*
અનન્યા/071222/ફિલ્મ-સિનેમા
.
ગુજરાતી ઇન્ટરનેટ પર પ્રથમ વાર સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 8)
.
પ્રિય વાચકો ( દર્શકો પણ કહું?) !
મને યાદ આવે છે મુંબઈના સેંડહર્સ્ટ રોડ પરના કોરોનેશન થિયેટરમાં મારી તાજપોશી.
બસ, તે દિવસથી મારી જાહોજલાલીના દિવસો શરૂ થયા. મારું બાળપણ થોડા વર્ષો સુધી તંબુઓમાં રઝળ્યું હતું. કેવી કંગાલ હાલત! પણ 1912માં મેં મુંબઈમાં કોરોનેશન થિયેટરમાં દબદબાપૂર્વક પગ મૂક્યો અને ભારતીય સિનેમા ઉદ્યોગનું તકદીર પલટાઈ ગયું.
મને ગૌરવ બક્ષવામાં બે હિંદુસ્તાનીઓ તોરણે દાદા તથા ફાળકે દાદા (ફાલકે દાદા) નો અવિસ્મરણીય ફાળો છે.
હું પ્રથમ વંદન કરીશ તોરણે દાદાને. “અનન્યા”ના વાચકમિત્રો! આપ કહેશો! તોરણે દાદા! નામ કાંઈક સાંભળેલું લાગે છે.
આર. જી. તોરણે અલબેલી મુંબઈ નગરીના એક નાટ્યપ્રેમી હતા. અન્ય એક નાટ્યશોખીન મુંબઈગરા ચિત્રે સાહેબ તેમના સહયોગી. નાટ્યગૃહની સાજસજ્જામાંથી બંને મિત્રો નાટ્યપ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા.
બંને મિત્રોએ ફ્રાંસના લુમિયેર બ્રધર્સ તેમજ અમેરિકાના એડિસનના સિનેમેટોગ્રાફર્સની વાતો જાણેલી. એડવિન પોર્ટર અને સિડની ઓલ્કોટની ફિલ્મોની વાતો તો ભારે રસથી સાંભળેલી.
તોરણેદાદા અને ચિત્રેદાદાને ફિલ્મ બનાવવાનાં સ્વપ્નાં જાગ્યાં. ઘણું વિચાર્યા પછી, તે સમયની સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમણે ધાર્મિક ફિલ્મ બનાવવા નિર્ણય કર્યો. ભક્ત પુંડલિકની કથા પસંદ કરી.
તે સમયે મુંબઈમાં એક બ્રિટીશ કંપનીનો સિનેમેટોગ્રાફી સાધન-સામગ્રીનો વ્યવસાય. તોરણેદાદાએ તે ઇંગ્લીશ કંપની પાસેથી મુવી કેમેરા આદિ સરંજામ લીધો. એક અંગ્રેજ કેમેરામેનને ફિલ્મ ઉતારવા રાજી કર્યો. પોતાની નાટકમંડળી (નાટ્યક્લબ) ના થોડા કલાકારોને તૈયાર કર્યા(યાદ રહે કે તેમાં એક પણ સ્ત્રી કલાકાર ન હતી).
મુંબઈના લેમિંગ્ટન રોડ પર એક ગુજરાતી શ્રીમંત શેઠના બંગલામાં હિંદુસ્તાનની પ્રથમ ફીચર ફિલ્મ “પુંડલિક”નું શુટિંગ થયું.
1912ની 18મી મેના રોજ મુંબઈના કોરોનેશન થિયેટરમાં ભારતની તોરણે દાદા નિર્મિત પ્રથમ ફીચર ફિલ્મ “પુંડલિક”ની રજૂઆત થઈ.
વાચકમિત્રો! જે સમયે અમેરિકામાં હજી ફીચર ફિલ્મ નહોતી બની ત્યારે હિંદુસ્તાનમાં “પુંડલિક” ફિલ્મ સફળ થઈ!
પરંતુ કાળક્રમે તોરણે દાદાની આ સિદ્ધિને કેટલાક ચર્ચનીય મુદ્દાઓ પર પાછળ ધકેલવામાં આવી. એક, તો એ કે “પુંડલિક” માત્ર એક કલાકની ફિલ્મ હતી, તેથી પૂરી લંબાઈની સંપૂર્ણ ફીચર ફિલ્મ તરીકે ન સ્વીકારાઈ. બીજો મુદ્દો, તેના કેમેરામેન અંગ્રેજી હતા. ત્રીજો મુદ્દો એ કે પ્રેક્ષકોને આકર્ષવા “પુંડલિક”ને અન્ય નાનકડી ફિલ્મો સાથે દર્શાવવામાં આવતી હતી. “અનન્યા” ના વાચકમિત્રો! નિર્ણય આપે કરવાનો છે. આપ “પુંડલિક”ને પ્રથમ ફીચર ફિલ્મ તરીકે સ્વીકારો કે ન સ્વીકારો, પણ તોરણે દાદાએ મુંબઈના ફિલ્મ ઉદ્યોગના, બોલિવુડના શાનદાર યુગના શ્રીગણેશ કર્યા તે હકીકત કોઈ નકારી ન શકે. * * ગુજરાતી ઇન્ટરનેટ પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 8) * * અનન્યા/071215/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* *
પિંગબેક: અનન્યા/071229/ફિલ્મ-સિનેમા « અનન્યા . Ananyaa
પિંગબેક: સિનેમા ઉદ્યોગના પ્રણેતા હીરાલાલ સેન: બંગાળના અર્ધ-અજાણ્યા ફિલ્મ સર્જક – અનુપમા
પિંગબેક: ફિલ્મ ઇતિહાસના મૂક સાક્ષી સમા મુંબઈના સિનેમા થિયેટર્સની કહાણી – અનામિકા
પિંગબેક: અમેરિકાના સિનેમાજગત અને હોલિવુડના ઇતિહાસની એક ઝલક – મધુસંચય