.
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 31)
.
અરદેશર ઈરાનીએ ભારતના ફિલ્મ ઉદ્યોગને પ્રથમ ટોકી મુવી (Talkie movie) અર્થાત્ સવાક્ સિનેમા (બોલતું ચલચિત્ર કે બોલપટ)ની ભેટ આપી.
ભારતીય સિનેમાની પ્રથમ ટોકી ફિલ્મ તે અરદેશર ઈરાની દ્વારા નિર્મિત ‘આલમ આરા’.
અરદેશર ઈરાની ખાનદાન પારસી કુટુંબનું ફરજંદ. તેમનો જન્મ 1886 (કે 1885 ?)માં થયો હતો. તેમના પિતાને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટસનો વ્યવસાય હતો. તે જમાનાના મુંબઈ (Mumbai, Bombay) ના શાનદાર કાલબાદેવી રોડ પર તેમની દુકાન હતી.
યુવાન વયે અરદેશરે નવા ફાલતા ફિલ્મ વિતરણના ધંધામાં ઝંપલાવ્યું.
વીસમી સદીના આરંભનો તે સમય હતો. ફિલ્મ વિતરક વિદેશમાં બનેલી ટૂંકી મૂંગી ફિલ્મોની આયાત કરતા. મુંબઈ કલકત્તા જેવા મોટા શહેરોમાં તે પ્રદર્શિત કરતા.
“અનન્યા”ના મિત્રો! આપને મારી એ વાત પર આશ્ચર્ય થશે કે તે સમયે ફિલ્મ માટે હજી થિયેટર્સ કે સિનેમાગૃહો બન્યાં ન હતાં. ફિલ્મ વિતરક ખુલ્લા મેદાનમાં તંબૂ ઠોકી, આવા તંબૂ થિયેટરોમાં સિનેમા બતાવતા. બંધ તંબૂમાં સિનેમા બતાવવાનું મશીન (જેમકે કાઇનેટોસ્કોપ) અને પડદો ગોઠવાતાં. પડદા સામે જમીન પર કે ખુરશી પર દર્શકો બેસતાં.
આવાં તંબૂ થિયેટરોમાં સાંજે અંધારું થયા પછી મૂંગી ફિલ્મો બતાવાતી. પ્રેક્ષકો બળદગાડાંમાં કે ઘોડાગાડીમાં બેસી સિનેમા જોવા આવતાં. ક્યારેક ફિલ્મ વિતરક પોતે પ્રેક્ષકોને લેવા-મૂકવા ઘોડાગાડીની વ્યવસ્થા કરી આપતો!
મુંબઈમાં એક ફિલ્મ વિતરક શેઠ અબ્દુલ અલી યુસુફ અલી હતા. અરદેશર ઈરાનીએ શેઠ અબ્દુલ અલી સાથે ભાગીદારી કરી ફિલ્મ વિતરણના ધંધાને જમાવ્યો.
મને બરાબર યાદ છે, મિત્રો! શરૂઆતમાં અરદેશર ઈરાની મુંબઈના આવા તંબૂ થિયેટરોમાં ફિલ્મ-પ્રદર્શન કરતા વિતરક હતા.
વીસમી સદીના શરૂઆતનાં વર્ષોમાં કલકત્તા (કોલકતા Kolkata)માં પણ આવાં તંબૂ થિયેટરોમાં જ ફિલ્મો બતાવાતી.
કલકત્તામાં ફિલ્મ વિતરણના વ્યવસાયના પ્રણેતા જમશેદજી ફરામજી માદન નામક પારસી સજ્જન હતા. મુંબઈના વતની માદન શેઠ યુવાન વયે કલકત્તા જઈ ઠરીઠામ થયેલા. કલકત્તામાં ફિલ્મ વિતરણના વ્યવસાયમાં ભારે સ્પર્ધાનો સામનો કરી પૈસા કમાયા. તેમને ફિલ્મ પ્રદર્શિત કરવા પાકા બાંધેલા સિનેમા હોલની આવશ્યકતા સમજાઈ.
માદન શેઠે 1907માં કલકત્તા શહેરમાં પ્રથમ સિનેમાગૃહ ‘એલ્ફિન્સ્ટન પિક્ચર પેલેસ’ બાંધ્યું. માદન શેઠનું ‘એલ્ફિન્સ્ટન’ હિંદુસ્તાનનું પ્રથમ ફિલ્મ થિયેટર મનાય છે.
અરદેશર ઈરાની એ પોતાના કોમી બિરાદર માદન શેઠની કલકત્તાની સફળતામાંથી પ્રેરણા લીધી. અરદેશર ઈરાની અને શેઠ અબ્દુલ અલી યુસુફ અલીના સંયુક્ત સાહસથી મુંબઈમાં બોમ્બે સેંટ્રલ વિસ્તારમાં એલેક્ઝાન્ડ્રા સિનેમા થિયેટર સારું વિકાસ પામ્યું.
એલેક્ઝાન્ડ્રા (કે એલેક્ઝાન્ડર) થિયેટર આસપાસના વિસ્તારો – બોમ્બે સેંટ્રલ- નાગપાડા- કમાઠીપુરા – ની ખ્યાતિ-કુખ્યાતિને સ્વીકારી ભારતીય ફિલ્મ ઉદ્યોગના ગૌરવભર્યા ઇતિહાસની સાક્ષી બની રહ્યું. * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 31) * * અનન્યા/080531/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
* * * * * * * * **
પિંગબેક: અનન્યા/080913/ફિલ્મ-સિનેમા « અનન્યા . Ananyaa
પિંગબેક: નાદિયા ધ ફિયરલેસ: ભારતીય ફિલ્મમાં સ્ટંટ એક્શનની પ્રથમ ‘હંટરવાલી’ એક્ટ્રેસ – મધુસંચય
પિંગબેક: ભારતીય સિનેમા ઉદ્યોગના પ્રણેતા હીરાલાલ સેન: બંગાળના અર્ધ-અજાણ્યા ફિલ્મ સર્જક – અનુપમા
પિંગબેક: મુંબઈ ભારતની આર્થિક રાજધાની કેવી રીતે બન્યું? – અનુપમા
પિંગબેક: ફિલ્મ ઇતિહાસના મૂક સાક્ષી સમા મુંબઈના સિનેમા થિયેટર્સની કહાણી – અનામિકા