અનન્યા/071229/ફિલ્મ-સિનેમા

*

.

અનન્યા/071229/ફિલ્મ-સિનેમા

.ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી (હપ્તો  ) 

.

આજે હું આપને ભારતીય સિનેમા ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાલકે (ફાળકે) ની વાત કરીશ.

તેમનું પૂરું નામ ધુંડીરાજ ગોવિંદ ફાલકે. ઇ.સ. 1870માં 30 એપ્રિલે મહારાષ્ટ્રના નાસિકમાં તેમનો જન્મ. પંદર વર્ષની વયે દાદાસાહેબ મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં કલાક્ષેત્રના અભ્યાસ અર્થે જોડાયા. મુંબઈથી દાદાસાહેબ વડોદરા પહોંચ્યા. વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે લલિત કલાઓને ઉત્તેજન અર્થે કલાભવનની સ્થાપના કરી હતી. દાદાસાહેબ ફાલકેએ વડોદરામાં રહી કલાભવનમાં ફોટોગ્રાફી, પેઇન્ટિંગ, મેજીક વગેરેનો અભ્યાસ કર્યો. તેમણે થોડો વખત ફોટોગ્રાફીનો વ્યવસાય કર્યો. પત્નીના સ્વર્ગવાસ પછી તેમણે દેશની સ્વાતંત્ર્ય-લડતમાં ભાગ લીધો. વળી  પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના નાસિકના પ્રિન્ટિંગ પ્રેસમાં તેમણે લીથોગ્રાફી પ્રિન્ટિંગ કામ કર્યું. “અનન્યા”ના વાચકમિત્રો! રાજા રવિ વર્મા ના પ્રિન્ટિંગ કામને છોડી, દાદાસાહેબ ફાલકેએ જર્મની જઈ સિનેમેટોગ્રાફીનો અભ્યાસ કર્યો.બસ, હવે દાદાસાહેબને લગની લાગી કે હું ફિલ્મ બનાવું.વિશ્વમાં સિનેમાની ચડતીનો જુવાળ હતો.હિંદુસ્તાનમાં તોરણે દાદાની “પુંડલિક” સફળ ફિલ્મ બની હતી.

અમેરિકામાં પ્રથમ અમેરિકન ફીચર ફિલ્મ “ઓલિવર ટ્વિસ્ટ” બની હતી. જગપ્રસિદ્ધ અમેરિકન ફિલ્મ નિર્માતા ચાર્લી ચેપ્લિન હોલિવુડમાં પોતાની પ્રથમ ફિલ્મ્સને સર્જી રહ્યા હતા.

આ સમયે દાદાસાહેબ ફાલકે પોતાની પ્રથમ ફિલ્મનાં સ્વપ્નાં જોવા લાગ્યા. તેમાંથી સર્જાઈ ભારતની પ્રથમ ફીચર ફિલ્મ તરીકે અધિકૃત સન્માન પામનાર દાદાસાહેબ ફાલકેની “રાજા હરિશ્ચંદ્ર”. * * * *

**ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ  શ્રેણી ( હપ્તો 9)  * * અનન્યા/071229/ફિલ્મસિનેમા/હરીશદવે * *

*  **  *    

Advertisements

અનન્યા/071229/ગુજરાતી નેટ જગત

*

.

અનન્યા/071229/ગુજરાતી નેટ જગત

અનન્યાના ગયા અંકમાં (અનન્યા/071222/ગુજરાતી નેટ જગત) એક જ નામે શરૂ કરાતા અનેક બ્લોગ્સની માહિતી આવી ગઈ. તે સંદર્ભમાં ડો. ધવલભાઈ શાહ, ડો. વિવેકભાઈ ટેલર, શ્રી જય ભટ્ટ સહિત કેટલાક મિત્રોએ કોમેંટ/ઈ-મેઇલ દ્વારા રસપ્રદ પ્રતિભાવો આપ્યાછે. વર્ડપ્રેસ પર આવી  સાઇટ્સ જલદી નજરે ચડતી નથી, ક્યારેક જ નજરે ચડે છે તે એક નોંધનીય બાબત છે.

