*
.
ભારતીય બેંકિંગ ઉદ્યોગમાં ભારે સ્પર્ધાનું વાતાવરણ છે. ભારતની સૌથી મોટી બેંક ભારત સરકારના નિયંત્રણ નીચેની સ્ટેટ બેંક ઓફ ઇંડિયા (એસબીઆઈ – SBI – State Bank of India) છે. એસબીઆઈની એસ્ટેટસ સાડા પાંચસો લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે.
ભારતની અન્ય રાષ્ટ્રીયકૃત બેંકોમાં કેનેરા બેંક અને પંજાબ નેશનલ બેંક – પ્રત્યેકની એસ્ટેટ લગભગ 160 લાખ કરોડ રૂપિયાની છે. ભારતમાં ખાનગી બેંકોમાં આઈસીઆઈસીઆઈ (ICICI) સૌથી વધુ એસ્ટેટસ – આશરે સાડા ત્રણસો લાખ કરોડ રૂપિયા – ધરાવે છે અને એચડીએફસી (HDFC) બેંક બીજા ક્રમે છે.
ભારતમાં બેંકિંગ વ્યવસાયમાં કારોબાર કરતી વિદેશી બેંકોમાં સ્ટેનચાર્ટ (StanChart), સીટી બેંક (City Bank) તથા એચએસબીસી (HSBC) નાં નામ મોખરે છે. * * * અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
* * ભારત સરકારના નાણાં મંત્રી ચિદંબરમના આ વર્ષના બજેટમાં ટેલિકોમ અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટના વિસ્તરણ માટે જોગવાઈ છે. ઇન્ડિયન ગવર્નમેન્ટ હસ્તકના બીએસએનએલ (BSNL) ની બ્રોડબેન્ડ સેવાઓ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચાડાશે. ભારત સરકાર દેશભરમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા આપતાં એક લાખ જેટલાં સેંટર્સ શરૂ કરશે. કોમન સર્વિસ સેન્ટર્સના નામે ઓળખાનાર આ સેંટર્સ પર બીએસએનએલ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ દ્વારા જમીનના દસ્તાવેજો (Land Records) ની કામગીરી ઉપરાંત વીજળી બિલો ભરવા જેવી સેવાઓ ઉપલબ્ધ થશે. * * * * * અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
* * * દુનિયામાં રાજકારણ અને અર્થવ્યવસ્થા અજબગજબના રંગ બતાવે છે. વિશ્વની નજર અત્યારે ચીન પર છે. ચીનમાં રાજધાની બેઇજિંગમાં ઓલિમ્પિક ગેમ્સનાં પડઘમ બાજી રહ્યાં છે. પરંતુ ચીન સરકાર દ્વારા તાજેતરનાં કેટલાક પગલાંઓ આઘાતજનક છે. ચીન દ્વારા તિબેટની ધરતી પર થઈ રહેલ દમનને દુનિયાના અગ્રણીઓ વખોડી રહ્યાં છે. આફ્રિકા ખંડના દેશ સુદાનમાં થઈ રહેલ અત્યાચારમાં ચીન અપરોક્ષ રીતે સંકળાયેલ હોવાનો આક્ષેપ છે. યુરોપિયન દેશોનો સમૂહ ચીન પર નારાજ છે.”અનન્યા”ના વાચકોને કદાચ ‘બ્રિક’ સંક્ષિપ્તરૂપ વિશે જાણકારી હશે. વિશ્વની ઇકોનોમીનાં બદલાતાં સમીકરણોમાં બ્રિક (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન) (BRIC – Brazil, Russia, India, China) દેશોને નજરઅંદાજ કરવું અમેરિકા માટે અઘરું છે. અમેરિકા માટે ચીન સાથેના ખાટામીઠા સંબંધો વચ્ચે વાણિજ્ય-ઉદ્યોગના લાભોની મીઠાશ લોભામણી છે. છતાં અમેરિકન કોંગ્રેસના સ્પીકર દ્વારા ચીનની તિબેટનીતિની ટીકા સૂચક છે. આફ્રિકન દેશ સુદાનમાં ઓઇલ પ્રોજેક્ટસ – ખનિજ તેલ ક્ષેત્રો – માં ચીનનું જંગી રોકાણ છે. હોલિવુડના પ્રતિષ્ઠિત ફિલ્મ ડાયરેક્ટર સ્ટીવન સ્પિલબર્ગને ચીનને સુદાન મુદ્દે અપીલ કરવી પડે તે પણ સૂચક નથી? યુરોપના દેશો પણ ચીનની નીતિઓનો ખુલ્લંખુલ્લા વિરોધ કરવા લાગ્યા છે. ચીનમાં યોજાનારા આગામી ઓલિમ્પિક્સ રમતોના બહિષ્કારનો સૂર પણ સંભળાઈ રહ્યો છે. * * * * * * અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
* * * રોમાંચક સાયંસ ફિક્શનના સિદ્ધહસ્ત લેખક આર્થર સી. ક્લાર્કનું શ્રીલંકામાં અવસાન થયું છે. સાયન્સની પ્રગતિની ભવિષ્યવાણીને પોતાની વિજ્ઞાન કથાઓમાં મૂકનાર બ્રિટીશ લેખક ક્લાર્ક 90 વર્ષના હતા. ઇંગ્લેન્ડમાં જન્મેલ આર્થર સી. ક્લાર્ક છેલ્લા પચાસેક વર્ષથી શ્રીલંકામાં રહેતા હતા. “અનન્યા” અને “મધુસંચય”ના વાચકો મેટ્રો-ગોલ્ડવિન-મેયર એમજીએમ (MGM) ની ફિલ્મ ‘2001 – અ સ્પેસ ઓડેસી’ને જાણે છે.
હોલિવુડના વિખ્યાત ફિલ્મ દિગ્દર્શક સ્ટેન્લી કુબ્રિકની ફિલ્મ ‘2001 – અ સ્પેસ ઓડેસી’ ઉત્તમોત્તમ ફોટોગ્રાફી અને થીમ મ્યુઝિક માટે પ્રશંસા પામી હતી. આ ફિલ્મ આર્થર સી. ક્લાર્કની નવલકથા પર આધારિત હતી. ફ્યુચર સાયન્સ અને સ્પેસ ટ્રાવેલના વિષયોમાં નિષ્ણાત અંગ્રેજી લેખક આર્થર સી. ક્લાર્કના 100થી વધારે પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. * * * * * * * અનન્યા/080322/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * * * * * * * * ** **