અનન્યા/080112/ફિલ્મ-સિનેમા

*

.

અનન્યા/080112/ફિલ્મ-સિનેમા

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 11)

મુંબઈના કોરોનેશન સિનેમા ગૃહમાં પોતાની પ્રથમ ફીચર ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર” ની સફળતાથી દાદાસાહેબ ફાલકેને અત્યંત હર્ષ થયો. આ ફિલ્મથી મારો ઠસ્સો ખાસ્સો વધી ગયો. ફિલ્મની સફળતાથી દાદાસાહેબના ચહેરા પર ઝળકેલી ખુશી મને આજે પણ યાદ આવે છે. તે પછી તેમણે કેટલીક લોકભોગ્ય ફિલ્મો બનાવી.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન દાદાસાહેબની એક નોંધપાત્ર ફિલ્મ “લંકાદહન” 1917માં આવી. “લંકાદહન” (અંગ્રેજી ટાઈટલ “બર્નિંગ ઓફ લંકા”) માં ટ્રીક ફોટોગ્રાફી ધ્યાન ખેંચે તેવી હતી. મિત્રો! દાદાસાહેબ સિનેમેટોગ્રાફીની કેટલીક વિશિષ્ટ ટેકનીક્સ યુરોપમાં જર્મનીથી શીખેલા. ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા ફ્રાંસના લુમિયેર બ્રધર્સના કેટલાક કલાકારોની કલા પણ દાદાસાહેબને ઉપયોગી થઈ. 

“લંકાદહન” ફિલ્મ મુંબઈના ગીરગામના ‘વેસ્ટ એન્ડ’ સિનેમા ગૃહમાં રજૂ થઈ.

મને યાદ છે, મારી સામે બેઠેલાં પ્રેક્ષકો ઊડતા હનુમાનજીનાં દ્રશ્યો જોઈ હરખાઈ જતાં. ભડભડ બળતી લંકાને દાદાસાહેબના કેમેરાએ એવી તો રજૂ કરી કે પ્રેક્ષકો છળી ઊઠતાં! ત્યાર પછી દાદાસાહેબની “શ્રીકૃષ્ણજન્મ” અને “કાલિયમર્દન” ફિલ્મો પણ આવકાર પામી. “અનન્યા”ના વાચક મિત્રો કદાચ નહીં જાણતા હોય કે દાદાસાહેબ ફાલકેએ 1917-18માં નાસિક (મહારાષ્ટ્ર)માં ભારતની મોખરાની ફિલ્મ કંપની સ્થાપી. દાદાસાહેબની “હિંદુસ્તાન ફિલ્મ કંપની”ના ભાગીદારોમાં ગુજરાતી ભાગીદારો માધવજી જેશિંગ અને મયાશંકર ભટ્ટનો સમાવેશ થતો હતો. સમય જતાં ભાગીદારો છૂટા પડ્યા; દાદાસાહેબ ફાલકે બનારસ ગયા અને તે દરમ્યાન વામનરાવ આપ્ટે નામક ભાગીદારે કંપની ચલાવી.

દાદાસાહેબ નાસિક પાછા ફર્યા ત્યારે ફરી “હિંદુસ્તાન ફિલ્મ કંપની”માં જોડાઈ ગયા. 1931 સુધી દાદાસાહેબની “હિંદુસ્તાન ફિલ્મ કંપની” મૂગી ફિલ્મો બનાવતી રહી. કહે છે કે તે કંપનીએ લગભગ 97 ફિલ્મ્સ બનાવેલી!

ભારતનું કેવું કમનસીબ કે દાદાસાહેબ ફાલકેની ઉત્તમ ફિલ્મ્સમાંથી માંડ પાંચ-છ ફિલ્મોના રીલ આજે પૂનાના નેશનલ ફિલ્મ આર્કાઈવ્ઝમાં સચવાયેલા છે. તેમાં “રાજા હરિશ્ચન્દ્ર” ફિલ્મના તો માંડ બે-ત્રણ જ રીલ બચેલા છે!! આપને આ વાતો કરતાં મારી આંખો છલકાય છે!

ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 11) * *

* * * અનન્યા/080112/ ફિલ્મ-સિનેમા/હરીશ દવે/ Ananyaa/ * * *
* * * * * *

અનન્યા/071229/ફિલ્મ-સિનેમા

*

.

અનન્યા/071229/ફિલ્મ-સિનેમા

.ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી (હપ્તો  )

.

આજે હું આપને ભારતીય સિનેમા ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાલકે (ફાળકે) ની વાત કરીશ.

