અનન્યા/080315/આજકાલ-સામાન્યજ્ઞાન

.

અનન્યા/080315/આજકાલ-સામાન્યજ્ઞાન

આજકાલ

અમેરિકાના આર્થિક-વાણિજ્ય પ્રવાહોને તથા અમેરિકન ડોલરની નબળી સ્થિતિને વિશ્વની અર્થવ્યવસ્થાઓ અદ્ધર શ્વાસે જોઈ રહી છે. “અનન્યા”ના આગલા અંકોમાં આપે વિશ્વના આર્થિક પ્રવાહોની માહિતી મેળવેલ છે.

અમેરિકન અર્થતંત્રની માંદગી વિશ્વભરને (ભારતને પણ) વધતી-ઓછી પ્રભાવિત કરવા લાગી છે. એટલી નિરાંત કે, ભારતીય અર્થવ્યવસ્થા છેક ચિંતાજનક સ્થિતિમાં તો નથી જ.

ક્યાં એક જમાનામાં વિદેશી હુંડિયામણ (ફોરેન એક્ષ્ચેંજ)ની કારમી અછત અને ક્યાં આજની માલામાલ છત!

પચાસ વર્ષ પહેલાંના ભારત પર નજર નાખીએ.

1957માં ભારતના મશહૂર ફિલ્મ ડાયરેક્ટર મહેબૂબ દ્વારા બોલિવુડમાં નિર્મિત હિન્દી ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ દુનિયામાં પ્રશંસા પામી.

1958ના અમેરિકાના એકેડેમી એવોર્ડઝ – ઓસ્કાર એવોર્ડઝ (Oscar Awards) માટે ‘મધર ઇન્ડિયા’ નામાંકિત થઈ હતી.

ઓસ્કાર એવોર્ડઝ સમારંભ માટે મહેબૂબ ખાન, તેમનાં પત્ની સરદાર તથા ‘મધર ઇંડિયા’નાં મુખ્ય અભિનેત્રી નરગીસ – આમ ત્રણ  કલાકારો અમેરિકા જવાનાં હતાં.

આ ત્રણના અમેરિકા પ્રવાસ માટે ભારત સરકાર દ્વારા માત્ર 1200 ડોલર (જી હા, માત્ર બારસો ડોલર)નું  ફોરેન એક્ષ્ચેંજ મંજૂર થયું હતું. તે સમયે ભારત – અમેરિકા વચ્ચે હુંડિયામણ દર એક અમેરિકન ડોલર બરાબર આશરે સાડા ચાર રૂપિયા હતો.

આજે આપને અમેરિકા પ્રવાસ માટે ભારત સરકાર મોકળા મને વિદેશી હુંડિયામણ આપે છે. હાલ ભારત-અમેરિકા વચ્ચે એક્ષ્ચેંજ રેટ એક અમેરિકન ડોલર બરાબર લગભગ 40 રૂપિયા છે.  *  *  * અનન્યા/080315/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/

*  *  *  *  * * 

સામાન્યજ્ઞાન

યુએન (યુનો / યુનાઈટેડ નેશન્સ United Nations)ના ઇ.સ. 2000ના સર્વે પ્રમાણે વિશ્વનાં સૌથી વધુ વસ્તીવાળાં શહેરોની યાદી નીચે મુજબ છે. આ અંદાજિત વસ્તી-આંકડામાં મુખ્ય શહેરની વસ્તીમાં તેની આસપાસનાં શહેરી (અર્બન ) વિસ્તારોની વસ્તીનો પણ સમાવેશ કરેલ છે તે નોંધવું.

ક્રમાંક શહેર દેશ અંદાજિત  વસ્તી  
1 ટોકિયો જાપાન 264 લાખ
2 મેક્સિકો સિટી મેક્સિકો 180 લાખ
3 સાઓ પાઉલો બ્રાઝિલ 179 લાખ
4 ન્યૂ યોર્ક સિટી અમેરિકા 167 લાખ
5 મુંબઈ (બોમ્બે) ભારત 160 લાખ
6 લોસ એંજેલસ અમેરિકા 132 લાખ
7 કોલકતા (કલકત્તા)  ભારત 130 લાખ
8 શાંઘહાઈ ચીન 128 લાખ
9 ઢાકા બાંગલા દેશ 125 લાખ
10 દિલ્હી ભારત 124 લાખ

*  *  *  * * 

ગુજરાતી-અંગ્રેજી

જો આપ ગુજરાતમાં સ્થાયી ન હો તો પણ ગુજરાત સાથે આપ કોઇક રીતે સંબંધિત હશો અથવા ગુજરાતી ભાષા પ્રત્યે આપને કાંઇક ખેંચાણ હશે જ. તેથી જ તો આપ “અનન્યા”નું આ પૃષ્ઠ ગુજરાતી ઇન્ટરનેટ પર વાંચી રહ્યા છો. ચાલો, ગુજરાતી ભાષાના આપણા જ્ઞાનની નાનકડી કસોટી કરીએ.

આપણે કેટલાંક ગુજરાતી શબ્દો ભૂલતાં જઈએ છીએ કે શું? એક જમાનામાં લોકબોલીમાં ખૂબ વપરાતાં કેટલાક શબ્દો આજે વ્યવહારમાંથી ભૂલાતાં જાય છે.

આપ નીચેના શબ્દોનો અર્થ કહી શકશો?

નઘરોળ, ઊજમ, વિવર્ણ, ધરો, રગશિયું, ચાટૂક્તિ.

* * * અનન્યા/080315/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

*    *   * *     * *     **    **