.
આપણે ગુજરાતી ભાષાનો પ્રસાર આજે એવા સમયે કરવો છે કે જ્યારે અંગ્રેજી ભાષાની બોલબાલા છે.
આપણા ગુજરાતમાં સઘળા ટેકનીકલ કોર્સીસ અંગ્રેજી માધ્યમમાં જ ભણાવાય છે. બધા જ પ્રોફેશનલ અભ્યાસક્રમો માત્ર અંગ્રેજી માધ્યમમાં ભણાવાય છે. સમગ્ર દેશનો મોટા ભાગનો સરકારી અને અર્ધ-સરકારી વ્યવહાર અંગ્રેજી ભાષામાં જ ચાલે છે. નાની-મોટી બધી કંપનીઓના ઇંટરવ્યુ અંગ્રેજીમાં જ લેવાય છે.
આ સંજોગોમાં ગુજરાતના નાના-મોટા શહેરોમાં ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેટલું ઝંખવાઈ જાય છે!
અંગ્રેજી માધ્યમનો વિદ્યાર્થી અંગ્રેજી રેફરન્સ બુક્સ તથા મેગેઝીન્સ વાંચીને અથવા ઇન્ટરનેટ પર સર્ફીંગ કરીને પોતાને તૈયાર કરી લેશે. પરંતુ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી પાસે બહુ ઓછું મટીરિયલ છે. ગુજરાતીમાં ઇન્ટરનેટ સુવિધા શક્ય છતાં આપણે ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં કશું જ મૂકી શક્યા નથી.
થોડા સમયથી ગુજરાતી બ્લોગ્સના કન્ટેન્ટમાં વિવિધતા દેખાવા લાગી છે.
મને આશા છે, મારી આટલી અપીલ વાંચીને આપ પણ આપના બ્લોગ પર કાંઈક નવા પ્રકારનાં વિષયવસ્તુ પ્રસ્તુત કરશો. ગુજરાતી ભાષામાં જ્ઞાન કોષ પ્રકારનો ખજાનો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરવા કોઈક ગુજરાતી જરૂર આગળ આવશે. આપ સૌ મારી વાત સમજશો તો મને ખુશી થશે.
આપણે ગુજરાતી ઇન્ટરનેટને સમૃદ્ધ કરીશું તો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ તથા સામાન્ય ગુજરાતીઓની મોટી સેવા કરી શકીશું.
આવો, આપણે સૌ સાથે આ દિશામાં પ્રયત્નો કરીએ.
આપણા આજના પ્રયત્નો આવતી કાલની પેઢી માટે ગુજરાતી ઇન્ટરનેટ પર સમૃદ્ધ વિરાસત ઊભી કરશે.
ધન્યવાદ. ** *અનન્યા/071117/હરીશદવે
. .