એક મિત્ર મને લખે છે કે કદાચ ભૂલથી કોઈ બ્લોગર મિત્રે પોતાના બ્લોગને આ નામ આપી દીધા હોય તો? આવી શક્યતા ખરી. પરંતુ ભૂલ થઈ જાય તો એક દિવસમાં સુધારી શકાય. ગુજરાતી નેટ જગતના વિકાસના તબક્કાથી  લયસ્તરો અને મધુસંચય એટલા જાણીતા બ્લોગ્સ છે કે અન્ય કોઇ નવા બ્લોગર મિત્ર ક્યારે ય પણ તે નામ પોતાના બ્લોગને આપવાની ભૂલ કે ચેષ્ટા ન કરે.

કન્ટેન્ટની કોપી ન થઈ હોય, ભલે, પણ ગુગલ સર્ચ પર વાચક ઓરીજીનલ મધુસંચય બ્લોગને બદલે કોઈ ભળતી, વણચાહી મધુસંચય સાઇટ પર પહોંચી જાય, તે કેવી દુઃખદ બાબત! સમયનો વ્યય જ ને?

મને થયેલા દુખદ અનુભવ પછી હવે બાકીના બ્લોગર મિત્રોને આવી સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે કેટલાક સોનેરી સૂચનો કરું છું. બીજા જાણકાર મિત્રો તેમાં ઉમેરો કરતા રહે તો ભવિષ્યના બ્લોગર્સને બહુ લાભ થશે.

ધારો કે એક નવા બ્લોગર મિત્ર (કાલ્પનિક) અશોક શાહને પોતાના નવા ત્રણ બ્લોગ્સ શરૂ કરવા ઇચ્છા છે. તો કયા પ્રકારનાં નામ અને URL પસંદ કરવા?  જો શક્ય હોય તો  ત્રણ ચાર શબ્દોનું નામ રાખવું. શબ્દો છે શ્વાસ મારા, કસુંબલ રંગનો વૈભવ કે સ્પંદનનાં ઝરણાં જેવાં નામોની કોપી થવાની શક્યતા સહેજ ઓછી ખરી.

તેમનાં યુઆરએલ અશોકશાહ.વર્ડપ્રેસ.કોમ, શાહઅશોક.વર્ડપ્રેસ.કોમ તથા અશોક.વર્ડપ્રેસ.કોમ રાખવા ઇચ્છનીય છે. હવે જો બ્લોગ્સનાં નાનાં નામ રાખવા હોય …

ધારો કે તેમનાં બ્લોગ્સનાં નામ કલાકાર, આકાશ તથા  સુનયના રાખવા છે. તો તે બ્લોગ્સનાં યુઆરએલ અનુક્રમે કલાકાર.વર્ડપ્રેસ.કોમ, આકાશ.વર્ડપ્રેસ..કોમ તથા સુનયના.વર્ડપ્રેસ.કોમ ઇચ્છનીય છે. આ સાથે જ તેમણે ડમી બ્લોગ્સ બનાવી તેમનાં યુઆરએલ અશોકશાહ.વર્ડપ્રેસ.કોમ, શાહઅશોક.વર્ડપ્રેસ.કોમ તથા અશોક.વર્ડપ્રેસ.કોમ વગેરે પોતાના નામે કરી લેવા જોઈએ.

એક અન્ય મહત્વની વાત. આ જ નામનાં બ્લોગ્સ અને સંબંધિત તમામ શક્ય યુઆરએલ તેમણે બ્લોગસ્પોટ (તથા અન્ય પોર્ટલ) પર પણ હસ્તગત કરવા.(કોર્પોરેટ હાઉસ આમ જ તો કરતાં હોય છે!) કોઈ કહેશે કે આ સૂચન એથિકલ નથી. નૈતિક દ્રષ્ટિએ યોગ્ય નથી. પરંતુ સર્ચ એંજિનમાં ટોપ રિઝલ્ટ્સ આપતાં નામોના દુરૂપયોગ જોયા પછી હું આપ સૌને આ સલાહ આપું છું.

મારાં સૂચનો બીજાની સર્જનશીલતાને ઠેસ મારે તેટલાં અનૈતિક તો નથી જ.

લયસ્તરો, મધુસંચય, અનન્યા, અનામિકા, … હવે કોનો વારો?

વિચારજો.

આપ આપના વિચારો વ્યક્ત કરશો. આપના બે શબ્દો ગુજરાતી નેટ જગતને ઝકઝોરી શકશે.

મિત્રો! સજ્જનોની ખામોશી અને નિષ્ક્રિયતા દુઃખદ પરિણામો લાવે છે તે ન ભૂલીએ. આપના પ્રતિભાવની અપેક્ષા રાખી શકું?

* * * અનન્યા/071229/ગુજરાતી નેટ જગત/હરીશદવે * * ** *  **  *   *  **

અનન્યા/071229/દેશ-દુનિયા

*

.

અનન્યા/071229/દેશ-દુનિયા

*

હેલ્થકેર ક્ષેત્રે દેશનું નામાંકિત કોર્પોરેટ ગ્રુપ એપોલો હવે આરોગ્ય-ચિકિત્સા ક્ષેત્રે સંશોધનમાં પાંખ પ્રસારે છે. ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા આઈસીએમઆર ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (ICMR – Indian Council of Medical Research) ના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ડો. ગાંગુલી એપોલો હોસ્પિટલ્સ ગ્રુપમાં જોડાયા છે. ડો. રેડ્ડીના નેતૃત્વ નીચે એપોલો હોસ્પિટલ્સ ગ્રુપ અમેરિકાની મેયો ક્લિનિક, ક્લીવલેન્ડ ક્લિનિક આદિ ચિકિત્સા-સંશોધનમાં અગ્રેસર સંસ્થાઓની હરોળમાં જવા ઇચ્છે છે.  *  *

* માર્કેટિંગ મેનેજમેન્ટમાં એડવર્ટાઇઝમેન્ટનું આગવું સ્થાન છે. પોતાની પ્રોડક્ટસ તથા સેવાઓને ઉપભોક્તાઓની નજરમાં લાવવા અને ગ્રાહકોને પોતાના પ્રતિ ખેંચવા કંપનીઓ માટે એડવર્ટાઇઝમેન્ટ ઉપયોગી શસ્ત્ર છે.

મેગેઝિન-ન્યૂઝપેપર જેવા પ્રિન્ટ મીડિયા સાથે હવે  ટીવી ચેનલ્સ અને રેડિયો પણ એડવર્ટાઇઝમેન્ટ માટે સ્પર્ધામાં છે. ભારતમાં એડવર્ટાઇઝમેન્ટનું માર્કેટ સોળ હજાર કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનો અંદાજ છે. ભારતમાં પ્રિન્ટ મીડિયાની એડવર્ટાઇઝમેન્ટમાં મારુતિ સુઝુકી, બજાજ ઓટો, ટાટા મોટર્સ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, એચપી ઇન્ડિયા આદિ કંપનીઓ મોખરે છે. * *

* શેરડીનો રસ પણ હવે બ્રાંડેડ બન્યો છે!

ભારતના સિલિકોન વેલી તરીકે ઓળખાતા શહેર બેંગલોર (બેંગ્લોર Bangalore, Karnataka)માં હવે બ્રાંડેડ શેરડી-રસ મળતો થયો છે. Cane-O-La ના નામથી બેંગલોરની કંપની શહેરમાં પોતાના આઉટલેટ્સ પરથી મિકેનાઇઝડ પ્રોસેસથી શેરડીનો  તાજો જ્યૂસ ગ્રાહકોને સર્વ કરશે. * *

* અમેરિકાની સોફ્ટ ડ્રીંક્સ કંપની પેપ્સીકો (PepsiCo, USA) આશરે બસો દેશોમાં વિસ્તરેલ બહુરાષ્ટ્રીય કંપની (MNC – Multinational company) છે. અનન્યાના અગાઉના અંકમાં આપે વાંચ્યું છે કે  પેપ્સીના ચીફ એક્ઝીક્યુટીવ ભારતીય મૂળના અમેરિકન ઇન્દ્રા નૂયી છે.

ભારતમાં ચેન્નાઈ (Chennai, Tamilanadu, India) ના મૂળ વતની ઇન્દ્રા નૂયી અમેરિકામાં ફેડરલ રિઝર્વ બેંક ઓફ ન્યૂ યોર્ક (Federal Reserve Bank of  New York, USA) ના બોર્ડના સભ્ય છે તેમ જ ન્યૂ યોર્કના લિંકન સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટસ સાથે પણ સંલગ્ન છે. તાજેતરમાં ઇન્દ્રા નૂયી અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર-વાણિજ્યની સંસ્થા US – India Business Council ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં નિમાયા છે. * *

* અમેરિકાની કંપની એઓએલ (AOL) દ્વારા ભારતમાં તેનું ઇન્ટરનેટ પોર્ટલ શરૂ થયાને આઠેક મહિના થયા છે.

એઓએલ કંપની અને અમેરિકન જાયન્ટ કંપની ટાઇમ-વોર્નર (Time-Warner) સાથેનું ઐતિહાસિક જોડાણ (Merger/ Acquition) 2001માં થયું હતું. ભારતમાં એઓએલ દ્વારા હિંદી તથા તમિલ ભાષાઓમાં પણ સેવા ઉપલબ્ધ છે. *  *  * અનન્યા/071229/દેશ-દુનિયા/હરીશદવે * *  **

* *  * અનન્યા/071229/દેશ-દુનિયા/હરીશદવે * *  ** *  **  *   *  **  

અનન્યા/071229/આજકાલ-સામાન્યજ્ઞાન

*

અનન્યા/071229/આજકાલ-સામાન્યજ્ઞાન

.

આજકાલ વિશ્વમાં પર્યાવરણ  પ્રદૂષણ  અને ગ્રીન હાઉસ ઇફેક્ટ પર ચિંતા વ્યક્ત થઈ રહી છે.

શહેરીકરણ, ઔદ્યોગીકરણ અને બેમર્યાદ ઉપભોક્તાવાદ જમીન, જળ અને વાયુમાં પ્રદૂષણ વધારતાં પરિબળો છે. અનન્યાનાં વાચકો જાણે છે કે વાતાવરણમાં રહેલ ઓઝોન વાયુનું સ્તર સૂર્યનાં નુકશાનકારક વિકિરણો (દા.ત. અલ્ટ્રાવાયોલેટ કિરણો) થી પૃથ્વીનું રક્ષણ કરે છે. 

પૃથ્વી પરથી વાતાવરણમાં ઓકાતા દૂષિત વાયુઓને કારણે ઓઝોન વાયુના સ્તરમાં ગાબડાં પડી રહ્યાં છે. સૂર્યનાં વિકિરણો અને કાળઝાળ ગરમી પૃથ્વી પર કાળો કેર વર્તાવશે તેવાં અનુમાનો થઈ રહ્યાં છે. પૃથ્વીના તમામ વિસ્તારોની આબોહવામાં ફેરફારનાં ચિન્હો છે.  પૃથ્વીના ધ્રુવ પરનો બરફ પીગળીને મહાસાગરોનાં પાણીની સપાટીને ઊંચે લાવશે ત્યારે સમુદ્રકાંઠાના પ્રદેશો ડૂબવા લાગશે.

આ કલ્પના વધુ ભયાનક એટલે લાગે છે કે ન્યૂ યોર્ક, લંડન, ટોકિયો, હોંગકોંગ, મુંબઈ, કોલકતા જેવાં દેશ-દુનિયાનાં પ્રમુખ મહાનગરો દરિયાકાંઠે વસેલાં છે! * 

*   *   *     

સામાન્યજ્ઞાન

અવકાશ સંશોધન ક્ષેત્રની અવનવી વાતો આપણે જાણી રહ્યા છીએ. અનન્યાના ગયા અંકમાં આપે વાંચ્યું કે અમેરિકા અને રશિયા વચ્ચે અવકાશમાં કેવી હોડની શરૂઆત થઈ!  

પ્રથમ સમાનવ અવકાશયાન સોવિયેત રશિયાએ લોંચ કર્યું હતું. તે યાનમાં પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરી પ્રથમ અવકાશયાત્રા કરનાર માનવી યુરી ગાગારીન (યુરી ગેગેરીન) (Yuri Gagarin)  હતા.

વોસ્તોક1  (Vostok-1) નામના અવકાશયાનમાં બેસીને રશિયન અવકાશયાત્રી યુરી ગેગેરીન 12 એપ્રિલ, 1961ના રોજ પૃથ્વીની એક પ્રદક્ષિણા કરનાર પ્રથમ અવકાશયાત્રી બન્યા.

પ્રથમ અમેરિકન અવકાશયાત્રી એલન શેફર્ડ  હતા જેમણે 5 મે, 1961ના રોજ મર્ક્યુરી કેપ્સ્યુલ ફ્રીડમ7 નામના યાનમાં માત્ર 15 મિનિટ માટે અવકાશની સફર કરી (પરંતુ તે પૃથ્વીની પદક્ષિણા ન હતી).

પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ અમેરિકન અવકાશયાત્રી જહોન ગ્લેન હતા જેમણે મર્ક્યુરી કેપ્સ્યુલ ફ્રેન્ડશીપ7 નામના યાનમાં 20 ફેબ્રુઆરી, 1962ના રોજ આશરે પાંચ કલાકમાં પૃથ્વીની ત્રણ પ્રદક્ષિણા કરી.

અનન્યાના વાચકમિત્રો જાણતાં હશે કે અવકાશયાત્રા કરનાર વિશ્વભરના પ્રથમ મહિલા અવકાશયાત્રી સોવિયેત રશિયા (USSR)ના  વેલેન્ટિના હતાં.  યુએસએસઆરના વેલેન્ટિના (Valentina) રશિયાના વોસ્તોક6 નામના યાનમાં બેસીને  (આશરે 70 મિનિટ માટે) અવકાશયાત્રા કરનાર વિશ્વનાં પહેલાં મહિલા અવકાશયાત્રી બન્યાં.*

*  *   * 

ગુજરાતી-અંગ્રેજી

અંગ્રેજી ભાષાના કેટલાક શબ્દોનાં બહુવચનનાં રૂપો ધ્યાનમાં રાખવા જેવાં છે.  આવા થોડા શબ્દોનાં એકવચન-બહુવચનનાં રૂપો નીચે આપેલ છે:

Crisis – Crises .  .  Basis – Bases.      Thesis – Theses .

Hypothesis – Hypotheses.   Analysis – Analyses.  Diagnosis – Diagnoses .  

Datum – Data . Stratum    Strata.  Alumnus – Alumni .   Bacillus – Bacilli.  

અનન્યા/071229/આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશદવે * * **

અનન્યા/071229/પ્રથમપૃષ્ઠ

*

.

અનન્યા/071229/પ્રથમપૃષ્ઠ

અસહ્યપણે વધતી જતી સામાજીક અને આર્થિક વિષમતાઓ વિશ્વના, માનવસમાજના ભાવિ સામે અનેક પ્રશ્નો ઊભા કરે છે. તેમાંથી જ રાજકીય ઊથલપાથલ અને સાર્વત્રિક જનઆક્રોશ પેદા થતાં હોય છે.

નિયંત્રણવિહોણો, દિશાવિહીન, શાણપણ વિનાનો બેલગામ વિકાસ માનવીને ક્યાં દોરી જશે?

2007નું વર્ષ વિદાય લઈ રહ્યું છે.

આપણે સૌ આશા રાખીએ, 2008નું નવલ વર્ષ વિશ્વ માટે, માનવી માટે સુખદ ભાવિના થાળમાં નવલાં નઝરાણાં લઈને આવે!

જગતને સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રતિ દોરે!

આપ સૌને નૂતન વર્ષનાં અભિનંદન! શુભેચ્છાઓ!  હરીશ દવે *

* *  *  અનન્યા/071229/પ્રથમપૃષ્ઠ/* * **

અનન્યા/071222/ફિલ્મ-સિનેમા

*

અનન્યા/071222/ફિલ્મ-સિનેમા

.
ગુજરાતી ઇન્ટરનેટ પર પ્રથમ વાર સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 8)

.

પ્રિય વાચકો ( દર્શકો પણ કહું?) !


મને યાદ આવે છે મુંબઈના સેંડહર્સ્ટ રોડ પરના કોરોનેશન થિયેટરમાં મારી તાજપોશી.

બસ, તે દિવસથી મારી જાહોજલાલીના દિવસો શરૂ થયા. મારું બાળપણ થોડા વર્ષો સુધી તંબુઓમાં રઝળ્યું હતું. કેવી કંગાલ હાલત! પણ 1912માં મેં મુંબઈમાં કોરોનેશન થિયેટરમાં દબદબાપૂર્વક પગ મૂક્યો અને ભારતીય સિનેમા ઉદ્યોગનું તકદીર પલટાઈ ગયું.

મને ગૌરવ બક્ષવામાં બે હિંદુસ્તાનીઓ તોરણે દાદા તથા ફાળકે દાદા (ફાલકે દાદા) નો અવિસ્મરણીય ફાળો છે.

હું પ્રથમ વંદન કરીશ તોરણે દાદાને. “અનન્યા”ના વાચકમિત્રો! આપ કહેશો! તોરણે દાદા! નામ કાંઈક સાંભળેલું લાગે છે.

આર. જી. તોરણે અલબેલી મુંબઈ નગરીના એક નાટ્યપ્રેમી હતા. અન્ય એક નાટ્યશોખીન મુંબઈગરા ચિત્રે સાહેબ તેમના સહયોગી. નાટ્યગૃહની સાજસજ્જામાંથી બંને મિત્રો નાટ્યપ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા.

બંને મિત્રોએ ફ્રાંસના લુમિયેર બ્રધર્સ તેમજ અમેરિકાના એડિસનના સિનેમેટોગ્રાફર્સની વાતો જાણેલી. એડવિન પોર્ટર અને સિડની ઓલ્કોટની ફિલ્મોની વાતો તો ભારે રસથી સાંભળેલી.

તોરણેદાદા અને ચિત્રેદાદાને ફિલ્મ બનાવવાનાં સ્વપ્નાં જાગ્યાં. ઘણું વિચાર્યા પછી, તે સમયની સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમણે ધાર્મિક ફિલ્મ બનાવવા નિર્ણય કર્યો. ભક્ત પુંડલિકની કથા પસંદ કરી.

તે સમયે મુંબઈમાં એક બ્રિટીશ કંપનીનો સિનેમેટોગ્રાફી સાધન-સામગ્રીનો વ્યવસાય. તોરણેદાદાએ તે ઇંગ્લીશ કંપની પાસેથી મુવી કેમેરા આદિ સરંજામ લીધો. એક અંગ્રેજ કેમેરામેનને ફિલ્મ ઉતારવા રાજી કર્યો. પોતાની નાટકમંડળી (નાટ્યક્લબ) ના થોડા કલાકારોને તૈયાર કર્યા(યાદ રહે કે તેમાં એક પણ સ્ત્રી કલાકાર ન હતી).

મુંબઈના લેમિંગ્ટન રોડ પર એક ગુજરાતી શ્રીમંત શેઠના બંગલામાં હિંદુસ્તાનની પ્રથમ ફીચર ફિલ્મ “પુંડલિક”નું શુટિંગ થયું.

1912ની 18મી મેના રોજ મુંબઈના કોરોનેશન થિયેટરમાં ભારતની તોરણે દાદા નિર્મિત પ્રથમ ફીચર ફિલ્મ “પુંડલિક”ની રજૂઆત થઈ.

વાચકમિત્રો! જે સમયે અમેરિકામાં હજી ફીચર ફિલ્મ નહોતી બની ત્યારે હિંદુસ્તાનમાં “પુંડલિક” ફિલ્મ સફળ થઈ! 

પરંતુ કાળક્રમે તોરણે દાદાની આ સિદ્ધિને કેટલાક ચર્ચનીય મુદ્દાઓ પર પાછળ ધકેલવામાં આવી. એક, તો એ કે “પુંડલિક” માત્ર એક કલાકની ફિલ્મ હતી, તેથી પૂરી લંબાઈની સંપૂર્ણ ફીચર ફિલ્મ તરીકે ન સ્વીકારાઈ. બીજો મુદ્દો, તેના કેમેરામેન અંગ્રેજી હતા. ત્રીજો મુદ્દો એ કે પ્રેક્ષકોને આકર્ષવા “પુંડલિક”ને અન્ય નાનકડી ફિલ્મો સાથે દર્શાવવામાં આવતી હતી. “અનન્યા” ના વાચકમિત્રો! નિર્ણય આપે કરવાનો છે. આપ “પુંડલિક”ને પ્રથમ ફીચર ફિલ્મ તરીકે સ્વીકારો કે ન સ્વીકારો, પણ તોરણે દાદાએ મુંબઈના ફિલ્મ ઉદ્યોગના,  બોલિવુડના શાનદાર યુગના શ્રીગણેશ કર્યા તે હકીકત કોઈ નકારી ન શકે. * * ગુજરાતી ઇન્ટરનેટ પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 8) * * અનન્યા/071215/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

* *

અનન્યા/071222/ગુજરાતી નેટ જગત

*
અનન્યા/071222/ગુજરાતી નેટ જગત

ગુજરાતી નેટ જગતના બ્લોગ્સના નામોથી છેતરાવાનો વખત આવી ગયો છે!

આપણા મિત્રો પાસે બ્લોગનાં “નામ ખૂટી જવાથી (!)” હવે ગુજરાતી ઇંટરનેટ પર આપને એક જ નામનાં અનેક બ્લોગ્સ જોવા મળશે ! ! !

હવે આપને એક નહીં, બે-પાંચ “લયસ્તરો” જોવા મળે તો નવાઈ ન પામતા! વર્ડપ્રેસ પર “લયસ્તરો” બ્લોગનો વાઘો પહેરી અન્ય એક બ્લોગ આવી પહોંચ્યો છે! ગઈ કાલે સુરતથી ડો. વિવેકભાઈનો મારા પર ફોન હતો, ત્યારે મેં તેમના ધ્યાન પર આ વાત મૂકી. “લયસ્તરો”ના સંચાલક ખુદ પોતાના બીજા નામધારીથી અજાણ હતા! ચાલો, આ એક વાત.

હવે આગળ વધીએ.

વર્ડપ્રેસ પર “મધુસંચય” દોઢ વર્ષથી નિયમિત પ્રકાશિત થાય છે. હવે તેનો પણ જોડિયો ભાઇ – બીજો ‘મધુસંચય’ બ્લોગ – વર્ડપ્રેસ પર જ આવી ગયો છે!

ટૂંક સમયમાં બે-પાંચ “અનામિકા”, “અનુપમા” કે “અનન્યા” આવી જશે તો નવાઈ નહીં! મારા બ્લોગર મિત્રો! આની ગંભીરતા આપને સમજાય છે? આવા તો અન્ય જટિલ પ્રશ્નો ખડા થઈ રહ્યા છે. કોઇ મિત્ર આવા પ્રશ્નો પ્રત્યે ગંભીરતા દર્શાવી તેના નિવારણ માટેના ઉપાયો સૂચવી શકશે?

મિત્રો! ગુજરાતી નેટ જગત સામે આવનાર પ્રશ્નો માટે હું આપને સમય સમય પર સાવધાન કરતો રહ્યો છું.

કદાચ ગુજરાતી ભાષાના અન્ય કોઇ બ્લોગ પર જે બાબત – ગુજરાતી નેટ જગતની વિશેષતાઓ અને સમસ્યાઓની બાબત – આટલી ચર્ચાઈ નથી તે વાત મારા બ્લોગ્સ પર નિયમિત ચર્ચાતી રહી છે.

હું હંમેશા આપના પ્રતિભાવોની, ચર્ચાની, સહકારની અપેક્ષા રાખું છું. હું આપને ફરી એક વાર વિનંતી કરું છું કે, આવો! મિત્રો! વાત વકરી જાય તે પહેલાં એક થાઓ! * અનન્યા/071222/ગુજરાતી નેટ જગત/હરીશદવે* * *

*