અનન્યા/080913/ગુજરાતી નેટ જગત

.

અનન્યા/080913/ગુજરાતી નેટ જગત

.

ગુજરાતી નેટ જગત ત્વરાથી વિકસિત થઈ રહ્યું છે.

ગુજરાતમાંથી તેમજ ગુજરાત બહાર, ભારતભરમાંથી જ નહીં, વિશ્વભરમાંથી ગુજરાતી ભાષામાં બ્લોગ્સ પ્રસિદ્ધ કરનાર ગુજરાતી ચાહકોની સંખ્યા વધતી જાય છે.

માત્ર વર્ડપ્રેસ – ગુજરાતીના હોમ-પેજ પર નજર નાખતાં જણાશે કે ‘બ્લોગ્સ ઓફ ધ ડે’ની સંખ્યા નેવુંને પહોંચી જાય છે. આ તો થઈ માત્ર ગુજરાતી વર્ડપ્રેસના ગુજરાતી બ્લોગર્સની સંખ્યા. બ્લોગસ્પોટ અને અન્યત્ર બેશુમાર ગુજરાતી બ્લોગ્સ પ્રગટ થઈ રહ્યાં છે. પોતાના સ્વતંત્ર ડોમેઇન સાથે ગુજરાતી ભાષામાં બ્લોગ્સ અને વેબ-સાઈટ્સ પણ ગુજરાતી નેટ જગતને સમૃદ્ધ કરી રહ્યાં છે.

ગુજરાતી નેટ જગતને સલામ!

તેના પ્રસારમાં નિમિત્ત થનાર પ્રત્યેક ગુજરાતીને અને બિન-ગુજરાતીને પણ સલામ!

ગુજરાતની અસ્મિતાને સલામ!

* * * અનન્યા/080913/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

Advertisements

અનન્યા/080614/ગુજરાતી નેટ જગત

.

“મધુસંચય” પર મારી લેખમાળા ‘બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત’ ના એક લેખમાં મેં બ્લોગ્સ પરની કોમેન્ટની અગત્ય સમજાવી હતી. આપણે સામાન્ય રીતે કોમેન્ટ લખવાનો વિવેક દર્શાવવા કે ફરજ બજાવવા કે સમયના અભાવે “સુંદર માહિતી”, “સુંદર પોસ્ટ”, “વાંચવાની મઝા આવી”, “Thanks for information” લખીને છૂટી જતા હોઇએ છીએ.

ગયા સપ્તાહે ગુજરાતી બ્લોગ્સની મુલાકાત લેતાં લેતાં એક બ્લોગ પર ડો. વિવેકભાઈ ટેઇલરની અર્થપૂર્ણ, લક્ષ્યવેધી, માર્મિક કોમેન્ટ નજરે ચઢી. દરેક સાહિત્યચાહક મિત્રે વાંચવા જેવી અને મનન કરવા જેવી કોમેન્ટ છે. ગુજરાતી નેટ પર કોમેન્ટ લખવા ઇચ્છતા દરેક નવાગંતુકને આ કોમેન્ટ આદર્શરૂપ અને પ્રેરણારૂપ બને તેમ હું ઇચ્છું છું. તેથી તે બ્લોગર મિત્ર અને મારા અંગત મિત્ર વિવેકની દરિયાવદિલ મંજૂરીની અપેક્ષાએ આપ સમક્ષ તે કોમેન્ટ ડો. વિવેકના મૂળ શબ્દોમાં જ રજૂ કરું છું.

“પ્રિય મિત્ર રાજીવ,

આ એક ખૂબ જ સરસ શરૂઆત છે. ખૂબ ખૂબ અભિનંદન…ગાલિબ વિશે વેબ-સાઈટ બનાવવાનું મારૂં પણ એક સ્વપ્ન છે. પણ એક વણમાંગી સલાહ જરૂર આપીશ. ગઝલો સાંભળીને ટાઈપ કરવામાં કવિને આપણે જે અન્યાય કરી બેસીએ છીએ એ અક્ષમ્ય ગણાય. અહીં આપણે અજ્ઞાન નહીં, જ્ઞાન વહેંચવા બેઠા છીએ એટલે જોડણીની ભૂલોને બાદ કરતાં, શબ્દોની ભૂલો થાય એ ચલાવી ન જ લેવું જોઈએ. આ ગઝલમાં કુલ દસ શેર છે જેમાંથી માત્ર અડધા અહીં હાજર છે. દરેક કાફિયામાં શબ્દાંતે દીર્ઘ ઊ છે એના બદલે આપે હ્રસ્વ ઉ થી કામ ચલાવ્યું છે, જેમ કે तू, गुफ़्तगू, लहू, रफ़ू, जुस्तजू વગેરે. ઉર્દૂમાં સામાન્યરીતે कि લખવાનો રિવાજ છે, જ્યારે આપે के થી કામ ચલાવ્યું છે. चिपक रहा है बदन पर लहू से पैराहन માં આપે શ્રવણક્ષતિના કારણે टिपक થી શરૂઆત કરી છે. कुरेदते हो जो अब राख માં રા પછીનો ख જ રહી ગયો છે. रही ना ताकते-गुफ़्तार और अगर માં लगर લખાઈ ગયું છે. વળી જ્યાં फ़ હોવો જોઈએ ત્યાં બધે फ થી કામ ચલાવ્યું છે. એટલે આ ગઝલનો મક્તો મારે ગાલિબ તરફથી વકાલતના તૌર પર કહેવો પડે છે:

हुआ है शह का मुसाहिब, फिरे है इतराता

वगर्ना शहरमें ‘गालिब’की आबरु क्या है….”

(રાજીવભાઈ અને વિવેકભાઈ પ્રત્યે આભારની લાગણી સાથે…. )

* * * અનન્યા/080614/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080607/ગુજરાતી નેટ જગત

.

ગુજરાતી નેટ જગતમાં તાજેતરમાં ‘જરા હટકે’ હોય તેવા નવા બ્લોગ્સ દેખાવા લાગ્યા છે.

અમે “મધુસંચય” અને “અનન્યા” પર વારંવાર આ પ્રકારના બ્લોગ્સની હિમાયત કરી છે.

આજે શ્રી હરસુખભાઈ થાનકીના બ્લોગની વાત કરું. શ્રી હરસુખભાઈ પત્રકારત્વ અને લેખન ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. બ્લોગની ગુણવત્તાનો એક માપદંડ તેની પોસ્ટ્સના વિષયોની સમૃદ્ધિ છે. પોસ્ટસની વિવિધતા જુઓ – પોલીએના, જુથિકા રોય (જ્યુથિકા રે), ગ્રેટા ગાર્બો અને અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીની ચર્ચા કરતી પોસ્ટસ…..! આપે હરસુખભાઈની પોસ્ટ્સની રેઈન્જ માણવા ‘હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ’ની મુલાકાત લેવી જ જોઇએ. .
* * * અનન્યા/080607/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/080322/ગુજરાતી નેટ જગત

*

.

 ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં ટેકનીકલ વિષયોના કેટલા બ્લોગ્સ  આપની નજરે ચડ્યા છે?

ગુજરાતી નેટ જગતના આપણા મિત્રો પોતાના બ્લોગ પર ટેકનીકલ માહિતી અવારનવાર મૂકે છે તે રાજી થવા જેવી વાત છે. આપણી પાસે ટેકનીકલ જ્ઞાન ધરાવતા મિત્રો સર્વશ્રી વિશાલ મોણપરા, કાર્તિક મિસ્ત્રી અને અન્ય પણ છે. તેઓ સૌ ઉત્સાહથી અવારનવાર યોગદાન કરતા રહ્યાં છે. આજે આપણા યુવાન મિત્ર કાર્તિક મિસ્ત્રીની વાત કરીએ. કાર્તિકભાઈ લિનક્સ અને ઓપન સોર્સના હિમાયતી રહ્યા છે. કાર્તિક મિસ્ત્રીની આ પોસ્ટ વાંચવા વાચકોને વિનંતી કરું? વાંચો: મારા વિચારો મારી ભાષામાં   * * * અનન્યા/080322/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *

*    *   * *     * *     **    **

અનન્યા/080315/ગુજરાતી નેટ જગત

.