તેમનું પૂરું નામ ધુંડીરાજ ગોવિંદ ફાલકે. ઇ.સ. 1870માં 30 એપ્રિલે મહારાષ્ટ્રના નાસિકમાં તેમનો જન્મ. પંદર વર્ષની વયે દાદાસાહેબ મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં કલાક્ષેત્રના અભ્યાસ અર્થે જોડાયા. મુંબઈથી દાદાસાહેબ વડોદરા પહોંચ્યા. વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે લલિત કલાઓને ઉત્તેજન અર્થે કલાભવનની સ્થાપના કરી હતી. દાદાસાહેબ ફાલકેએ વડોદરામાં રહી કલાભવનમાં ફોટોગ્રાફી, પેઇન્ટિંગ, મેજીક વગેરેનો અભ્યાસ કર્યો. તેમણે થોડો વખત ફોટોગ્રાફીનો વ્યવસાય કર્યો. પત્નીના સ્વર્ગવાસ પછી તેમણે દેશની સ્વાતંત્ર્ય-લડતમાં ભાગ લીધો. વળી  પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના નાસિકના પ્રિન્ટિંગ પ્રેસમાં તેમણે લીથોગ્રાફી પ્રિન્ટિંગ કામ કર્યું. “અનન્યા”ના વાચકમિત્રો! રાજા રવિ વર્મા ના પ્રિન્ટિંગ કામને છોડી, દાદાસાહેબ ફાલકેએ જર્મની જઈ સિનેમેટોગ્રાફીનો અભ્યાસ કર્યો.બસ, હવે દાદાસાહેબને લગની લાગી કે હું ફિલ્મ બનાવું.વિશ્વમાં સિનેમાની ચડતીનો જુવાળ હતો.હિંદુસ્તાનમાં તોરણે દાદાની “પુંડલિક” સફળ ફિલ્મ બની હતી.

અમેરિકામાં પ્રથમ અમેરિકન ફીચર ફિલ્મ “ઓલિવર ટ્વિસ્ટ” બની હતી. જગપ્રસિદ્ધ અમેરિકન ફિલ્મ નિર્માતા ચાર્લી ચેપ્લિન હોલિવુડમાં પોતાની પ્રથમ ફિલ્મ્સને સર્જી રહ્યા હતા.

આ સમયે દાદાસાહેબ ફાલકે પોતાની પ્રથમ ફિલ્મનાં સ્વપ્નાં જોવા લાગ્યા. તેમાંથી સર્જાઈ ભારતની પ્રથમ ફીચર ફિલ્મ તરીકે અધિકૃત સન્માન પામનાર દાદાસાહેબ ફાલકેની “રાજા હરિશ્ચંદ્ર”. * * * *

* * * * * * * * * * * * * * * * * * * * * *

આપને આ લેખ જરૂર ગમશે: ભારતની સૌ પ્રથમ ટૂંકી ફિલ્મના પહેલા ફિલ્મ નિર્માતા હીરાલાલ સેન (1866 -1917)

* * * * * * * * * * * * * * * * * * * * * *

**ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ  શ્રેણી ( હપ્તો 9)  * * અનન્યા/071229/ફિલ્મસિનેમા/હરીશદવે * *

*  **  *   

 

અનન્યા/071208/ફિલ્મ-સિનેમા

* *

અનન્યા/071208/ફિલ્મ-સિનેમા

* *

બ્રિટીશ રાજના હિંદુસ્તાનમાં સિનેમા ઉદ્યોગના આરંભની કહાણી આપને વર્ણવી રહ્યો છું.

વીસમી સદીનો ઉદય હજી હમણાં જ થયો હતો. ભારતમાં મૂંગી ફિલ્મોના નાના નાના ટુકડાઓ તંબૂ થિયેટરોમાં બતાવાતા તે આપણે “અનન્યા”ના ગયા અંકમાં જોયું.

ભારત પરથી નજર હટાવી તે સમયના વિશ્વ પર એક નજર નાખીશું?

ફિલ્મના ઇતિહાસને ન્યાય આપવો હોય તો અમેરિકાના એડિસન તથા ફ્રાંસના લુમિયેર ભાઈઓના નામ સાથે એક અન્ય નામ (કે ‘ગુમનામ’ નામ?)ને યાદ તો કરવું જોઇએ. આ મહાશય પણ ફ્રેંચ.

તેમનું નામ લુઈ એમિ. તેમની જીવન કહાણી રહસ્યકથા જેવી રહી છે. પણ એવું કહેવાય છે કે ફ્રાંસના લુઈ મહાશયે ઇ.સ. 1888માં વિશ્વની પ્રથમ ફિલ્મ (ચલચિત્ર)નો પ્રયોગ કેટલાક આમંત્રિતો સમક્ષ કરેલો. તે પછીના બે વર્ષમાં લુઈ મહાશય રહસ્યમય રીતે ગુમ થઈ ગયા!

લુમિયેર બ્રધર્સના સફળ શોની વાત આપણે ગયા અંકમાં જોઈ ગયા. 1896 પછી કેટલીક નાની નાની ફિલ્મો બનતી રહી.

તેમાં નોંધપાત્ર કહી શકાય તેવી ફિલ્મ 1902માં આવી. તે અમેરિકન ફિલ્મ હતી જ્યોર્જ મેલિસની “A Trip to the Moon”.

1903માં એડવિન પોર્ટરની ફિલ્મ “ધ ગ્રેટ ટ્રેઇન રોબરી” (The Great Train Robbery) બની. આ જ ફિલ્મની રી-મેક ફિલ્મ “The Great Train Robbery” તરીકે જ સિગ્મંડ લુબિન નામક સિનેમેટોગ્રાફરે 1904માં બનાવી. સિનેમાના ઇતિહાસમાં આ ફિલ્મોનું ખાસ સ્થાન ગણાય છે.

વિશ્વભરમાં પ્રથમ ફીચર ફિલ્મ બનાવવાનું માન ઓસ્ટ્રેલિયા ખાટી ગયું! 1906માં વિશ્વની પ્રથમ ફીચર ફિલ્મ “The Story of Kelly Gang” ઓસ્ટ્રેલિયામાં રજૂ થઈ.

તે પછીના વર્ષે અમેરિકામાં કાબેલ સિનેમેટોગ્રાફર સિડની ઓલ્કોટની ફિલ્મ ‘બેન હર’ (Ben-Hur) આવી. 1908માં અમેરિકાના મહાન વૈજ્ઞાનિક-સંશોધક થોમસ આલ્વા એડિસન પ્રથમ અમેરિકન ફિલ્મ નિર્માણ સંબંધિત કંપનીના સ્થાપક બન્યા.

એડિસન દ્વારા સ્થાપિત અમેરિકાની (અને વિશ્વની પણ) આ પ્રથમ ફિલ્મ કંપનીનું નામ ‘ધ મોશન પિક્ચર્સ પેટન્ટ કંપની’ (The Motion Picture Patents Company, USA) હતું. આ સાથે એડિસને પોતાનો સ્ટુડિયો વિકસાવ્યો. થોમસ આલ્વા એડિસનના “Edison Studios” ની ફિલ્મ ‘ફ્રેંકનસ્ટાઇન’ (Frankenstein) સારો એવો રસ જન્માવી ગઈ.

સિનેમા ઉદ્યોગ માટે 1911નું વર્ષ અતિ મહત્વનું રહ્યું.

અમેરિકાના હોલિવુડમાં નેસ્ટર ફિલ્મ્સે (Nestor Films) સર્વ પ્રથમ મોશન પિક્ચર સ્ટુડિયો ફિલ્મ નિર્માણ માટે સ્થાપ્યો.

આમ, ફિલ્મ ઉદ્યોગ પા પા પગલી ભરતો થઈ ગયો.

ફિલ્મ ઇતિહાસ ખુદ એક રસપ્રદ કથા છે.

આજે આપણે મલ્ટીપ્લેક્સમાં બેઠા બેઠા ફિલ્મ માણીએ છીએ ત્યારે સ્ક્રીન પર – રૂપેરી પડદા પર – ચિત્રપટ પર હાલતાં-ચાલતાં-બોલતાં ચિત્રો જોઈ ખુશ થઈ જઈએ છીએ.

પણ ખામોશ રહેતા રૂપેરી પડદાની સાથે આપે ક્યારેય વાત કરી છે ખરી?

આવતા અંકથી “અનન્યા”ના ફિલ્મ-સિનેમા પૃષ્ઠ પર એક કૌતુક હશે!

સિનેમાના ઇતિહાસની, ફિલ્મ ઉદ્યોગની કહાણી હવે હું નહીં કહું! ફિલ્મની કથા હવે સિલ્વર સ્ક્રીન કહેશે!

ચિત્રપટના હોઠેથી સરતા શબ્દોમાં ફિલ્મ કહાણી … કેવી મઝાની વાત!

આપ ફિલ્મ ઇતિહાસને સ્વયં રૂપેરી પડદાના મુખે જ સાંભળશો..

આપને ખૂબ આનંદ આવશે! આવતા અંકે . * * અનન્યા/071208/હરીશ  દવે * *

* *