ય એક નાટ્યશોખીન મુંબઈગરા ચિત્રે સાહેબ તેમના સહયોગી. નાટ્યગૃહની સાજસજ્જામાંથી બંને મિત્રો નાટ્યપ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા.

બંને મિત્રોએ ફ્રાંસના લુમિયેર બ્રધર્સ તેમજ અમેરિકાના એડિસનના સિનેમેટોગ્રાફર્સની વાતો જાણેલી. એડવિન પોર્ટર અને સિડની ઓલ્કોટની ફિલ્મોની વાતો તો ભારે રસથી સાંભળેલી.

તોરણેદાદા અને ચિત્રેદાદાને ફિલ્મ બનાવવાનાં સ્વપ્નાં જાગ્યાં. ઘણું વિચાર્યા પછી, તે સમયની સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમણે ધાર્મિક ફિલ્મ બનાવવા નિર્ણય કર્યો. ભક્ત પુંડલિકની કથા પસંદ કરી.

તે સમયે મુંબઈમાં એક બ્રિટીશ કંપનીનો સિનેમેટોગ્રાફી સાધન-સામગ્રીનો વ્યવસાય. તોરણેદાદાએ તે ઇંગ્લીશ કંપની પાસેથી મુવી કેમેરા આદિ સરંજામ લીધો. એક અંગ્રેજ કેમેરામેનને ફિલ્મ ઉતારવા રાજી કર્યો. પોતાની નાટકમંડળી (નાટ્યક્લબ) ના થોડા કલાકારોને તૈયાર કર્યા(યાદ રહે કે તેમાં એક પણ સ્ત્રી કલાકાર ન હતી).

મુંબઈના લેમિંગ્ટન રોડ પર એક ગુજરાતી શ્રીમંત શેઠના બંગલામાં હિંદુસ્તાનની પ્રથમ ફીચર ફિલ્મ “પુંડલિક”નું શુટિંગ થયું.

1912ની 18મી મેના રોજ મુંબઈના કોરોનેશન થિયેટરમાં ભારતની તોરણે દાદા નિર્મિત પ્રથમ ફીચર ફિલ્મ “પુંડલિક”ની રજૂઆત થઈ.

વાચકમિત્રો! જે સમયે અમેરિકામાં હજી ફીચર ફિલ્મ નહોતી બની ત્યારે હિંદુસ્તાનમાં “પુંડલિક” ફિલ્મ સફળ થઈ! 

પરંતુ કાળક્રમે તોરણે દાદાની આ સિદ્ધિને કેટલાક ચર્ચનીય મુદ્દાઓ પર પાછળ ધકેલવામાં આવી. એક, તો એ કે “પુંડલિક” માત્ર એક કલાકની ફિલ્મ હતી, તેથી પૂરી લંબાઈની સંપૂર્ણ ફીચર ફિલ્મ તરીકે ન સ્વીકારાઈ. બીજો મુદ્દો, તેના કેમેરામેન અંગ્રેજી હતા. ત્રીજો મુદ્દો એ કે પ્રેક્ષકોને આકર્ષવા “પુંડલિક”ને અન્ય નાનકડી ફિલ્મો સાથે દર્શાવવામાં આવતી હતી. “અનન્યા” ના વાચકમિત્રો! નિર્ણય આપે કરવાનો છે. આપ “પુંડલિક”ને પ્રથમ ફીચર ફિલ્મ તરીકે સ્વીકારો કે ન સ્વીકારો, પણ તોરણે દાદાએ મુંબઈના ફિલ્મ ઉદ્યોગના,  બોલિવુડના શાનદાર યુગના શ્રીગણેશ કર્યા તે હકીકત કોઈ નકારી ન શકે. * * ગુજરાતી ઇન્ટરનેટ પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 8) * * અનન્યા/071215/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

* *

અનન્યા/071222/ગુજરાતી નેટ જગત

*
અનન્યા/071222/ગુજરાતી નેટ જગત

ગુજરાતી નેટ જગતના બ્લોગ્સના નામોથી છેતરાવાનો વખત આવી ગયો છે!

આપણા મિત્રો પાસે બ્લોગનાં “નામ ખૂટી જવાથી (!)” હવે ગુજરાતી ઇંટરનેટ પર આપને એક જ નામનાં અનેક બ્લોગ્સ જોવા મળશે ! ! !

હવે આપને એક નહીં, બે-પાંચ “લયસ્તરો” જોવા મળે તો નવાઈ ન પામતા! વર્ડપ્રેસ પર “લયસ્તરો” બ્લોગનો વાઘો પહેરી અન્ય એક બ્લોગ આવી પહોંચ્યો છે! ગઈ કાલે સુરતથી ડો. વિવેકભાઈનો મારા પર ફોન હતો, ત્યારે મેં તેમના ધ્યાન પર આ વાત મૂકી. “લયસ્તરો”ના સંચાલક ખુદ પોતાના બીજા નામધારીથી અજાણ હતા! ચાલો, આ એક વાત.

હવે આગળ વધીએ.

વર્ડપ્રેસ પર “મધુસંચય” દોઢ વર્ષથી નિયમિત પ્રકાશિત થાય છે. હવે તેનો પણ જોડિયો ભાઇ – બીજો ‘મધુસંચય’ બ્લોગ – વર્ડપ્રેસ પર જ આવી ગયો છે!

ટૂંક સમયમાં બે-પાંચ “અનામિકા”, “અનુપમા” કે “અનન્યા” આવી જશે તો નવાઈ નહીં! મારા બ્લોગર મિત્રો! આની ગંભીરતા આપને સમજાય છે? આવા તો અન્ય જટિલ પ્રશ્નો ખડા થઈ રહ્યા છે. કોઇ મિત્ર આવા પ્રશ્નો પ્રત્યે ગંભીરતા દર્શાવી તેના નિવારણ માટેના ઉપાયો સૂચવી શકશે?

મિત્રો! ગુજરાતી નેટ જગત સામે આવનાર પ્રશ્નો માટે હું આપને સમય સમય પર સાવધાન કરતો રહ્યો છું.

કદાચ ગુજરાતી ભાષાના અન્ય કોઇ બ્લોગ પર જે બાબત – ગુજરાતી નેટ જગતની વિશેષતાઓ અને સમસ્યાઓની બાબત – આટલી ચર્ચાઈ નથી તે વાત મારા બ્લોગ્સ પર નિયમિત ચર્ચાતી રહી છે.

હું હંમેશા આપના પ્રતિભાવોની, ચર્ચાની, સહકારની અપેક્ષા રાખું છું. હું આપને ફરી એક વાર વિનંતી કરું છું કે, આવો! મિત્રો! વાત વકરી જાય તે પહેલાં એક થાઓ! * અનન્યા/071222/ગુજરાતી નેટ જગત/હરીશદવે* * *

*

અનન્યા/071222/દેશ-દુનિયા

.

અનન્યા/071222/દેશ-દુનિયા

.

* આઇઆઇએમ અમદાવાદ IIM-A (Indian Institute of Management, Ahmedabad)ની ખ્યાતિ વિશ્વભરમાં વિસ્તરતી જાય છે. શ્રી બકુલ ધોળકિયા નિવૃત્ત થયા પછી આઇઆઇએમ અમદાવાદના ડાયરેક્ટર પદે સિનિયર ફેકલ્ટી મેમ્બર શ્રી સમીર કુમાર બરૂઆ નિયુક્ત થયા છે. *

* કોલકતા (કલકત્તા) ની ઝેનાઇટિસ (Xenitis) કંપનીએ પાંચેક વર્ષ પહેલાં માત્ર દસ હજાર રૂપિયાની કિંમતમાં કોમ્પ્યુટર (બંગાળી ભાષામાં ‘આમાર કોમ્પ્યુટર’ ) મૂકવાની જાહેરાત કરી માર્કેટમાં ખળભળાટ કરી મૂક્યો હતો. હવે આ જ કંપની ઝેનાઇટિસ (Xenitis) માત્ર વીસ હજાર રૂપિયામાં ટુ-વ્હીલર – તે ય મોટર બાઇક ! – મૂકી રહી છે!! *
* થમ્સ અપ તથા ગોલ્ડ સ્પોટ જેવાં ઠંડા પીણાંઓથી કોકા કોલા અને પેપ્સી જેવી કંપનીઓને હંફાવનાર ભારતીય કંપની પાર્લે (મુંબઈ) ના નામથી “અનન્યા”ના વાચકો સુપરિચિત છે.

ભારતમાં ઠંડા પીણાં – એરેટેડ કોલ્ડ ડ્રીંક્સ- માર્કેટમાં પ્રખ્યાત કંપની પાર્લે (મુંબઈ) ‘બિસ્લેરી’ બ્રાન્ડ સાથે બોટલ્ડ વોટરના માર્કેટમાં પણ અગ્રેસર છે. બિસ્લેરી બ્રાન્ડ ભારતના બોટલ્ડ વોટરના માર્કેટમાં 60% જેટલો માર્કેટ શેર ધરાવે છે (બિસ્લેરી 1000+ કરોડની પ્રોડક્ટ છે). ભારતમાં પાર્લેની બિસ્લેરીને પેપ્સીની એક્વા ફીના તેમજ કોકાકોલાની કિન્લે બ્રાન્ડ સાથે સ્પર્ધા છે. હવે પાર્લેની બિસ્લેરી બ્રાન્ડ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ લોંચ કરાશે. * * અનન્યા/071222/દેશ-દુનિયા/હરીશદવે *
* ટ્રાવેલ-ટુરિઝમ-એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં “ટાઇમ આઉટ” (Time Out) મેગેઝિન સારું નામ ધરાવે છે. યુએસએ, યુકે સહિત દુનિયાના 18 દેશોમાં તે 21 પ્રમુખ શહેરોમાંથી પ્રકાશિત થાય છે. ભારતમાં ટાઇમ આઉટ મેગેઝિન મુંબઈ અને દિલ્હી શહેરોમાંથી પ્રસિદ્ધ થાય છે. નજીકના ભવિષ્યમાં આ મેગેઝિનની બેંગલોર, ચેન્નાઈ, કોલકતા, હૈદરાબાદ વગેરે આવૃત્તિઓ પણ પ્રગટ થશે. ભારતમાં “ટાઇમ આઉટ” મેગેઝિનના પ્રકાશન સાથે એસ્સાર (Essar Group) ગ્રુપના શશી રૂઈઆના પુત્રીની કંપની સંકળાયેલ છે. *
* ઇન્ટરનેટ તથા કોમ્પ્યુટરના અમર્યાદ વ્યાપ સાથે પરિણામલક્ષી ઇન્ટરનેટ સર્ચ માટે સર્ચ એંજિન  અનિવાર્ય બને  છે. આજે ઇન્ટરનેટ પર ઢગલાબંધ સર્ચ એંજિનો (Search engines) ઊભરાયાં છે.

તેમાં  ગુગલ (Google), યાહુ (Yahoo) અને માઇક્રોસોફ્ટ (Microsoft) કંપનીનાં નામ ઇન્ટરનેટ સર્ચમાં મોખરે છે. તેમાંયે ગુગલ તો ઇન્ટરનેટ સર્ચમાં 60% હિસ્સા સાથે અવ્વલ સ્થાન ભોગવે છે, જ્યારે યાહુ 14% તથા માઇક્રોસોફ્ટ 4% હિસ્સો ધરાવે છે. * અનન્યા/071222/દેશ-દુનિયા/હરીશદવે * *
* * **  **

અનન્યા/071222/આજકાલ-સામાન્યજ્ઞાન

*

અનન્યા/071222/આજકાલ-સામાન્યજ્ઞાન

આજ-કાલ

* ભારતમાં પહેલું કોમ્પ્યુટર HEC-2M કોલકતા (કલકત્તા) માં ઇ.સ. 1955માં કાર્યરત થયું.

1975માં પર્સનલ કોમ્પ્યુટર (PC) અમેરિકન માર્કેટમાં આવ્યા પછી વિશ્વભરમાં કોમ્યુટર્સનો ઉપયોગ કૂદકે ને ભૂસકે વધતો ગયો છે.

1976માં અમેરિકામાં સેમૂર ક્રે (Seymour Cray) નામના કોમ્પ્યુટર એન્જિનિયરે દુનિયાનું સર્વપ્રથમ સુપર-કોમ્પ્યુટર બનાવ્યું.

સામાન્ય શબ્દોમાં સમજાવું તો, જે કોમ્પ્યુટર એક સેકંડમાં કરોડો અટપટી અને સંકુલ માહિતીઓ પર પ્રોસેસિંગ કે તેમની ગણતરી શકે તેને સુપર-કોમ્પ્યુટર કહેવામાં આવે છે.

ક્રેની અમેરિકન કંપનીનું પ્રથમ સુપર-કોમ્પ્યુટર “ક્રે-વન” Cray – 1″ નામથી ઓળખાયું. આ કોમ્પ્યુટરની કિંમત 8.8 મિલિયન ડોલર જેટલી હતી. તે અમેરિકાની એક નેશનલ લેબોરેટરીમાંમાં કાર્યરત થયું.

આ અમેરિકન સુપર-કોમ્પ્યુટર Cray – 1 નો કોમ્પ્યુટિંગ પાવર 160 મેગાફ્લોપ્સ (160 million floating point operations per second) નો હતો.

ત્યાર પછી 1982માં Cray X-MP સુપર-કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું. 1988માં Cray Y-MP માર્કેટમાં આવ્યું જેનો કોમ્પ્યુટિંગ પાવર ગીગાફ્લોપને પાર કરી ગયો.

વર્તમાન વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી પાસે નેશનલ ન્યુક્લિઅર સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન (National Nuclear Security Administration, USA) ને હસ્તક છે.

ભારત પણ આ દોડમાં કેમ પાછળ રહે? “અનન્યા”ના સુજ્ઞ વાચકો જાણતા હશે કે ભારતે અગાઉ ‘પરમ’ (CDAC) તથા ‘અનુપમ’ (BARC) આદિ સુપર કોમ્પ્યુટર્સ ડેવલપ કરેલાં છે.

હવે ટાટા ગૃપ – ટાટા સન્સ (TATA Sons) ની ટીસીએસ (TCS Tata Consultancy Services)  કંપનીએ સુપર કોમ્પ્યુટર ક્ષેત્રે ઝુકાવ્યું છે.

ટાટા સન્સની ટીસીએસના નેજા હેઠળ પૂના(મહારાષ્ટ્ર)ની સીઆરએલ (Computational Research Laboratories : CRL, Pune) ના કોમ્પ્યુટર તજજ્ઞોએ સુપર કોમ્પ્યુટર વિકસાવ્યું છે. “અનન્યા”ના વાચકો નોંધે કે ટાટાએ આ ભારતીય સુપર કોમ્પ્યુટરનું નામ સંસ્કૃતમાં “એક” (Eka means one) રાખ્યું છે.

ટાટાનું “એક” (Eka) ભારતનું જ નહીં, સમગ્ર એશિયા ખંડનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર છે.

ટાટા ગ્રુપ (Tata Group)ની ટીસીએસ (TCS Tata Consultancy Services) કંપની દ્વારા પ્રેરિત સુપર કોમ્પ્યુટર “એક” (Eka)નો કોમ્પ્યુટિંગ પાવર 120 ટેરાફ્લોપ્સનો છે. ખાસ સિદ્ધિ એ કે આ સુપર કોમ્પ્યુટરે 172 ટેરાફ્લોપ્સનો peak performance પણ આપેલો છે. સો કરોડ રૂપિયાથી પણ વધુ બજેટના પ્રોજેક્ટ હેઠળ બનેલ સુપર કોમ્પ્યુટર “એક” (Eka) માં ઇન્ટેલ પ્રોસેસર્સ – Dual quad-core Intel Processors – નો ઉપયોગ થયેલો છે. * અનન્યા/071222/આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશદવે * *

* *  * *   * *
સામાન્ય જ્ઞાન

.
આજે આપણે અવકાશ-સંશોધન વિશે વાત કરીએ. બ્રહ્માંડ ની, અવકાશની ખોજના માનવીના આરંભિક પ્રયત્નોનો ચિતાર મેળવીએ.

માનવીએ અવકાશમાં મોકલેલ અમાનવ (માનવવિહીન) અને સમાનવ અવકાશયાનોની અવકાશયાત્રાઓનો ઇતિહાસ રસપ્રદ છે. અવકાશ-સંશોધનના શરૂઆતના વર્ષોમાં તે સમયના બે સુપર પાવર અમેરિકા (USA) અને સોવિયેટ રશિયા (USSR) વચ્ચે ભારે સ્પર્ધા રહી.

“અનન્યા”ના વાચકમિત્રો! આપ જાણો છો કે સૌ પ્રથમ માનવનિર્મિત કૃત્રિમ ઉપગ્રહ (artificial satellite / man-made satellite) સોવિયેત રશિયા – યુએસએસઆર દ્વારા 4 ઓક્ટોબર, 1957ના રોજ છોડવામાં આવ્યો. માનવી દ્વારા અવકાશમાં છોડાયેલ આ સૌ પ્રથમ ઉપગ્રહનું નામ સ્પુટનિક – 1 (Sputnik-1) હતું.

તે પછી અમેરિકાએ પોતાનો પ્રથમ ઉપગ્રહ 31 જાન્યુઆરી, 1958ના રોજ છોડ્યો. આ પ્રથમ અમેરિકન ઉપગ્રહનું નામ એક્સપ્લોરર – 1 (Explorer-1) હતું.

3 નવેમ્બર 1957ના રોજ રશિયાએ સજીવ પ્રાણી સાથેનું પ્રથમ અવકાશયાન છોડ્યું. સ્પુટનિક-2 નામક આ રશિયન અવકાશયાનમાં લાયકા નામની કૂતરીને મોકલવામાં આવી હતી.

10 જુલાઈ, 1962ના રોજ અમેરિકાએ સંદેશાવ્યવહારના હેતુથી વિશ્વનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ લોંચ કર્યો. એટલાંટિક મહાસાગર પારના દેશોમાં એક સાથે ટેલિવિઝનનું પ્રસારણ કરનાર આ અમેરિકન ઉપગ્રહનું નામ ટેલસ્ટાર-1 (Telstar-1) હતું. * અનન્યા/071222/સામાન્યજ્ઞાન/હરીશદવે * * ** *
*

ગુજરાતી-અંગ્રેજી

અંગ્રેજી ભાષાના કેટલાક શબ્દો તેમના મૂળ (Roots) પરથી શીખવામાં મઝા આવે છે. આવું એક મૂળ “MEM” છે જે ‘meminisse’ (યાદ કરવું) શબ્દ પરથી આવેલ છે. અંગ્રેજી મૂળ “MEM” પરથી બનતા શબ્દો જોઇએ:
Memory means ability to recall.

Memorize means to commit to memory.

Remember means to bring to mind.

Memorial mens something that keeps remembrance.

Memorandum means a note; a reminder.

Memoir means an official note or report. * * * અનન્યા/071222/ગુજરાતી-અંગ્રેજી/હરીશદવે * * ** *

*

અનન્યા/071222/પ્રથમપૃષ્ઠ

*

અનન્યા/071222/પ્રથમપૃષ્ઠ

.

ગુજરાતી નેટ જગતમાં “અનન્યા” વિશિષ્ટ ભાત ઉપસાવી રહ્યું છે.

માત્ર વર્તમાનમાં જ નહીં, ભવિષ્યમાં પણ ગુજરાતી વાચકોને માહિતીનો, જ્ઞાનનો સમૃદ્ધ ખજાનો “અનન્યા” પૂરો પાડે તેવો અમારો ઉદ્દેશ છે.

અમારા અન્ય બ્લોગ્સની માફક, “અનન્યા” પણ કોઈ પ્રકારની ભૂલો વિના પ્રકાશિત થાય તેવી અમે સંભાળ રાખીએ છીએ. છતાં માનવમાત્ર ભૂલને પાત્ર !

આજે અમે પાંચ બ્લોગ્સ પ્રકાશિત કરીએ છીએ, કાર્યક્ષેત્ર વધતું જાય છે; પરિણામે પૂરતી કાળજી લેવા છતાં ક્યાંક કચાશ રહી જાય તેવો સંભવ છે. આપ સ્નેહભાવે ધ્યાન દોરશો તો આનંદ થશે.

“અનન્યા”ના લેખ સંબંધી પૂરક માહિતી આપ જે તે પોસ્ટની નીચે કોમેંટ રૂપે મૂકી શકશો.

આપનાં અન્ય સૂચનો અમને ઈ-મેઇલ (thinklife11-at-yahoo-dot-com)થી મોકલશો તેવી વિનંતી છે.

અનન્યા/071215/ગુજરાતી નેટ જગત

* *

અનન્યા/071215/ગુજરાતી નેટ જગત

*

ચાલો! આજે ફરી ગુજરાતી નેટ જગતના થોડા બ્લોગ્સની મુલાકાત લઈએ.

ગુજરાતી ભાષાના બ્લોગર-મિત્રો પોતાના ગુજરાતી  બ્લોગ્સની વિશેષતાઓ વિશે માહિતી મોકલતા રહે તો તેનો યથોચિત ઉપયોગ થઈ શકે.

આપ નીચેની સાઇટ્સ ઓળખી શકશો?

પ્રશ્નો/ અનન્યા/071215/ગુજરાતી નેટ જગત:

(1) “દોસ્ત જેવું આ શરીર મારું વીફરે વેરી થઈને, અમૃતનો એક કુંભ અંતે પ્રકટે ઝેરી થઈને” … શ્રી સુરેશ દલાલની આ પંક્તિઓ તાજેતરમાં કયા બ્લોગ પર વાંચવા મળી?

(2) “ચાલ અડોઅડ બેસીએ ભીની રેતમાં” … આ રચના આપે ક્યાં વાચી?

(3) જામનગર શહેરના નામ સાથે સંકળાયેલ બ્લોગ ક્યો?

(4) તાજેતરમાં અમદાવાદના કવિ સંમેલનમાં આ યુવાન આશાસ્પદ કવિએ પોતાની એક સુંદર ગઝલ વાંચી: “દર્દનું સરનામુ પૂછ્યા ના કરો, આટલામાં એમના ઘરબાર છે” . . આ કવિનો બ્લોગ કયો?

(5) “તમે હો મુશ્તાક તમારી તલવાર પર” શબ્દો કયા બ્લોગના મથાળે છે?

(6) “અસ્તિત્વ આખું એટલે શું મૌન છે ? કૂમાશની થૈ કૂંપણો ફૂટો સખી” આ ગઝલ આપે કયા બ્લોગ પર માણી?

(7) ઇન્ટરનેટના ખૂણેખાંચરેથી ખાંખાખોળા કરીને અવનવું શોધીને આપણી ભાષામાં આપની સમક્ષ ગમતાનો ગુલાલ કરતો બ્લોગ. આ બ્લોગ કયો?

*

ઉત્તરો/ અનન્યા/071215/ગુજરાતી નેટ જગત:

(1) સુશ્રી જાગૃતિબહેન વાલાણીના બ્લોગ સ્પંદનનાં ઝરણાં પર

(2) શ્રી બિમલ દેસાઈ (નારાજ) ના બ્લોગ કસુંબલ રંગનો વૈભવ પર

(3) શ્રી નિલેશ વ્યાસનો  બ્લોગ  મારું જામનગર

(4) શ્રી ગુંજન ગાંધીનો બ્લોગ ગુજરાતી કવિતા – રસાસ્વાદ

(5) યુવાન દંપતી શ્રી મૌલિક સોની – રીપલ સોનીના બ્લોગ પ્રતિદિપ્તી પર

(6) સુશ્રી કવિ રાવલના બ્લોગ મોર ધેન વર્ડસ” પર

(7) શ્રી અનિમેષ અંતાણીનો બ્લોગતડાફડી

* અનન્યા/071215/ગુજરાતીનેટજગત/ હરીશદવે **

*

અનન્યા/071215/આજકાલ-સામાન્યજ્ઞાન

*

અનન્યા/071215/આજકાલ-સામાન્યજ્ઞાન

* અમેરિકામાં ચિંતાજનક ઇકોનોમી અને સબ-પ્રાઇમ પ્રોબ્લેમ પછી અમેરિકન ડોલર નબળો પડતો જાય છે, તો ભારતમાં આર્થિક ક્ષેત્રમાં (કાંઇક વિસ્મયજનક તેજી) સાથે રૂપિયો મજબૂત થઈ રહ્યો છે. આ સમાચાર ભારતના આઈટી (IT – Information Technology) ક્ષેત્ર માટે ચિંતા પ્રેરી રહ્યા છે.

અમેરિકન ડોલર – ભારતીય રૂપિયાના બદલાતા એક્ષ્ચેન્જ રેટ (American Dollar – Indian Rupee Exchange rate) સાથે મજબૂત થતો રૂપિયો અને કર્મચારીઓના વધતા વેતન ખર્ચાઓને કારણે આઈટી કંપનીઓ પર આર્થિક ભીંસ વધવા લાગી છે. કંપનીઓ પાસે વેતન-વધારા નિયંત્રણ, ક્લાયંટના બિલ અને સર્વિસ ફીઝમાં વધારો આદિ રસ્તાઓ છે.

ભારતનો ઇન્ફર્મેશન ટેકનોલોજી ઉદ્યોગ – (આઈટી ઉદ્યોગ – IT – Information Technology industry) અમેરિકા ઉપરાંત યુરોપ સહિત વિશ્વનાં અન્ય બજારો તરફ નજર દોડાવી રહ્યો છે.

વળી ભારતની અગ્રણી આઈટી કંપનીઓ ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો વગેરે તો ભારતના અલ્પ વિકસિત પ્રદેશોના વિકસતા ટાઉન્સની સોફ્ટવેર જરૂરતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. * * * અનન્યા/071215/આજકાલ/હરીશદવે * *

*
* * * અમેરિકાની ડ્યુ પોન્ટ (Du Pont, USA) કંપની આશરે બસો વર્ષ જૂની કંપની છે. વિશ્વપ્રસિદ્ધ કેમિકલ કંપની ડ્યુ પોન્ટ તેના વિશિષ્ટ સંશોધનો માટે નામના ધરાવે છે.

એક ભારતીય મહિલા શ્રીમતી ઉમા ચૌધરી ડ્યુ પોન્ટ કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે.

ડ્યુ પોન્ટ કંપનીએ તાજેતરમાં ભારતમાં રીસર્ચ એન્ડ ડેવલપમેંટ સેન્ટર શરૂ કરેલ છે. આ ભારતીય સેંટરના મુખ્ય અધિકારી પણ એક ભારતીય વૈજ્ઞાનિક છે.

અમેરિકન કંપની ડ્યુ પોન્ટના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સર્વોચ્ચ અધિકારી પણ શ્રીમતી ઉમા ચૌધરી છે. દુનિયાની સૌથી મોટી કેમિકલ કંપની ડ્યુ પોન્ટમાં આ સ્થાને પહોંચનાર ઉમાબહેન પ્રથમ મહિલા છે. ભારતમાં મુંબઈના એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા ઉમાબહેને અમેરિકા જઈ એમઆઇટી (MIT, USA) માંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. શ્રીમતી ચૌધરી ત્રીસેક વર્ષથી ડ્યુ પોન્ટમાં સેવારત છે.

ગયા જાન્યુઆરીમાં અમેરિકાના પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશ ડ્યુ પોન્ટની મુલાકાતે ગયા હતા. ડ્યુ પોન્ટના બસો વર્ષના ઈતિહાસમાં કોઈ અમેરિકન પ્રમુખની આ પ્રથમ વિઝિટ હતી. અમેરિકન પ્રેસિડેન્ટ બુશ શ્રીમતી ચૌધરીને મળ્યા હતા અને તેમની સાથે ડ્યુ પોન્ટની સંશોધન કામગીરીની ચર્ચા પણ કરી હતી. ** * અનન્યા/071215/આજકાલ/હરીશદવે * * * *

* * *
સામાન્ય જ્ઞાન

* * વિશ્વમાં સૌથી નાના દેશોની વાત કરીએ. દુનિયાભરના સ્વતંત્ર સાર્વભૌમ દેશોમાં સૌથી નાનો દેશ વેટિકન સિટી (Vatican City or The Holy See) છે. વેટિકન સિટીનો વિસ્તાર અર્ધા ચોરસ કિમીથી પણ ઓછો છે (માત્ર 0.44 ચોરસ કિમી અથવા લગભગ 109 એકર) !!

યુરોપના ઇટાલી (Italy, Europe) દેશની રાજધાનીના શહેર રોમમાં આ ટચૂકડો દેશ વેટિકન સિટી સમાયેલો છે.

વેટિકન સિટીમાં ખ્રિસ્તી ધર્મના કેથલિક (કેથોલિક) સંપ્રદાયના વડા ધર્મ ગુરુ પોપનો મહેલ ‘વેટિકન પેલેસ’ છે. તેથી કેથલિક ક્રિશ્ચિયન્સ માટે વેટિકન સિટી પવિત્ર ધામ છે. આ નાનકડા દેશની વસ્તી માંડ 900 જેટલી છે! આમ, વેટિકન સિટી વિસ્તાર અને વસ્તી બંને દ્રષ્ટિએ પૃથ્વી પરનો સૌથી નાનો દેશ છે. * *

* * વિશ્વનો બીજા નંબરનો સૌથી નાનો સ્વતંત્ર દેશ મોનેકો છે. યુરોપ ખંડમાં ભૂમધ્ય સમુદ્રતટ પર ફ્રાન્સની બાજુમાં આવેલા દેશ મોનેકો (Monaco) નો વિસ્તાર બે ચોરસ કિમી કરતાં પણ ઓછો (1.95 ચોરસ કિમી) છે. મોનેકોની વસ્તી માત્ર 32,000 જેટલી છે. આમ છતાં આ નાનકડા દેશની પર કેપીટા જીડીપી (Per capita GDP) 27,000 ડોલર છે. આપને ખ્યાલ હશે કે ભારતની પર કેપીટા જીડીપી (Per capita GDP) માત્ર 2,200 ડોલર છે! * * અનન્યા/071215/સામાન્યજ્ઞાન/હરીશદવે * * *

* * વાચક મિત્રો! વિશ્વનું સૌથી મોટું રણ સહરાનું રણ આફ્રિકા ખંડમાં આવેલું છે. પૃથ્વી પરના આ સૌથી મોટા રણનો વિસ્તાર લગભગ યુરોપ ખંડ જેટલો છે. સહરાના રણનો વિસ્તાર એટલો મોટો છે કે તેમાં ભારત દેશ જેવા ત્રણ દેશો સમાઈ જાય! * અનન્યા/071215/સામાન્યજ્ઞાન/હરીશદવે * *

* * * * *

ગુજરાતી–અંગ્રેજી

આપણે ભાષાના ઉપયોગને મઠારવા પ્રયત્નશીલ રહી શકીએ તો કેવું સારું! તદ્દન સરળ શબ્દોના ઉચિત ઉપયોગથી અભિવ્યક્તિ સુંદર લાગે છે. વિભિન્ન શબ્દપ્રયોગો/ વાક્યપ્રયોગો દ્વારા પણ અભિવ્યક્તિ સુધારી શકાય છે.
આપણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લેખન કલા પર વિચારતા જઈશું અને વિવિધ પ્રયોગોથી અભિવ્યક્તિ કઈ રીતે સુધારવી તે ચર્ચતા જઈશું.

આપ સૌ વાચકમિત્રો આમાં સાથ આપી શકો? આપ આવા વાક્યો કોમેંટ્સ તરીકે લખતા જશો તો શાળા-કોલેજના ગુજરાતી વિદ્યાર્થીઓ તથા સામાન્ય શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગુજરાતીઓને ઉપયોગી થશે. આપણે તેમને અભિવ્યક્તિ માટે પ્રેરણા આપવી છે.

વાચકમિત્રોને ફરી નમ્ર વિનંતી કે આ યજ્ઞમાં જરૂર ભાગ લેશો. આપની કોમેંટ્સ આપણા લાખો મિત્રોને અર્થપૂર્ણ, રસપ્રદ અભિવ્યક્તિથી પરિચિત કરાવશે.

આપણે કોઇ દુઃખી વ્યક્તિને એકાદ વાક્યમાં વર્ણવવી છે. આપણું સાદું સીધું ગુજરાતી ભાષાનું વિધાન હશે: “તે ખૂબ દુઃખી હતો.” આપણે ગુજરાતીમાં વિવિધ શબ્દોના પ્રયોજનથી આ સરળ વિધાનને વિશેષ રસપૂર્ણ બનાવી શકીએ. આપ પ્રયત્ન કરી જોજો! આપને સૂઝે તે વાક્યો કોમેન્ટમાં લખજો!

હવે તે ભાવ બતાવતું વિધાન અંગ્રેજી ભાષામાં કંઈક આમ લખી શકાય (આપણે શબ્દાર્થ નહીં, ભાવાર્થ જોઇએ છે): He was very sad. How sad he was! His face was grief-striken. He was miserably depressed. He was terribly upset.
His face was pale with grief. His gloomy face spoke of his miseries.
His pale face described his sadness. His swollen eyes were suggestive of his sufferings. The paleness of his face could not hide the woes he had suffered. * * * અનન્યા/071215/ગુજરાતીઅંગ્રેજી /હરીશ દવે * **

* *

અનન્યા/071215/પ્રથમપૃષ્ઠ

*

અનન્યા/071215/પ્રથમપૃષ્ઠ

* *

ગુજરાતી નેટ જગત  હવે  વર્ડપ્રેસ ઉપરાંત બ્લોગસ્પોટ તથા અન્યત્ર પણ વિકસેલ છે.

અનન્યા” ના આજના અંકમાં ગુજરાતી નેટ જગતના પૃષ્ઠ પર બ્લોગસ્પોટ પરના કેટલાક ગુજરાતી બ્લોગ્સની મુલાકાત લીધી છે.

આપ પાસે અન્ય ઉપયોગી સાઇટ્સની માહિતી હોય તો જરૂરથી મોકલશો.

આજના અંકથી ફિલ્મસિનેમા પૃષ્ઠ પર ફિલ્મનો ઇતિહાસ નવા સ્વરૂપમાં રજૂ થઈ રહ્યો છે. આપના પ્રતિભાવ આપતા રહેશો.

* *અનન્યા/071215/પ્રથમપૃષ્ઠ/હરીશદવે * * *