અનન્યા/080315/ગુજરાતી નેટ જગત

ગુજરાતી નેટ જગતના વાચકો શ્રીમતી દેવિકા બહેન ધ્રુવના બ્લોગ શબ્દોને પાલવડેથી પરિચિત છે જ.

ગુજરાતી ભાષાની બારાખડીના એક એક અક્ષરને લઈને દેવિકા બહેન તેમના બ્લોગ  પર સરસ રચનાઓ મૂકે છે. તેમની કાવ્યકૃતિઓમાં સુંદર શબ્દપ્રયોગોની ઝલક દેખાય છે. દેવિકાબહેનની કૃતિઓ ઉત્તમ ભાષાપ્રયોગને પ્રેરે છે.

અભિનંદન, દેવિકાબહેન! સાથે એક નમ્ર સૂચન. આપની કૃતિઓમાં જોડણી-વ્યાકરણ દોષને નિવારશો તો  ગુજરાતી નેટ પર ચિરસ્મરણીય, અનુસરણીય પ્રયોગોમાં આપની કૃતિઓ સ્થાન પામશે.

વાચકમિત્રોને આ અભિનવ પ્રયોગોનો આસ્વાદ લેવા મારી ખાસ ભલામણ છે:  શબ્દોને પાલવડે. 

* * * અનન્યા/080315/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *

*    *   * *     * *     **    **

અનન્યા/080308/ગુજરાતી નેટ જગત

.

*

અનન્યા/080308/ગુજરાતી નેટ જગત

ગુજરાતી નેટ જગત પર નજર નાખતાં બે સાઇટ ખાસ નજરે ચઢી.

ચેતનાબહેનની નવી વેબ-સાઈટ “સમન્વય”, તથા ઊર્મિબહેનનો “સહિયારું સર્જન”.

સમન્વય એટલે ભક્તિ – સંગીત – સાહિત્યનો સમન્વય. ….

સહિયારું સર્જન પર કાવ્યસર્જનના સહિયારા પ્રયાસો ફરી સક્રિય થયા છે.

બંને બહેનોને સહર્ષ અભિનંદન! “અનન્યા” તરફથી શુભેચ્છાઓ!

* * * અનન્યા/080308/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *
* * * * * * ** **

અનન્યા/080301/ગુજરાતી નેટ જગત

.

*

અનન્યા/080301/ગુજરાતી નેટ જગત

ગુજરાતી નેટ જગતની પ્રગતિથી આપણે સૌ સહર્ષ ગર્વ અનુભવીએ!

બ્લોગર મિત્રો નવા નવા પ્રયોગોથી ગુજરાતી ભાષાનો ઇન્ટરનેટ પર પ્રસાર કરી રહ્યા છે.

કેટલાક પ્રયોગો ઊડીને આંખે વળગતા રહે … કેટલીક પોસ્ટ્સ આપનું ધ્યાન અચૂક ખેંચે! ઘણા સારા બ્લોગ્સ જાણ્યે-અજાણ્યે નજરઅંદાઝ થતા રહે અને ક્યારેક જ તેની અનાયાસે મુલાકાત લેવાઇ જાય! ત્યારે સમયસર તે બ્લોગ પર ઘણું ન વાંચ્યાનો વસવસો ય થાય.

આપ “અનન્યા”ના  વાચકમિત્રો આવા બ્લોગ્સ અથવા પોસ્ટ્સ વિષે મને જણાવતા રહેશો તો આપણે તેમને ઉચિત રીતે ઉજાગર કરવા સહિયારો પ્રયત્ન કરીશું.

* * * અનન્યા/080301/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *