*
અનન્યા/071229/આજકાલ-સામાન્યજ્ઞાન
.
આજકાલ વિશ્વમાં પર્યાવરણ પ્રદૂષણ અને ગ્રીન હાઉસ ઇફેક્ટ પર ચિંતા વ્યક્ત થઈ રહી છે.
શહેરીકરણ, ઔદ્યોગીકરણ અને બેમર્યાદ ઉપભોક્તાવાદ જમીન, જળ અને વાયુમાં પ્રદૂષણ વધારતાં પરિબળો છે. “અનન્યા”નાં વાચકો જાણે છે કે વાતાવરણમાં રહેલ ઓઝોન વાયુનું સ્તર સૂર્યનાં નુકશાનકારક વિકિરણો (દા.ત. અલ્ટ્રાવાયોલેટ કિરણો) થી પૃથ્વીનું રક્ષણ કરે છે.
પૃથ્વી પરથી વાતાવરણમાં ઓકાતા દૂષિત વાયુઓને કારણે ઓઝોન વાયુના સ્તરમાં ગાબડાં પડી રહ્યાં છે. સૂર્યનાં વિકિરણો અને કાળઝાળ ગરમી પૃથ્વી પર કાળો કેર વર્તાવશે તેવાં અનુમાનો થઈ રહ્યાં છે. પૃથ્વીના તમામ વિસ્તારોની આબોહવામાં ફેરફારનાં ચિન્હો છે. પૃથ્વીના ધ્રુવ પરનો બરફ પીગળીને મહાસાગરોનાં પાણીની સપાટીને ઊંચે લાવશે ત્યારે સમુદ્રકાંઠાના પ્રદેશો ડૂબવા લાગશે.
આ કલ્પના વધુ ભયાનક એટલે લાગે છે કે ન્યૂ યોર્ક, લંડન, ટોકિયો, હોંગકોંગ, મુંબઈ, કોલકતા જેવાં દેશ-દુનિયાનાં પ્રમુખ મહાનગરો દરિયાકાંઠે વસેલાં છે! *
* * *
સામાન્યજ્ઞાન
અવકાશ સંશોધન ક્ષેત્રની અવનવી વાતો આપણે જાણી રહ્યા છીએ. “અનન્યા”ના ગયા અંકમાં આપે વાંચ્યું કે અમેરિકા અને રશિયા વચ્ચે અવકાશમાં કેવી હોડની શરૂઆત થઈ!
પ્રથમ સમાનવ અવકાશયાન સોવિયેત રશિયાએ લોંચ કર્યું હતું. તે યાનમાં પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરી પ્રથમ અવકાશયાત્રા કરનાર માનવી યુરી ગાગારીન (યુરી ગેગેરીન) (Yuri Gagarin) હતા.
વોસ્તોક–1 (Vostok-1) નામના અવકાશયાનમાં બેસીને રશિયન અવકાશયાત્રી યુરી ગેગેરીન 12 એપ્રિલ, 1961ના રોજ પૃથ્વીની એક પ્રદક્ષિણા કરનાર પ્રથમ અવકાશયાત્રી બન્યા.
પ્રથમ અમેરિકન અવકાશયાત્રી એલન શેફર્ડ હતા જેમણે 5 મે, 1961ના રોજ મર્ક્યુરી કેપ્સ્યુલ ‘ફ્રીડમ–7’ નામના યાનમાં માત્ર 15 મિનિટ માટે અવકાશની સફર કરી (પરંતુ તે પૃથ્વીની પદક્ષિણા ન હતી).
પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ અમેરિકન અવકાશયાત્રી જહોન ગ્લેન હતા જેમણે મર્ક્યુરી કેપ્સ્યુલ ‘ફ્રેન્ડશીપ–7’ નામના યાનમાં 20 ફેબ્રુઆરી, 1962ના રોજ આશરે પાંચ કલાકમાં પૃથ્વીની ત્રણ પ્રદક્ષિણા કરી.
“અનન્યા”ના વાચકમિત્રો જાણતાં હશે કે અવકાશયાત્રા કરનાર વિશ્વભરના પ્રથમ મહિલા અવકાશયાત્રી સોવિયેત રશિયા (USSR)ના વેલેન્ટિના હતાં. યુએસએસઆરના વેલેન્ટિના (Valentina) રશિયાના વોસ્તોક–6 નામના યાનમાં બેસીને (આશરે 70 મિનિટ માટે) અવકાશયાત્રા કરનાર વિશ્વનાં પહેલાં મહિલા અવકાશયાત્રી બન્યાં.*
* * *
ગુજરાતી-અંગ્રેજી
અંગ્રેજી ભાષાના કેટલાક શબ્દોનાં બહુવચનનાં રૂપો ધ્યાનમાં રાખવા જેવાં છે. આવા થોડા શબ્દોનાં એકવચન-બહુવચનનાં રૂપો નીચે આપેલ છે:
Crisis – Crises . . Basis – Bases. Thesis – Theses .
Hypothesis – Hypotheses. Analysis – Analyses. Diagnosis – Diagnoses .
Datum – Data . Stratum – Strata. Alumnus – Alumni . Bacillus – Bacilli.
અનન્યા/071229/આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશદવે * * **