અનન્યા/080913/આજકાલ-સામાન્યજ્ઞાન

.

અનન્યા/080913/આજકાલ-સામાન્યજ્ઞાન

આજ-કાલ

મીડિયામાં હમણાંથી જીનિવા, સ્વિટ્ઝરલેંડ (યુરોપ) ની અણુ સંશોધન સંસ્થા સર્ન (European Organization for Nuclear Research : CERN) નું નામ વારંવાર ચમકે છે. સર્નના ઉપક્રમે યુરોપમાં સ્વિટ્ઝરલેંડ તથા ફ્રાંસની સરહદ પર ભૂગર્ભમાં ઊંડે એકવીસમી સદીનાં મહત્વાકાંક્ષી વૈજ્ઞાનિક પરીક્ષણો ચાલી રહ્યાં છે. હકીકતમાં, બ્રહ્માંડની ઉત્પત્તિનાં રહસ્યો જાણવા માટેનો આ સૌથી ખર્ચાળ પ્રયોગ છે.

આપ કદાચ જાણતાં હશો કે બ્રહ્માંડની ઉત્પત્તિના પ્રચલિત સિદ્ધાંતને ‘બિગ બેંગ થિયરી’ (Big Bang Theory) કહે છે. ‘બિગ બેંગ’ થિયરીને સામાન્ય શબ્દોમાં આમ રજૂ કરી શકાય: કરોડો વર્ષો અગાઉ બ્રહ્માંડનું દ્રવ્ય અતિ ઘનીભૂત – બિંદુવત્ હતું. આ બિંદુવત્ દ્રવ્યમાં મહાવિસ્ફોટ (બિગ બેંગ) થયો અને પરિણામે દ્રવ્ય દૂર દૂર ફેંકાતાં તેમાંથી હાઈડ્રોજન – હિલિયમ આદિ વાયુરૂપ દ્રવ્યોનાં વાદળાં સર્જાયાં. તેમાંથી ગેલેક્સી, તારા, સૂર્યમંડળ આદિ અવકાશી પદાર્થો સર્જાતાં ગયાં.

સર્નના ઉપક્રમે થઈ રહેલ વર્તમાન વૈજ્ઞાનિક પ્રયોગનો હેતુ બિગ બેંગ પર પ્રકાશ પાડવાનો તેમજ મેટર – એનર્જી – ફંડામેન્ટલ ફોર્સિસ – દ્રવ્ય, ઊર્જા, મૂળભૂત બળ – અંગેના કેટલાક વિશેષ કંસેપ્ટ્સ સમજવાનો છે.

આ પ્રયોગ માટેનાં વિરાટ ઉપકરણો સર્ન ( સ્વિટ્ઝરલેંડ, યુરોપ) દ્વારા વિકસાવાયાં છે. મુખ્ય વૈજ્ઞાનિક ઉપકરણનું નામ એલએચસી – લાર્જ હેડ્રોન કોલાઈડર (Large Hedron Collider, LHC) – છે. એંશીથી વધુ દેશોના આઠ હજારથી વધારે વૈજ્ઞાનિકોના સહકારથી થતા આ પ્રયોગમાં અસંખ્ય યુનિવર્સિટીઓ, લેબોરેટરીઓ અને કોર્પોરેટ જગતની દસ હજાર જેટલી કંપનીઓનું યોગદાન છે. * * * અનન્યા/080913/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/

* * *

સામાન્ય જ્ઞાન

બિગ બેંગ થિયરી તથા બ્રહ્માંડની ઉત્પત્તિનાં રહસ્યોનો તાગ મેળવવા વૈજ્ઞાનિકો મથી રહ્યાં છે. આ પ્રયોગ જેની મદદથી થનાર છે તે એલએચસી – લાર્જ હેડ્રોન કોલાઈડર (Large Hedron Collider, LHC) – વિશ્વનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી પાર્ટિકલ એક્સિલરેટર (પ્રોટોન એક્સિલરેટર) છે. આ કોલાઈડરને 27 કિમીના પરિઘવાળી વર્તુળાકાર ટનેલમાં ગોઠવેલ છે. આ ટનેલ યુરોપમાં ફ્રાંસ અને સ્વિટ્ઝરલેંડની સરહદો પર જમીનથી સોએક મીટર નીચે સ્થિત છે.

લાર્જ હેડ્રન કોલાઈડરમાં પ્રથમ હાઈડ્રોજનના અણુઓના ભંજનથી પ્રોટોન મેળવાશે. અસંખ્ય પ્રોટોન્સને પ્રકાશના વેગ (એક સેકંડમાં આશરે ત્રણ લાખ કિમી) થી પરસ્પર અથડાવવામાં આવશે. પરિણામોનો અભ્યાસ કરવામાં આવશે.

આ સમગ્ર પ્રયોગની નિયામક સંશોધન સંસ્થા સર્ન વિશે આપે મધુસંચય પર માહિતી મેળવી છે.

ઇન્ટરનેટ પર વર્લ્ડ વાઈડ વેબ (WWW) ના પ્રણેતા બ્રિટીશ વૈજ્ઞાનિક સર તિમોથી જહોન બર્નેર્સ-લી (Sir Timothy John Berners-Lee) છે જેમની કારકિર્દી સ્વિટ્ઝરલેંડ (યુરોપ)ની સર્ન સાથે જોડાયેલ છે.

1989- 90માં ટિમોથીએ HTTPના ઉપયોગથી ક્લાયંટ તથા સર્વર વચ્ચે સફળતાથી ‘કોમ્યુનિકેશન’ કર્યું. 1990- 91માં સર ટિમોથી જહોન બર્નેર્સ-લીએ સર્ન, સ્વિટ્ઝરલેંડ ખાતે વિશ્વમાં સૌ પ્રથમ વેબ-પેઈજ (વેબ-સાઈટ) તેમજ ઇન્ટરનેટના પ્રથમ બ્રાઉઝરનું સર્જન કર્યું. * * *  *

* **  *  *   *

ગુજરાતી – અંગ્રેજી

આપણે ક્યારેક Etymology, Entomology, Ethnology જેવા શબ્દોમાં ઉલઝી જઈએ છીએ.

Etymologyનો સંબંધ શબ્દોના ઈતિહાસ કે શબ્દોનાં મૂળ (વ્યુત્પત્તિ)ના અભ્યાસ સાથે.

Entomology નો સંબંધ કીટકવિજ્ઞાન અથવા કીટકોના અભ્યાસ સાથે.

Ethnology નો સંબંધ નૃવંશ શાસ્ત્ર કે વિભિન્ન જાતિનાં માનવવંશજોના અભ્યાસ સાથે..

* * **  અનન્યા/080913/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/080614/આજકાલ-સામાન્યજ્ઞાન

.

આજકાલ
.
ક્રુડ ઓઇલ – પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ આસમાને પહોંચ્યા છે. વિશ્વની અર્થવ્યવસ્થાઓનાં સંતુલન બગડતાં જાય છે. દેશ દેશનાં આર્થિક – વાણિજ્ય વ્યવહારોની સમસ્યાઓ વધતી જાય છે.

ગઈ કાલની દુનિયા સંપૂર્ણપણે પેટ્રોલિયમ પ્રોડક્ટસના જોરે દોડતી હતી.

આજે બિનપ્રણાલીગત ઊર્જાસ્રોત તરફ ઝોક વધ્યો છે. ભારતમાં એનર્જીની જરૂરત કૂદકે અને ભૂસકે વધતી જાય છે. ઇલેક્ટ્રીસિટી – વિદ્યુત ઉત્પાદન ક્ષમતા મર્યાદિત છે. આ સંજોગોમાં ભારત સરકાર વૈકલ્પિક ઊર્જા સ્રોતો (Alternate Sources of energy) પર વિચારી રહી છે.

પવન ઊર્જા (Wind energy) તથા સૌર ઊર્જા (Solar energy) ભારત જેવા દેશ માટે ઉત્તમ ઊર્જા સ્રોતો છે. વિંડ એનર્જી પાવરના ક્ષેત્રે ગુજરાતી ઉદ્યોગપતિ તુલસીભાઈ તંતીની સુઝલોન જેવી ખાનગી કંપની વિકસી રહી છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે.

સૌર ઊર્જા માટે ભારતમાં ઘણો સ્કોપ છે. ભારત સરકારે સેમી કંડકટર ઉત્પાદન તથા તેને સંલગ્ન ઉદ્યોગો અને સોલર સેલ ફેબ્રિકેશન યુનિટસને મોટી આર્થિક સહાય સહિતનાં આકર્ષક પેકેજ જાહેર કર્યાં છે. ભારતમાં મોટા ભાગના પ્રદેશોમાં વર્ષ દરમ્યાન 2300 થી 3000 કલાક સૌર ઊર્જા પ્રાપ્ત કરી શકાય તેવો સૂર્યપ્રકાશ ઉપલબ્ધ હોય છે. વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં ઊર્જા ક્ષેત્રોમાં આવી રહી છે. અમેરિકાની કેલિફોર્નિયાની Signet Solar ભારતમાં ફોટોવોલ્ટેઈક ક્ષેત્રે આઠસો કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. ફોટોવોલ્ટેઈક યુનિટ્સના ઉત્પાદનમાં મોઝર બેર Moser Baer પણ જંગી રોકાણ કરી રહી છે. નેનોટેક સિલિકોન ઇન્ડિયાનું પણ આશરે આઠસો કરોડ રૂપિયાના રોકાણનું આયોજન છે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ સેમીકંડકટર તેમજ ફોટોવોલ્ટેઈક સંલગ્ન વિવિધ ક્ષેત્રોમાં 30,000 કરોડ રૂપિયાના જંગી રોકાણ માટે આયોજન કરી રહી છે. * * * અનન્યા/080614/ આજકાલ /હરીશ દવે/ Ananyaa/ * * *

.

સામાન્યજ્ઞાન
.
ભારતના ઇતિહાસમાં દિલ્હી અને પાણીપતનું મહત્વ ઘણું રહ્યું છે. ભારતીય તવારીખમાં પાણીપતનાં ત્રણ યુદ્ધોહિંદુસ્તાનની તકદીર રેખાઓ પલટી છે.

1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ દિલ્હીના સુલતાન ઇબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે થયું. તેમાં ઇબ્રાહીમ લોદીની હાર થઈ; મોગલ સમ્રાટ બાબરની જીત સાથે હિંદુસ્તાનમાં મોગલ સામ્રાજ્યની સ્થાપના થઈ.

1556માં પાણીપતનું બીજું યુદ્ધ હેમુ અને અકબર વચ્ચે થયું. તેમાં મોગલ સમ્રાટ અકબરની જીત થતાં હિંદુસ્તાનમાં અકબરના શકવર્તી શાસનનો આરંભ થયો.

1761માં પાણીપતનું ત્રીજું યુદ્ધ અહમદશાહ અબદાલી અને મરાઠી પેશ્વા બાલાજી બાજીરાવ વચ્ચે થયું. તેમાં પેશ્વાની હાર થતાં મરાઠા શાસનનો અંત આવ્યો.

.

ગુજરાતી-અંગ્રેજી


અંગ્રેજી ભાષામાં એક મૂળ Rect / Recti છે. તેનો અર્થ થાય છે Straight અથવા Right. તેનાં પરથી બનતાં શબ્દોના અર્થ જાતે જ સમજી શકાય તેવા છે.

Rectangle એટલે Right-angled parallelogram.

Rectilinear એટલે Formed by a straight line.

Rectify એટલે To set right, to correct an error.

Direct એટલે To show the way, to guide.

* * *

અનન્યા/080607/આજકાલ-સામાન્યજ્ઞાન

.

આજકાલ

* વિશ્વની આર્થિક વ્યવસ્થાનાં સમીકરણો બદલાઈ રહ્યાં છે.

ગઈ કાલના વિશ્વમાં અમેરિકા અને જાપાનની તૂતી બોલતી હતી. અમેરિકા અને યુરોપનાં માર્કેટ મહત્વનાં હતાં.

હવે વિશ્વના અર્થશાસ્ત્રીઓ બ્રિક (BRIC) દેશો – બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના – પર મીટ માંડી બેઠા છે.

આપણે બ્રાઝિલ અને ભારત પર દ્રષ્ટિપાત કરીએ.

બ્રાઝિલની માથાદીઠ આવક – પર કેપિટા ઇન્કમ 5115 ડોલર છે, જ્યારે ભારતની માથાદીઠ આવક માત્ર 735 ડોલર છે.

બ્રાઝિલ અને ભારતમાં ઉદ્યોગો વિકસી રહ્યાં છે તેમજ ગણનાપાત્ર સ્પેંડિંગ કેપેસિટી ધરાવતો વર્ગ ઊભરી રહ્યો છે. 2006-07માં બ્રાઝિલને અનાયાસે પેટ્રોલિયમ ક્ષેત્રોનો મોટો ભંડાર હાથ લાગ્યો છે. આ તેલક્ષેત્રોમાં ક્રુડનો એટલો મોટો જથ્થો છે કે બ્રાઝિલ રાતોરાત દુનિયાના સૌથી મોટા દસ ઓઇલ-રીચ દેશોમાં ગણાવા લાગ્યું છે.

બ્રાઝિલની ગેર્ડો સ્ટીલ કંપની ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા – બંને ખંડોમાં સૌથી મોટી સ્ટીલ કંપની છે. બ્રાઝિલ વિશ્વનાં ટોચના દસ ઓટો મેન્યુફેક્ચરીંગ દેશોમાંથી એક છે. બ્રાઝિલની માર્કોપોલો કંપની પેસેંજર બસ અને કોચ બનાવતી અગ્રણી કંપની છે. ભારતના ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સ અને બ્રાઝિલની માર્કોપોલો વચ્ચે કરાર થયા છે. ટાટા મોટર્સ અને માર્કોપોલો વચ્ચેના જોઇન્ટ વેન્ચર પ્લાન્ટમાં ઉત્પાદિત પેસેંજર બસોને ભારતમાં માર્કેટ મળી રહેશે. તેમને અત્યારે જ દિલ્હી ડીટીસી (DTC Delhi Transport Corporation) નો ઓર્ડર મળી ગયો છે. * * * અનન્યા/080607/ આજકાલ/હરીશ દવે/* * * સામાન્યજ્ઞાન

* કોઈ માની શકે કે હજી હમણાં સુધી અમેરિકાનો સભ્ય સમાજ રંગભેદની શરમજનક ચુંગાલમાં સબડતો હતો?

અમેરિકાએ 1776માં પોતાને સ્વતંત્ર દેશ ‘યુ.એસ. એ’ તરીકે ઘોષિત કર્યો. તે પછી લગભગ બસો વર્ષ સુધી અમેરિકાની અશ્વેત પ્રજા (the Blacks) (ખાસ કરીને દક્ષિણ અમેરિકાનાના રાજ્યોમાં) સામાજિક અન્યાય અને ઉપેક્ષાઓનો ભોગ બનતી રહી. છેક 1954માં અમેરિકાની સુપ્રિમ કોર્ટ દ્વારા પબ્લિક સ્કૂલ્સમાં જાતિભેદ/વર્ણભેદ આધારિત વ્યવસ્થા રેશિયલ સેગ્રીગેશન (Racial segregation) ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી. 1955માં દક્ષિણ અમેરિકાના અલબામા રાજ્યમાં અશ્વેત મહિલા રોઝા પાર્કસ (Rosa Parks) સાથેનો વિશ્વવિખ્યાત મોન્ટગોમેરી બસ બનાવ બન્યો. પરિણામે અમેરિકામાં અશ્વેતોની સિવિલ રાઈટ્સ મુવમેંટને વેગ મળ્યો. 1957માં અમેરિકન કોંગ્રેસમાં અશ્વેતો માટેનું સિવિલ રાઈટ્સ બિલ પસાર થયું. 1961માં આંતરરાજ્ય વાહનવ્યવહારમાં અશ્વેતો માટેના ‘સેગ્રીગેશન’ સામે લડત શરૂ થઈ. 1963માં અમેરિકાના પાટનગર વોશિંગ્ટન (ડીસી) માં અશ્વેતોની જંગી રેલીને અશ્વેત નેતા માર્ટીન લ્યુથર કિંગ દ્વારા સંબોધન કરવામાં આવ્યું જે ‘આઈ હેવ અ ડ્રીમ (I have a dream)’ના નામે ઇતિહાસમાં અમર થઈ ગયું. 1968માં માર્ટીન લ્યુથર કિંગની હત્યા થઈ ત્યાં સુધીમાં અશ્વેતો માટેની રંગભેદ નીતિમાં ઘણા સુધારા થઈ ચૂક્યા હતા. આમ, માંડ ચાર પાંચ દાયકા પહેલાં જ અમેરિકામાં અશ્વેતોની સ્થિતિ સાચા અર્થમાં સુધરતી દેખાઈ. * * * અનન્યા/080607/સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

ગુજરાતી-અંગ્રેજી

આજે ગુજરાતી ભાષાના કેટલાક વિદેશી મૂળના શબ્દો પર નજર નાખીએ. ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો વિદેશી ભાષા પરથી ઊતરી આવ્યા છે. કેટલાક શબ્દો ગુજરાતીમાં એવા ભળી ગયા છે કે તેમનાં મૂળ અન્ય ભાષામાં હોવાનો ખ્યાલ સરખો ન આવે!

આવા ત્રણ શબ્દો જોઈએ: રૂબરૂ, રૂમાલ અને આબરૂ.

ગુજરાતી ભાષામાં રોજબરોજ વપરાતા આ ત્રણ શબ્દો ફારસી ભાષા પરથી ઊતરી આવ્યા છે. તેમનું મૂળ ફારસી શબ્દ ‘રૂ’ છે. ફારસી ભાષામાં ‘રૂ’નો અર્થ છે મોં.

રૂ – બ – રૂ અર્થાત્ મોં સામે મોં. રૂબરૂ એટલે મોઢામોઢ, પ્રત્યક્ષ.

રૂ – માલ (રૂ + માલિદન = મસળવું).  રૂમાલ અર્થાત્ મોંને લૂછવાનું કપડું.

આબરૂ શબ્દના મૂળમાં આબ (પાણી, તેજ) તથા રૂ શબ્દો છે. આબરૂ અર્થાત્ મોંનું તેજ એટલે પ્રતિષ્ઠા.
* * * અનન્યા/080607/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080322/આજકાલ-સામાન્યજ્ઞાન

*

.

આજ-કાલ

ભારતનું એક માત્ર રેલ્વે સ્ટેશન સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુએન યુનો UN – UNO ) દ્વારા વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ તરીકે સન્માન પામ્યું છે, તે આપ જાણો છો?

મુંબઈ (મહારાષ્ટ્ર) નું છત્રપતિ શિવાજી ટર્મિનસ ઉર્ફે વિક્ટોરિયા ટર્મિનસ ઉર્ફે વીટી સ્ટેશન વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ છે.

યુનાઈટેડ નેશન્સની સંસ્થા યુનેસ્કો (UNESCO – United Nations Educational, Scientific and Cultural Organization) ના ઉપક્રમે વર્લ્ડ હેરિટેજ કમિટી કાર્ય કરે છે. વર્લ્ડ હેરિટેજ કમિટી માનવજાત અને દુનિયા માટે ગૌરવપૂર્ણ, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતાં સ્થળ અથવા ઇમારતને  વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ તરીકે પસંદ કરે છે.

 આજ સુધીમાં વિશ્વભરનાં 140 થી વધારે દેશોમાં  850 થી વધુ કુદરતી તથા માનવનિર્મિત સ્થાનો / ઇમારતો વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ તરીકે પસંદ થયાં છે.

ભારતમાંથી પસંદ થનાર સર્વ પ્રથમ મોન્યુમેન્ટસમાં આગ્રાનો તાજમહાલ, આગ્રાનો કિલ્લો અને ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) ની પંદરસોથી બે હજાર વર્ષ જૂની અજંટાની બૌદ્ધ ગુફાઓનો સમાવેશ થાય  છે.

મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનસ ઉર્ફે વિક્ટોરિયા ટર્મિનસ ઉર્ફે વીટી સ્ટેશન વર્ષ 2004માં વર્લ્ડ હેરિટેજ મોન્યુમેન્ટ’ (World Heritage Monyument) તરીકે ઘોષિત થયું. અનન્યાના વાચકમિત્રોને છત્રપતિ શિવાજી ટર્મિનસના ઇતિહાસમાં રસ પડશે.

દોઢસો વર્ષ પહેલાં અંગ્રેજ રાજ્યમાં તે વિસ્તારનું મૂળ નામ બોરીબંદર હતું. બ્રિટીશ શાસન વખતે મુંબઈના બંદર પાસેના આ વિસ્તારમાં માલની બોરીઓ ખડકાતી. ભારતમાં રેલ્વે શરૂ થઈ ત્યારે બોરીબંદર દેશનું સર્વપ્રથમ રેલવે સ્ટેશન બન્યું.

“અનન્યાના વાચકમિત્રો કદાચ જાણતા હશે કે ભારતમાં પહેલી રેલ્વે ટ્રેન 1853માં એપ્રિલની 16મી તારીખે બોરીબંદર સ્ટેશનથી થાણા (થાણે મુંબઈ) જવા રવાના થઈ.

1887માં બોરીબંદરને નવા રૂપરંગ આપવાનું નક્કી થયું. ફ્રેડરીક વિલિયમ સ્ટીવન્સ નામના બ્રિટીશ આર્કિટેક્ટની ડિઝાઈનથી બોરીબંદરને દસ વર્ષના અંતે નવો અવતાર મળ્યો.

1897માં ભારતના આ સર્વપ્રથમ રેલ્વે સ્ટેશનનું નામ ઇંગ્લેન્ડનાં મહારાણી વિક્ટોરિયા પરથી વિક્ટોરિયા ટર્મિનસ રાખવામાં આવ્યું.

લોકો વિક્ટોરિયા ટર્મિનસને દાયકાઓ સુધી વીટી તરીકે ઓળખતા રહ્યા. દસેક વર્ષ પહેલાં વિક્ટોરિયા ટર્મિનસ’ (VT) નું નામ બદલીને દેશના મહાન સપૂત છત્રપતિ શિવાજી મહારાજની સ્મૃતિમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) રાખવામાં આવ્યું છે. * * * અનન્યા/080322/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *  

સામાન્ય જ્ઞાન

આપણે આપણા દેશ ભારત વિશે પાયાની સામાન્ય માહિતી મેળવીએ.

ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ.

રાષ્ટ્રીય ફળ કેરી.

રાષ્ટ્રીય વૃક્ષ વડ કે બનિયન ટ્રી.

રાષ્ટ્રીય પંખી મોર.

રાષ્ટ્રીય પ્રાણી વાઘ. 

*   *   *  *  *

ગુજરાતી-અંગ્રેજી

અંગ્રેજી ભાષાના કેટલાક શબ્દોમાં એક મૂળ  root    ‘cred’   પણ છે. ‘Cred’ નો અર્થ થાય છે ‘To believe’.  

Root    ‘cred’  ધરાવતા કેટલાક અંગ્રેજી શબ્દો સમજીએ.

Creditable  અર્થાત્  One that  Can be believed. 

Discreditable  અર્થાત્  One that cannot be believed.  

Credence  અર્થાત્   Belief.  

Credibly  અર્થાત્   Believably     

Incredibly  અર્થાત્  Unbelievably     

Credulous  અર્થાત્  Inclined to believe or trust  readily   

Incredulous  અર્થાત્  Not inclined to believe or trust readily* * * અનન્યા/080322/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * * *    *   * *     * *     **    **

અનન્યા/080315/આજકાલ-સામાન્યજ્ઞાન

.

અનન્યા/080315/આજકાલ-સામાન્યજ્ઞાન

આજકાલ

અમેરિકાના આર્થિક-વાણિજ્ય પ્રવાહોને તથા અમેરિકન ડોલરની નબળી સ્થિતિને વિશ્વની અર્થવ્યવસ્થાઓ અદ્ધર શ્વાસે જોઈ રહી છે. “અનન્યા”ના આગલા અંકોમાં આપે વિશ્વના આર્થિક પ્રવાહોની માહિતી મેળવેલ છે.

અમેરિકન અર્થતંત્રની માંદગી વિશ્વભરને (ભારતને પણ) વધતી-ઓછી પ્રભાવિત કરવા લાગી છે. એટલી નિરાંત કે, ભારતીય અર્થવ્યવસ્થા છેક ચિંતાજનક સ્થિતિમાં તો નથી જ.

ક્યાં એક જમાનામાં વિદેશી હુંડિયામણ (ફોરેન એક્ષ્ચેંજ)ની કારમી અછત અને ક્યાં આજની માલામાલ છત!

પચાસ વર્ષ પહેલાંના ભારત પર નજર નાખીએ.

1957માં ભારતના મશહૂર ફિલ્મ ડાયરેક્ટર મહેબૂબ દ્વારા બોલિવુડમાં નિર્મિત હિન્દી ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ દુનિયામાં પ્રશંસા પામી.

1958ના અમેરિકાના એકેડેમી એવોર્ડઝ – ઓસ્કાર એવોર્ડઝ (Oscar Awards) માટે ‘મધર ઇન્ડિયા’ નામાંકિત થઈ હતી.

ઓસ્કાર એવોર્ડઝ સમારંભ માટે મહેબૂબ ખાન, તેમનાં પત્ની સરદાર તથા ‘મધર ઇંડિયા’નાં મુખ્ય અભિનેત્રી નરગીસ – આમ ત્રણ  કલાકારો અમેરિકા જવાનાં હતાં.

આ ત્રણના અમેરિકા પ્રવાસ માટે ભારત સરકાર દ્વારા માત્ર 1200 ડોલર (જી હા, માત્ર બારસો ડોલર)નું  ફોરેન એક્ષ્ચેંજ મંજૂર થયું હતું. તે સમયે ભારત – અમેરિકા વચ્ચે હુંડિયામણ દર એક અમેરિકન ડોલર બરાબર આશરે સાડા ચાર રૂપિયા હતો.

આજે આપને અમેરિકા પ્રવાસ માટે ભારત સરકાર મોકળા મને વિદેશી હુંડિયામણ આપે છે. હાલ ભારત-અમેરિકા વચ્ચે એક્ષ્ચેંજ રેટ એક અમેરિકન ડોલર બરાબર લગભગ 40 રૂપિયા છે.  *  *  * અનન્યા/080315/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/

*  *  *  *  * * 

સામાન્યજ્ઞાન

યુએન (યુનો / યુનાઈટેડ નેશન્સ United Nations)ના ઇ.સ. 2000ના સર્વે પ્રમાણે વિશ્વનાં સૌથી વધુ વસ્તીવાળાં શહેરોની યાદી નીચે મુજબ છે. આ અંદાજિત વસ્તી-આંકડામાં મુખ્ય શહેરની વસ્તીમાં તેની આસપાસનાં શહેરી (અર્બન ) વિસ્તારોની વસ્તીનો પણ સમાવેશ કરેલ છે તે નોંધવું.

ક્રમાંક શહેર દેશ અંદાજિત  વસ્તી  
1 ટોકિયો જાપાન 264 લાખ
2 મેક્સિકો સિટી મેક્સિકો 180 લાખ
3 સાઓ પાઉલો બ્રાઝિલ 179 લાખ
4 ન્યૂ યોર્ક સિટી અમેરિકા 167 લાખ
5 મુંબઈ (બોમ્બે) ભારત 160 લાખ
6 લોસ એંજેલસ અમેરિકા 132 લાખ
7 કોલકતા (કલકત્તા)  ભારત 130 લાખ
8 શાંઘહાઈ ચીન 128 લાખ
9 ઢાકા બાંગલા દેશ 125 લાખ
10 દિલ્હી ભારત 124 લાખ

*  *  *  * * 

ગુજરાતી-અંગ્રેજી

જો આપ ગુજરાતમાં સ્થાયી ન હો તો પણ ગુજરાત સાથે આપ કોઇક રીતે સંબંધિત હશો અથવા ગુજરાતી ભાષા પ્રત્યે આપને કાંઇક ખેંચાણ હશે જ. તેથી જ તો આપ “અનન્યા”નું આ પૃષ્ઠ ગુજરાતી ઇન્ટરનેટ પર વાંચી રહ્યા છો. ચાલો, ગુજરાતી ભાષાના આપણા જ્ઞાનની નાનકડી કસોટી કરીએ.

આપણે કેટલાંક ગુજરાતી શબ્દો ભૂલતાં જઈએ છીએ કે શું? એક જમાનામાં લોકબોલીમાં ખૂબ વપરાતાં કેટલાક શબ્દો આજે વ્યવહારમાંથી ભૂલાતાં જાય છે.

આપ નીચેના શબ્દોનો અર્થ કહી શકશો?

નઘરોળ, ઊજમ, વિવર્ણ, ધરો, રગશિયું, ચાટૂક્તિ.

* * * અનન્યા/080315/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

*    *   * *     * *     **    **

અનન્યા/080301/આજકાલ-સામાન્યજ્ઞાન

.

*

અનન્યા/080301/આજકાલ-સામાન્યજ્ઞાન

આજકાલ:

* * * અમેરિકા (USA)ના આર્થિક-વાણિજ્ય વિકાસના પાયામાં કેટલાક દીર્ઘદર્શી, સાહસિક ઉદ્યોગપતિઓ છે. વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિનાં ઉદ્દીપક પરિબળો ઇંગ્લેન્ડ યુરોપ અને અમેરિકામાં વિકસ્યાં, પરંતુ આર્થિક-વાણિજ્યના ક્ષેત્રોનો વ્યવસ્થિત વિકાસ તો અમેરિકાએ જ પ્રેર્યો.

ઓગણીસમી સદીના અમેરિકન ઉદ્યોગપતિઓને તેનો શ્રેય આપવો ઘટે.

ગઈ કાલના આ અમેરિકન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટસમાં જહોન ડી. રોકફેલર (1839 -1937) અને એન્ડ્રુ કાર્નેગી (1835 1919) તો મોખરે આવે જ , ઉપરાંત જેમ્સ હિલ (1838 -1916) , સ્ટેનફોર્ડ (1824 1893) અને હેન્રી ફોર્ડ (1863 1947) ને પણ મહત્વનાં સ્થાન મળે.

જહોન ડી. રોકફેલર અમેરિકાના ખનિજ તેલ (પેટ્રોલિયમ / ક્રુડ ઓઇલ ઇન્ડસ્ટ્રી) ઉદ્યોગના પ્રણેતા. રોકફેલર સ્ટાન્ડર્ડ ઓઇલ કંપનીના સ્થાપક. લાખો ડોલર કમાયા; માતબર દાન આપી સમાજસેવા પણ કરી. રોકફેલર ફાઉન્ડેશન જહોન ડી. રોકફેલરનું મહાન સ્મારક.

એન્ડ્રુ કાર્નેગી અમેરિકાના સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા. કાર્નેગી સ્ટીલના સ્થાપક. એન્ડ્રુ કાર્નેગીએ પણ લાખો ડોલરની  કમાણી સમાજોપયોગી પ્રવૃત્તિઓમાં ખર્ચી.

અમેરિકન રેલ કંપની સેન્ટ્રલ પેસિફિક  રેલરોડ વિકસાવનાર લેલેંડ સ્ટેનફોર્ડનું નામ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કારણે અમર રહેશે.

જેમ્સ હિલનું યોગદાન ગ્રેટ નોર્ધન રેલ્વે માટે મહત્વનું.

હેન્રી ફોર્ડને કોણ ન ઓળખે? અમેરિકાના મોટર ઉદ્યોગ ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના પિતામહ હેન્રી ફોર્ડ.

અમેરિકામાં મિશિગન ખાતે ફોર્ડ મોટર કંપનીના સ્થાપક હેન્રી ફોર્ડ હતા.

આજના અમેરિકાના આર્થિક-વાણિજ્ય જગતમાં લોકજીભે ચઢેલા નામોનો વિચાર કરી તો માઇક્રોસોફ્ટના બિલ ગેટસ  Bill Gates તથા સ્ટોકમાર્કેટના અભ્યાસી, અઠંગ ઇન્વેસ્ટરોના બેતાજ બાદશાહ Warren Buffet  તરત યાદ આવે! ગઈ કાલના અને આજના આ સફળ અમેરિકન ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકો વિશે યાદ રહે કે મહાન ઉદ્યોગપતિઓ હોવા છતાં તેમની ધંધાની નીતિઓ અને પદ્ધતિઓ વિવાદથી પર નથી રહી.  * * *

સામાન્યજ્ઞાન

 આપણા દેશ ભારતનો કુલ અધિકૃત વિસ્તાર આશરે  32,87,000 વર્ગ કિમી છે. કમભાગ્યે, તે પૈકી આશરે 1,20,000 વર્ગ કિમીનો વિસ્તાર વિદેશીઓના બિન અધિકૃત કબજામાં છે.

ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે. સૌથી નાનું રાજ્ય ગોવા છે.

દેશનો સૌથી મોટો કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન-નિકોબાર છે. સૌથી નાનો  કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે.

ભારત દેશનો સૌથી મોટો જીલ્લો કચ્છ (ગુજરાત) છે. સૌથી નાનો જીલ્લો માહે (પોંડીચેરી) છે.

*  *  *  *  *

ગુજરાતી-અંગ્રેજી

અંગ્રેજી ભાષામાં વપરાતો એક મહત્વનો લેટિન prefix (ઉપસર્ગ) OMNI છે.

અનન્યાના વાચકમિત્રોએ Omnipresent, Omnipotent, Omnivorous  જેવા શબ્દો સાંભળ્યા હશે.  

જે બધે ઉપસ્થિત/વિદ્યમાન છે તે Omnipresent.

જે સર્વ શક્તિમાન છે તે Omnipotent.

જે માંસાહાર અને શાકાહાર કરે છે,બધું જ ખાઈ શકે છે, તે Omnivorous.

આપ આ શબ્દોનો ઉપયોગ કરી શકશો? God is omnipresent.  God is omnipotent. Man is an omnivorous animal.  * * * અનન્યા/080301/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * * *    *   * *     * *     **    **

અનન્યા/080209/આજકાલ-સામાન્યજ્ઞાન

*

.

અનન્યા/080209/આજકાલ-સામાન્યજ્ઞાન

આજ-કાલ

ભારતના જમશેદજી નસરવાનજી તાતા (જમશેદજી ટાટા) (Tata) ની સાહસવૃત્તિને પરિણામે એશિયાનો પ્રથમ સ્ટીલ પ્લાંટ ભારતમાં કાર્યરત થયો.

તાતા કુટુંબનું મૂળ વતન ગુજરાતનું નવસારી.

ટાટા ગ્રુપ (TATA Group) ની પ્રથમ કંપની ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની (TISCO) નો આ ભારતીય સ્ટીલ પ્લાંટ પૂર્વ ભારતમાં સુવર્ણરેખા અને ખરકાઈ (ખારકાઈ) નદીને કિનારે સાકચી ગામ નજીક ઊભો થયો જે ગામ સમય વીત્યે ટાટાનગર તરીકે ઓળખાયું.

ટિસ્કો સ્ટીલ પ્લાંટ ઊભો થાય તે પહેલાં 1907માં જમશેદજી ટાટાનું અવસાન થયું. તેથી દોરાબજી તાતા કંપનીના ચેરમેન બન્યા (1907 – 32).

તેમના પછી નવરોજી સકલતવાલા (1932 – 38), જે. આર. ડી. તાતા (1938 – 84), રૂસી મોદી (1984 – 93) તથા રતન તાતા (1993 – ) ના માર્ગદર્શન નીચે ટિસ્કો તથા ટાટા ગ્રુપની કંપનીઓ પ્રગતિ કરતી રહી છે.

જે. આર. ડી. ટાટાએ ટાટા ગ્રુપને સ્થિર કર્યું, તો રતન ટાટાએ પ્રગતિશીલ નિર્ણયોથી દુનિયાના નકશા પર ટાટા ગ્રુપનું નામ રોશન કર્યું. રતન ટાટાએ જંગી રકમ ચૂકવી વિશ્વની અગ્રણી સ્ટીલ કંપની ‘કોરસ’ ખરીદીને ઔદ્યોગિક વર્તુળોને અચંબિત કરી દીધા.

“અનન્યા”ના ગયા અંકમાં આપે ‘નેનો’ મોટર કાર રૂપી રતન ટાટાની સફળતાની વાત વાંચી છે ને?

* * * * * * ** **

સામાન્યજ્ઞાન

આજે “અનન્યા”ના વાચકમિત્રોને માનવશરીરની કેટલીક અજબગજબની વાતો કહું! આપણે સ્વસ્થ પુખ્ત માનવશરીરને ધ્યાનમાં રાખીશું.

પુખ્ત વયના સ્વસ્થ માનવશરીરમાં સામાન્ય રીતે (આશરે/અંદાજે) –

• 100 ટ્રિલિયન કોષો હોય છે.

• 206 જેટલાં હાડકાં હોય છે (હાડકાંની સંખ્યામાં ઉંમર મુજબ ફેરફાર હોય છે).

• 600 થી 650 જેટલાં સ્નાયુઓ – મસલ્સ – હોય છે.

• 5 લિટર લોહી હોય છે.

• હૃદય એક દિવસમાં 27000 લિટરથી વધુ લોહી શરીરમાં ‘પંપ’ કરે છે.

• 96,000 કિમીથી પણ વધુ લંબાઈની નાની-મોટી રક્તવાહિનીઓ હોય છે.

• મગજમાં 100 બિલિયન જેટલા ન્યુરોન્સ (જ્ઞાનતંત્રના કોષો) હોય છે.

• શરીરમાં પથરાયેલા જ્ઞાનતંતુઓની કુલ લંબાઈ 72 કિમી જેટલી છે.

• જ્ઞાનતંતુમાં સેકંડના 100 મીટરના વેગથી સંવેદન-સંદેશાની આપ-લે થાય છે.

• માથા પર એક લાખથી વધુ વાળ હોય છે.

• સૌથી મોટું અંગ ચામડી છે. (The largest organ of human body is the skin)

• ચામડી શરીરના 1.65 થી 1.80 ચો.મી. જેટલા એરિયાને કવર કરે છે.

* * * * * * ** **

ગુજરાતી-અંગ્રેજી

સંસ્કૃત શબ્દોના વારસાને લીધે ગુજરાતી ભાષાનો શબ્દવૈભવ મ્હોરી ઊઠે છે. અંગ્રેજી ભાષામાં ‘સૂર્ય’ માટે નામ- વિશેષણો વિચારશો તો તમને ‘the sun’ , ‘the solar’ જેવા શબ્દો જ દેખાશે. ‘ચંદ્ર’ માટે ‘the moon’, ‘the lunar’ જેવા શબ્દો જ યાદ આવશે.

હવે સૂર્ય માટે ગુજરાતી ભાષામાં શબ્દો જોઈએ – સૂરજ, રવિ, સવિતા, ભાનુ, દિવાકર, પ્રભાકર, દિનકર, દિનમણિ, આદિત્ય, મિહિર, માર્તંડ, સહસ્ત્રાંશુ ….. અને બીજાં ઘણાં નામો મળશે.

ચંદ્ર માટે ગુજરાતી ભાષામાં શબ્દો જોઈએ – ચાંદો, ચંદ્રમા, ચાંદલિયો, સોમ, ઇન્દુ, વિધુ, મયંક, મૃગાંક, શશી, શશાંક, શશધર, શીતાંશુ, શુભ્રાંશુ, સુધાંશુ, સુધાકર, નિશાકર, નિશાપતિ, કુમુદપતિ . . . .. નામોની યાદી લંબાતી રહેશે.

* * * અનન્યા/080209/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

* * * * * * ** **

અનન્યા/080202/આજકાલ-સામાન્યજ્ઞાન

.
*

અનન્યા/080202/આજકાલ-સામાન્યજ્ઞાન

.
વિશ્વનાં મોટરકાર ઉદ્યોગમાં અવનવાં વમળો સર્જાઈ રહ્યાં છે. અમેરિકામાં મોટરકાર (પેસેંજર કાર) કંપનીઓ સમસ્યાઓથી ઘેરાયેલી છે.

આ સમયે ભારતના ટાટા ગ્રુપ (Tata Grup of Companies) ની ટાટા મોટર્સ (Tata Motors) ની લાખ રૂપિયાની, નાનકડી ‘નેનો’ (Nano) મોટરકાર દેશ માટે સિદ્ધિદાયી બની છે.

“અનન્યા”ના વાચકોને કેટલીક આંકડાકીય માહિતી જરૂર રસપ્રદ લાગશે.

અમેરિકામાં 1975માં જનરલ મોટર્સ દ્વારા આશરે 49 લાખ, ફોર્ડ મોટર કંપની દ્વારા આશરે 20 લાખ અને ક્રાઇસ્લર કોર્પોરેશન દ્વારા આશરે 13 લાખ પેસેંજર કાર્સનું ઉત્પાદન થયું હતું.

અમેરિકામાં આ જ કંપનીઓનાં ઉત્પાદનના આંકડા દસ જ વર્ષમાં, 1985માંઆઘાતજનક રહ્યા. અમેરિકામાં 1985માં જનરલ મોટર્સ દ્વારા આશરે 22 લાખ, ફોર્ડ મોટર્સ દ્વારા આશરે 7.60 લાખ અને ક્રાઇસ્લર દ્વારા આશરે 6 લાખ પેસેંજર કાર્સનું ઉત્પાદન થયું હતું.

પંદર વર્ષમાં અમેરિકન ઓટોમોબાઇલ્સ ઉદ્યોગનું ચિત્ર ફરી બદલાયું. કારણરૂપ અમેરિકામાં હોંડા, ટોયોટા, મિત્સુબિશી, નિસ્સાન, બીએમડબલ્યુ આદિ મોટર કારનું વધતું વેચાણ છે.

2001માં અમેરિકામાં જનરલ મોટર્સ દ્વારા આશરે 16.6 લાખ, ફોર્ડ મોટર્સ દ્વારા આશરે 10 લાખ અને ક્રાઇસ્લર દ્વારા આશરે 4.3 લાખ પેસેંજર કાર્સનું ઉત્પાદન થયું હતું.

આ સંજોગોમાં રતન તાતા (રતન ટાટા)ની આગેવાની નીચે ટાટા મોટર્સની નેનો કારની સિદ્ધિ પ્રશસ્ય છે. ત્રણેક વર્ષ પહેલાં સુઝુકી, જાપાનના સ્થાપક ચેરમેન સુઝુકીએ રતન ટાટાની એક લાખની નિર્માણાધીન કારને ‘થ્રી-વ્હીલર’ સાથે સરખાવી મજાક ઉડાવી હતી બરાબર બે વર્ષ પહેલાં સુઝુકીએ ‘એક લાખ રૂપિયા’ની કાર અશક્ય છે તેવું નિવેદન આપેલું.

આજે રતન ટાટાએ વિશ્વની સૌથી કિફાયતી કારમાંની એક એવી ‘નેનો’ કારને પ્રસ્તુત કરી સૌને જવાબ આપી દીધો છે. નેનો કારની કેટલીક મર્યાદાઓને સ્વીકારીએ તો પણ ટાટા મોટર્સની સફળતા ઝાંખી પડતી નથી.

1948માં હિંદુસ્તાન મોટર્સ લિમિટેડ દ્વારા ભારતની પ્રથમ મોટર કાર નિર્માણ પામી અને ભારતને દુનિયાના ઓટોમોબાઇલ ઉદ્યોગમાં સન્માન પ્રાપ્ત થયું. એવું જ સન્માન આજે ટાટા મોટર્સની નેનો કાર થકી ભારતને મળ્યું છે. * * * *અનન્યા/080202/ આજકાલ/હરીશ દવે/ Ananyaa/ * * *

* *  * *  * *

સામાન્ય જ્ઞાન

અમેરિકા1977માં સૂર્ય તરફ બે અવકાશયાનો છોડ્યાં – પ્રથમ ‘વોયેજર-2’ તથા તે પછી ‘વોયેજર-1’.

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસા (NASA National Aeronautics and Space Applications) એ ઓગસ્ટ 20, 1977ના રોજ છોડેલ અવકાશયાન ‘વોયેજર 2’ 1979માં ગુરુના ગ્રહ પાસેથી, 1981માં શનિના ગ્રહ પાસેથી, 1986માં યુરેનસ ગ્રહ પાસેથી અને 1989માં નેપ્ચ્યુન ગ્રહ પાસેથી પસાર થયું. ‘વોયેજર 2’ સૂર્યમંડળને પાર કરી ત્યાંથી આગળ વધતું રહ્યું છે.

‘વોયેજર 2’ના લોંચના એક મહિના પછી સપ્ટેમ્બર 5, 1977ના રોજ અમેરિકાએ અતિ ઝડપી સ્પેસક્રાફ્ટ ‘વોયેજર 1’ છોડ્યું.

‘વોયેજર-1’ માર્ચ 1979માં ગુરુના ગ્રહ પાસેથી અને નવેમ્બર 80માં શનિના ગ્રહ પાસેથી પસાર થયું.

અમેરિકન સંસ્થા નાસાનાં બંને વોયેજર અવકાશયાનો બ્રહ્માંડની સફરે સૂર્ય તરફ આજે પણ પ્રયાણ કરી રહ્યાં છે. બંને અમેરિકન અવકાશયાનો હજી બીજાં દસ-પંદર વર્ષો સુધી સફર જારી રાખશે તેવી આશા છે. * * * * * * * અનન્યા/080202/સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

* *  * *  * *  * *  * *  * *

ગુજરાતી-અંગ્રેજી

આજે આપણે અંગ્રેજી ભાષામાં કેટલાક સુંદર વિશેષણો (Adjectives) ના ઉપયોગને સમજીએ.

કોઈકના ‘efforts’ (પ્રયત્નો, પ્રયાસ) ને આપ કયા વિશેષણોથી નવાજી શકો?

Frantic efforts, Untiring efforts, Relentless efforts, Unabated efforts ….. “અનન્યા”ના વાચકો બીજા ઉમેરી શકે?

The management made frantic efforts to persuade the labour union.

His untiring efforts helped him won the first prize.

Relentless efforts by the police quelled the violent mobs in the city.

The poice made unabated efforts to control the situation.
* *  * *  * *  * *
* * * અનન્યા/080202/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

* * *
* * * * * * ** **

અનન્યા/080126/આજકાલ-સામાન્યજ્ઞાન

.

*

અનન્યા/080126/આજકાલ-સામાન્યજ્ઞાન

ભારત વિશ્વના નકશા પર સામર્થ્યવાન રાષ્ટ્ર તરીકે ઊભરી રહ્યું છે.

આર્થિક ક્ષેત્રે અમેરિકા ( USA) અને યુરોપ (Europe) ના દેશો સહિત દુનિયાના તમામ રાષ્ટ્રો હવે ભારત પર મીટ માંડતા થયા છે.

આ સાથે જ રાષ્ટ્રની સુરક્ષા ભારત સરકાર માટે વિશેષ મહત્વની બની રહી છે. છેલ્લા થોડાં વર્ષોમાં દેશની સરકારોએ સંરક્ષણ ક્ષેત્રે (Defence sector) સજાગતા દાખવી છે.

છેલ્લાં પાંચેક વર્ષોમાં દેશના સંરક્ષણ ખર્ચ (Defence Expenditure)માં લગભગ 50% નો વધારો થયો છે. પાંચ વર્ષ પહેલાં સંરક્ષણ ક્ષેત્રે ભારત સરકારનો ખર્ચ આશરે રૂપિયા 65,000 કરોડ હતો તે ચાલુ વર્ષમાં રૂપિયા 96,000 કરોડને વટાવી જાય તેવી શક્યતા છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષોમાં ભારત સરકારની સંરક્ષણ ક્ષેત્રની તૈયારીઓ નોંધપાત્ર છે.

તેમાં અત્યાધુનિક એરક્રાફ્ટ કેરિયર વોરશીપ ‘વિક્રમાદિત્ય’ (મૂળ નામ એડમિરલ ગોર્શકોવ વોરશીપ, Admiral Gorshkov aircraft carrier warship) ની ખરીદીનો સમાવેશ થાય છે. ‘વિક્રમાદિત્ય’ વોરશીપ તેમજ તેના માટે 16 નેવલ એરક્રાફ્ટ મિગ વિમાનો, નૌકાદળ (Indian Navy) માટે છ સ્કોર્પિન (Scorpene) સબમરીન તથા 3 ફાલ્કન એવોક સિસ્ટમ્સ (AWACs Airborne Warning And Command Systems) ની ખરીદી પાછળ ભારત સરકારે નવથી દસ બિલિયન ડોલર જેટલી જંગી રકમ ખચી હોવાનો અંદાજ છે.

ગયા વર્ષે ઇન્ડિયન આર્મી (Indian Army) અને ઇન્ડિયન એરફોર્સ (Indian Airforce) માટે હેલિકોપ્ટર્સ તથા એરક્રાફ્ટ્સ પણ ખરીદવામાં આવ્યાં છે.

ભારત સરકાર આવતા પાંચ વર્ષમાં લશ્કરી દળોને સુસજ્જ કરવા લગભગ 45 બિલિયન ડોલરનો શસ્ત્રસરંજામ ખરીદશે તેવું આયોજન છે.

*  *  ** * * અનન્યા/080126/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

**  **  *

સામાન્ય જ્ઞાન:

* અમેરિકા (USA) અને રશિયા (USSR)ના અવકાશ સંશોધનના પ્રયાસો વિશે આપે “અનન્યા”ના આગળના અંકોમાં વાંચ્યું. તેમાં આપે અવકાશયાત્રાઓ તેમજ માનવીના ચંદ્ર પર ઉતરાણની વાતો પણ જાણી.

બ્રહ્માંડ (the Universe)ની અને સૂર્યમંડળ ( the Solar System)ના અન્ય ગ્રહોની જાણકારી મેળવવા અમેરિકામરિનર (Mariner), પાયોનિયર (Pioneer), વાઇકિંગ (Viking), વોયેજર (Voyager) વગેરે તથા રશિયાએ વેનેરા (Venera), માર્સ (Mars ) આદિ સ્પેસક્રાફ્ટ્સ છોડ્યાં છે.

અમેરિકામાં અવકાશસંશોધન સંસ્થા નાસા (NASA National Aeronautics and Space Administration ) એ સૂર્યમંડળ અને તેને પાર અવકાશની માહિતી માટે સ્પેસ મિશન આયોજિત કર્યાં.

તે પૈકી કેટલાક નોંધનીય મિશન પર ઊડતી નજર નાખીશું?

મંગળ (Mars) ના ગ્રહને પ્રદક્ષિણા કરનાર અમેરિકાનું પ્રથમ અવકાશયાન ‘મરિનર 9’ (Mariner 9 ) હતું. તેને મે 30, 1971ના રોજ છોડવામાં આવ્યું હતું. તેણે નવેમ્બર 13, 1971ના રોજ મંગળના ગ્રહને પ્રથમ પ્રદક્ષિણા કરી.

મંગળના ગ્રહ પર સફળ ઉતરાણ કરનાર પ્રથમ અમેરિકન અવકાશયાન ‘વાઇકિંગ 1’ ને અમેરિકાએ ઓગસ્ટ 20, 1975ના રોજ છોડ્યું હતું. અમેરિકાનું આ અવકાશયાન વાઇકિંગ 1 લેંડર (Viking 1 Lander) મંગળ પર જુલાઇ 20, 1976ના રોજ ઊતર્યું હતું.

અમેરિકાએ માર્ચ 2, 1972ના રોજ છોડેલ અવકાશયાન ‘પાયોનિયર 10’ ગુરુ (Jupiter) ના ગ્રહ પાસેથી ડિસેમ્બર 4, 1973ના દિને પસાર થયું.

આ અમેરિકન સ્પેસક્રાફ્ટ ‘પાયોનિયર 10’ જૂન 13, 1983 ના રોજ સૂર્યના ગ્રહમંડળ (the Solar System) ની પાર અવકાશમાં જનાર વિશ્વનું પ્રથમ અવકાશયાન બન્યું.

બ્રહ્માંડની અજાણી યાત્રાએ આગળ ધપેલ ‘પાયોનિયર 10’ મિશનનો સત્તાવાર અંત માર્ચ 31, 1997ના રોજ આવ્યો. આમ છતાં છેલ્લે 2002-2003 સુધી અવારનવાર તેના થોડા વિક સિગ્નલ્સ મળ્યા ખરા.

શુક્ર (Venus) પર સફળતાપૂર્વક ઉતરનાર રશિયન અવકાશયાન ‘વેનેરા 7’ હતું જેણે ડિસેમ્બર 15, 1970ના શુક્ર પર ઉતરાણ કર્યું. કમનસીબે ઉતરાણ પછી માત્ર 23 મિનિટમાં વેનેરા મિશન નિષ્ફળ ગયું.

શુક્ર પર ઉતરનાર અમેરિકાનું પ્રથમ અવકાશયાન ‘મેગેલન’ હતું. મે 4, 1989 ના રોજ લોંચ થયેલ અમેરિકન અવકાશયાન ‘મેગેલન’ ઓગસ્ટ 10, 1990ના રોજ શુક્ર પર ઉતર્યું હતું. * * * અનન્યા/080126/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

ગુજરાતી-અંગ્રેજી

અંગ્રેજી ભાષામાં કેટલાક વિરોધી શબ્દો બનાવવા પૂર્વગ (Prefix) in નો ઉપયોગ થાય છે જ્યારે કેટલાક માટે પૂર્વગ im નો ઉપયોગ થાય છે. એક સાદો નિયમ યાદ રાખવો. જે શબ્દ અંગ્રેજી આલ્ફાબેટ b, m અથવા p થી શરૂ થતા હોય તેમના વિરોધી શબ્દ માટે પૂર્વગ im નો ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે –

Balance – Imbalance , Mature – Immature,  Possible – Impossible

પરંતુ    Ability – Inability,  Visible – Invisible

*

* * * અનન્યા/080126/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

અનન્યા/080112/આજકાલ-સામાન્યજ્ઞાન

*
.

અનન્યા/080112/આજકાલ-સામાન્યજ્ઞાન

આજ-કાલ
ભારત અવકાશ-સંશોધન (Space Research) ક્ષેત્રે અને સંરક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.

શરૂઆતમાં પહેલાં અવકાશ સંશોધન ડિપાર્ટમેંટ ઓફ એટમિક એનર્જીને હસ્તક હતું.

1962માં INCOSPAR (Indian National Committee for Space Research) ની રચના થઈ તથા થુમ્બા ઇક્વેટોરિઅલ રોકેટ લોંચિંગ સ્ટેશન (TERLS Thumba Equatorial Rocket Launching Station) ની સ્થાપનાના પ્રયત્નો આરંભાયા. 1963ના નવેંમ્બરમાં થુમ્બા ખાતેથી ભારતનું પ્રથમ રોકેટ છોડવામાં આવ્યું. “અનન્યા”ના વાચકો જાણતા હશે કે 1967માં અમદાવાદ (ગુજરાત) માં સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન (પછીથી સેક Space Application Centre) બનાવવામાં આવ્યું.

1969માં ઇસરો (ISRO Indian Space Research Organisation) ની રચના થઈ.

ગરવા ગુજરાતી વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈના કુશળ માર્ગદર્શન હેઠળ 1971માં ભારતનું બીજું રોકેટ લોંચિંગ સ્ટેશન શ્રીહરિકોટા (Sriharikota) કાર્યરત થયું જ્યારે 1971માં ઓક્ટોબરની 9મી તારીખે પ્રથમ રોકેટ ‘રોહિણી’ લોંચ કરાયું.

1972માં ભારત સરકાર દ્વારા ડિપાર્ટમેંટ ઓફ સ્પેસ બનાવવામાં આવ્યું.

1975ના એપ્રિલની 19મીએ ભારતના પ્રથમ માનવસર્જિત – આર્ટિફિશિયલ – સેટેલાઇટ “આર્યભટ્ટ”ને રશિયા (USSR)માંથી છોડવામાં આવ્યો.

1979માં ભારતનો બીજો સેટેલાઇટ “ભાસ્કર – 1” પણ રશિયા ખાતેથી છોડવામાં આવ્યો. ત્યાર પછી ભારત અવકાશ સંશોધન ક્ષેત્રે અને સંરક્ષણ ક્ષેત્રે અબાધિત પ્રગતિ કરતું રહ્યું છે.

ભારતના કુશાગ્ર વૈજ્ઞાનિકોએ મિસાઇલ્સના સફળ પ્રયોગો કરેલા છે. “અનન્યા”ના વાચકો ને એ જાણીને ખુશી થશે કે તાજેતરમાં ભારતીય સંરક્ષણ તજજ્ઞો-વૈજ્ઞાનિકોએ ડિસેમ્બર 6, 2007ના રોજ દુશ્મન દેશના બેલિસ્ટિક મિસાઇલ્સ એટેક સામે રક્ષણ આપતાં હાઇપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલ AAD-02 નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.

ડિસેમ્બર છઠ્ઠીએ ઓરિસ્સાના ચાંદીપુર પાસેથી ટાર્ગેટ મિસાઇલ “પૃથ્વી” છોડવામાં આવ્યું જે 110 કિમીની ઊંચાઈએ પહોંચી ધરતી ભણી ધસવા લાગ્યું. પાંચ જ મિનિટ પછી ત્યાંથી 70 કિમી દૂરથી ઇન્ટરસેપ્ટર મિસાઇલ AAD-02 છોડવામાં આવ્યું. માત્ર 25 સેકંડમાં ઇન્ટરસેપ્ટર મિસાઇલ તેના ટાર્ગેટ મિસાઇલને આંતરીને તોડી પાડવામાં સફળ થયું.

દુનિયાના માત્ર ત્રણ અન્ય દેશો – અમેરિકા, રશિયા અને ઇઝરાયેલ – પાસે આ એડવાન્સ્ડ સંરક્ષણ પ્રણાલી છે. ભારતીય વૈજ્ઞાનિકોની આ ગૌરવપ્રદ સિદ્ધિ છે. * * * અનન્યા/080112/આજકાલ/હરીશ દવે/ Ananyaa/ * * *

* *  * *  * *

સામાન્યજ્ઞાન

આપ જાણો છો તેમ સમાનવ અવકાશયાન ( સ્પેસક્રાફ્ટ Spacecraft)માં અવકાશયાત્રા કરનાર પ્રથમ રશિયન યુરી ગાગારીન (યુએસએસઆર, એપ્રિલ, 1961) તથા પ્રથમ અમેરિકન એલન શેફર્ડ (યુએસએ, મે, 1961) હતા.

અવકાશ સંશોધનમાં રશિયાના વોસ્ટોક, વોસ્ખોદ અને સોયુઝ મિશન કાર્યક્રમો તેમજ અમેરિકાના મર્ક્યુરી, જેમિની અને એપોલો મિશન કાર્યક્રમો જાણીતા બન્યા.

અમેરિકા અને રશિયાની ચંદ્ર ભણી માનવરહિત અવકાશયાત્રાઓની વાત આપે “અનન્યા”ના ગયા અંકમાં વાંચી.

ચંદ્ર પર માનવીને ઉતારવાની પૂર્વતૈયારી રૂપે 1965માં રશિયા અને અમેરિકાએ પોતાના અવકાશયાત્રીઓ ( એસ્ટ્રોનોટ્સ Astronauts) ને સ્પેસ વોક કરાવી. પોતાના અવકાશયાનમાંથી બહાર નીકળી સ્પેસ વોક કરનાર પ્રથમ રશિયન એલેક્સી લિયોનોવ (માર્ચ 1965). સ્પેસ વોક કરનાર પ્રથમ અમેરિકન એડવર્ડ વ્હાઈટ (જૂન 1965).

ચંદ્ર-ઉતરાણના નિર્ધાર સાથે નવેમ્બર, 1968માં અમેરિકાએ “એપોલો મિશન”ના કાર્યક્રમો શરૂ કર્યાં. અમેરિકાના એપોલો મિશન અંતર્ગત 21 ડિસેમ્બર, 1968ના રોજ લોંચ થયેલ ‘એપોલો-સેટર્ન-8’ મિશનના અમેરિકન એસ્ટ્રોનોટ્સ બોરમેન, લોવેલ અને એન્ડર્સ ચંદ્રને પ્રથમ પ્રદક્ષિણા કરનાર પૃથ્વીવાસી બન્યા. “અનન્યા”ના વાચકોને માનવીના ચંદ્ર પર ઉતરાણમાં જરૂર રસ પડશે.

1969ના જુલાઈની 16મી તારીખે અમેરિકાએ એપોલો-11 અવકાશયાન (‘એપોલો-સેટર્ન-11’ મિશન) છોડ્યું. તેમાં ચંદ્ર પર ઉતરાણ માટે લ્યુનર મોડ્યુલ હતું. એપોલો-11ના ત્રણ અમેરિકન એસ્ટ્રોનોટ્સ આર્મસ્ટ્રોંગ, કોલિન્સ અને એલ્ડ્રીન હતા.

1969ની 20મી જુલાઈએ અમેરિકાના એપોલો-11ના લ્યુનર મોડ્યુલનું ચંદ્ર પર ઉતરાણ થયું અને તેમાં સવાર આર્મસ્ટ્રોંગ અને કોલિન્સ ચંદ્ર પર ઉતરનાર પ્રથમ માનવી બન્યા.

અમેરિકન અવકાશયાત્રી નિલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવી બન્યા. તે જ દિવસે, થોડી મિનિટો પછી, કોલિન્સ પણ લ્યુનર મોડ્યુલમાંથી બહાર આવ્યા અને કોલિન્સ ચંદ્ર પર પગ માંડનાર બીજા માનવી બન્યા. આ દરમ્યાન એપોલો કમાંડ-યાનમાં બેસી એલ્ડ્રીન ચંદ્રની પ્રદક્ષિણા કરતા રહ્યા હતા. ગુજરાતમાં ત્યારે ટીવી પ્રસારણ ન હતું. એપોલો-11ના ચંદ્ર ઉતરાણની રનિંગ કોમેંટ્રી રેડિયો પરથી – અમેરિકાના રેડિયો સ્ટેશન “વોઇસ ઓફ અમેરિકા” પરથી પ્રસારિત થઈ હતી. મને યાદ છે તે મુજબ, ભારતીય સમયાનુસાર તે મધરાતે (20 જુલાઈની રાત; 21 જુલાઈની વહેલી સવારે આશરે 1.30 વાગ્યે IST) નિલ આર્મસ્ટ્રોંગનો પગ ચંદ્ર પર મૂકાયો, ત્યારે અમને સૌને માનવજાતની મહાન સિદ્ધિ માટે પારાવાર ખુશી થઈ હતી. * * ** *
* * * અનન્યા/080112/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

* *  * *  * *  * *
ગુજરાતી-અંગ્રેજી

અંગ્રેજી શીખવાની ધૂનમાં આપણે ક્યારેક ગુજરાતી ભાષાના અશુદ્ધ પ્રયોગો પ્રત્યે દુર્લક્ષ સેવીએ છીએ. ઉતાવળમાં હું પણ અશુદ્ધ વાક્યરચનાઓ કરી બેસું છું. ક્યારેક વાચકના હિતમાં સર્ચ એંજિન્સના સંભવિત પરિણામોનો વિચાર કરીને મારે છૂટ લઈને, શબ્દો કે વાક્યોને લખવા પડે છે. અજાણતાં થયેલ ભૂલ નજરે ચડે ત્યારે મને સાચે જ શરમ ઉપજે છે. એક મહત્વની વાત એ યાદ રાખીએ કે ગુજરાતી ભાષામાં અંગ્રેજી ભાષા જેવી પરોક્ષ રચનાઓ (Indirect naration) નથી.

અશુદ્ધ પ્રયોગ : અશોકે કહ્યું કે તે મુંબઈ ગયો હતો.

શુદ્ધ પ્રયોગ: અશોકે કહ્યું કે હું મુંબઈ ગયો હતો.

અશુદ્ધ પ્રયોગ: અનન્યાએ કહ્યું કે તેણીએ ફોન કર્યો હતો.

શુદ્ધ પ્રયોગ : અનન્યાએ કહ્યું કે મેં ફોન કર્યો હતો. * **

* * * * અનન્યા/080112/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *

* *  * *  * *

અનન્યા/080105/આજકાલ-સામાન્યજ્ઞાન

*
.

આજ-કાલ
ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં કેટલાક ઉદ્યોગપતિઓ તેમજ કોર્પોરેટ હાઉસીસનું વિશિષ્ટ યોગદાન છે.

ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં ગાંધીજીને સાથ આપવામાં બિરલા ગ્રુપના જી. ડી. બિરલા (ઘનશ્યામદાસ બિરલા G D Birla) નું ખાસ સ્થાન છે. ગાંધીજીએ ઘણી વાર બિરલા હાઉસનું આતિથ્ય માણ્યું હતું. મુંબઈ કે દિલ્હીમાં ગાંધીજી માટે નિવાસની વ્યવસ્થા કરવામાં ઘનશ્યામદાસ બિરલા તત્પર રહેતા.

આજે જી.ડી. બિરલાના પુત્રો-પૌત્રોએ બિરલાનું સામ્રાજ્ય વિશાળ ફલક પર વિસ્તાર્યું છે.

આપણે એક આદિત્ય બિરલા ગ્રુપ પર જ નજર કરીએ.

ઘનશ્યામ દાસ બિરલાના પુત્ર બસંત કુમાર બિરલા. બસંત કુમારના પુત્ર આદિત્ય વિક્રમ બિરલા.

આદિત્ય વિક્રમ બિરલા 1995માં માત્ર 52 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. ત્યારે તેમના પુત્ર કુમાર મંગલમ્ બિરલાએ તત્કાલીન રૂપિયા 8000 કરોડના આદિત્ય બિરલા ગ્રુપ (Aditya Birla Group)ને સંભાળ્યું. “અનન્યા”ના વાચકોને જ્ઞાત હશે કે કુમાર મંગલમ્ બિરલાની ઉંમર ત્યારે માત્ર અઠ્ઠ્યાવીસ વર્ષની હતી.

આજે બાર વર્ષ પછી આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ્ બિરલાએ પોતાના ગ્રુપને રૂપિયા 96,000 કરોડનું સામ્રાજ્ય બનાવી દીધું છે.

આદિત્ય બિરલા ગ્રુપમાં આજે હિંડાલ્કો (એલ્યુમિનિયમ/કોપર), ગ્રાસીમ (ટેક્સ્ટાઇલ), આઇડિયા સેલ્યુલર (ટેલિકોમ), અલ્ટ્રા ટેક (સિમેન્ટ) આદિ વિવિધ ક્ષેત્રોની સફળ કંપનીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત રીટેઇલ ક્ષેત્રે આદિત્ય બિરલા રીટેઇલ “મોર” તરીકે અને અન્ય વ્યવસાયમાં આદિત્ય બિરલા નુવો તરીકે આદિત્ય બિરલા ગ્રુપની હાજરી છે.

કુમાર મંગલમ્ બિરલાની એક વિશિષ્ટ સિદ્ધિ ફેબ્રુઆરી 2007માં નોંધાઈ જ્યારે તેમની હિંડાલ્કો કંપનીએ કેનેડાની એલ્યુમિનિયમ કંપની નોવેલિસ હસ્તગત કરી. નોવેલિસની ટેકનોલોજીની મદદથી હિંડાલ્કો એક ખાસ પ્રકારનું એલ્યુમિનિયમ બનાવશે જે મોટર કારની બનાવટમાં સ્ટીલને સ્થાને વપરાશે. પરિણામે વજનમાં હળવી અને વધુ બચત કરાવતી ફ્યુએલ એફિશિયંટ મોટર કાર બનાવી શકાય. * * * અનન્યા/ આજકાલ/ 080105/હરીશ દવે/ Ananyaa/ * * *
* * ** ** * **
સામાન્ય જ્ઞાન


આજે આપણે ચંદ્ર અને સૂર્યમંડળના ગ્રહો સંબંધી અવકાશયાત્રાઓની માહિતી મેળવીએ.

“અનન્યા”ના આગળના અંકોમાં આપે માનવરહિત અવકાશયાનોની તથા સમાનવ અવકાશયાનોની અવકાશયાત્રાઓ વિશે જાણ્યું.

પૃથ્વીના એક માત્ર ઉપગ્રહ ચંદ્ર (The Moon) વિશે ખોજનો આરંભ સોવિયેત રશિયા (યુએસએસઆર, USSR) દ્વારા થયો.

ચંદ્રની ખોજ માટે સોવિયેટ રશિયાએ જાન્યુઆરી 2, 1958ના રોજ “લ્યુના 1” નામક પ્રથમ અવકાશયાન છોડ્યું જે સફળ ન થઈ શક્યું.

ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર પ્રથમ અવકાશયાન સોવિયેત રશિયા (યુએસએસઆર)નું “લ્યુના 9” હતું જે જાન્યુઆરી 31, 1966ના રોજ છોડવામાં આવ્યું હતું.

ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર પ્રથમ અમેરિકન અવકાશયાન “સર્વેયર 1” હતું જે અમેરિકા (USA) દ્વારા મે 30, 1966ના રોજ લોંચ કરવામાં આવ્યું હતું.

શુક્ર (Nenus)ના ગ્રહ પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર પ્રથમ અવકાશયાન સોવિયેટ રશિયાનું વેનેરા 7, કે જે ડિસેમ્બર 15, 1970ના રોજ શુક્ર પર ઉતર્યું.

મંગળ (Mars) ના ગ્રહ પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર અવકાશયાન અમેરિકાનું “વાઇકિંગ 1” હતું જેણે જૂન 20, 1976ના રોજ ઉતરાણ કર્યું. * * * અનન્યા/ 080105/ સામાન્યજ્ઞાન/ હરીશ દવે/ Ananyaa/ * * *
* ** * * **

ગુજરાતી–અંગ્રેજી


અંગ્રેજી ભાષામાં કેટલાક શબ્દો અને શબ્દસમૂહોને ખાસ રીતે પ્રયોજીને વિશિષ્ટ અસર ઉપજાવી શકાય છે. આવા કેટલાક સુંદર શબ્દપ્રયોગો – Special meaningful expressions and figurative expressions – નો પરિચય કેળવીએ. “અનન્યા”ના વિદ્વાન વાચક મિત્રોને વિનંતી કે આપ કોમેંટ્સમાં આ પ્રકારના અન્ય વાક્યો/ શબ્દપ્રયોગો ઉમેરશો તો ભવિષ્યમાં બહોળા વાચક વર્ગને લાભ થશે.

Unfailing efforts – His unfailing efforts helped him find a solution to the problem.
Unrelenting toil – Her unrelemting toil of years was rewarded when she was awarded the Nobel Prize.
Accustomed clearness – Gandhiji wrote a letter to the Britsih Viceroy with an accustomed clearness.
Note of sarcasm – The audience could sense a note of sarcasm in his farewell speech.
* * * અનન્યા/ 080105/ ગુજરાતી-અંગ્રેજી/ હરીશ દવે/ Ananyaa/ * * *
* * ** *

અનન્યા/071229/આજકાલ-સામાન્યજ્ઞાન

*

અનન્યા/071229/આજકાલ-સામાન્યજ્ઞાન

.

આજકાલ વિશ્વમાં પર્યાવરણ  પ્રદૂષણ  અને ગ્રીન હાઉસ ઇફેક્ટ પર ચિંતા વ્યક્ત થઈ રહી છે.

શહેરીકરણ, ઔદ્યોગીકરણ અને બેમર્યાદ ઉપભોક્તાવાદ જમીન, જળ અને વાયુમાં પ્રદૂષણ વધારતાં પરિબળો છે. અનન્યાનાં વાચકો જાણે છે કે વાતાવરણમાં રહેલ ઓઝોન વાયુનું સ્તર સૂર્યનાં નુકશાનકારક વિકિરણો (દા.ત. અલ્ટ્રાવાયોલેટ કિરણો) થી પૃથ્વીનું રક્ષણ કરે છે. 

પૃથ્વી પરથી વાતાવરણમાં ઓકાતા દૂષિત વાયુઓને કારણે ઓઝોન વાયુના સ્તરમાં ગાબડાં પડી રહ્યાં છે. સૂર્યનાં વિકિરણો અને કાળઝાળ ગરમી પૃથ્વી પર કાળો કેર વર્તાવશે તેવાં અનુમાનો થઈ રહ્યાં છે. પૃથ્વીના તમામ વિસ્તારોની આબોહવામાં ફેરફારનાં ચિન્હો છે.  પૃથ્વીના ધ્રુવ પરનો બરફ પીગળીને મહાસાગરોનાં પાણીની સપાટીને ઊંચે લાવશે ત્યારે સમુદ્રકાંઠાના પ્રદેશો ડૂબવા લાગશે.

આ કલ્પના વધુ ભયાનક એટલે લાગે છે કે ન્યૂ યોર્ક, લંડન, ટોકિયો, હોંગકોંગ, મુંબઈ, કોલકતા જેવાં દેશ-દુનિયાનાં પ્રમુખ મહાનગરો દરિયાકાંઠે વસેલાં છે! * 

*   *   *     

સામાન્યજ્ઞાન

અવકાશ સંશોધન ક્ષેત્રની અવનવી વાતો આપણે જાણી રહ્યા છીએ. અનન્યાના ગયા અંકમાં આપે વાંચ્યું કે અમેરિકા અને રશિયા વચ્ચે અવકાશમાં કેવી હોડની શરૂઆત થઈ!  

પ્રથમ સમાનવ અવકાશયાન સોવિયેત રશિયાએ લોંચ કર્યું હતું. તે યાનમાં પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરી પ્રથમ અવકાશયાત્રા કરનાર માનવી યુરી ગાગારીન (યુરી ગેગેરીન) (Yuri Gagarin)  હતા.

વોસ્તોક1  (Vostok-1) નામના અવકાશયાનમાં બેસીને રશિયન અવકાશયાત્રી યુરી ગેગેરીન 12 એપ્રિલ, 1961ના રોજ પૃથ્વીની એક પ્રદક્ષિણા કરનાર પ્રથમ અવકાશયાત્રી બન્યા.

પ્રથમ અમેરિકન અવકાશયાત્રી એલન શેફર્ડ  હતા જેમણે 5 મે, 1961ના રોજ મર્ક્યુરી કેપ્સ્યુલ ફ્રીડમ7 નામના યાનમાં માત્ર 15 મિનિટ માટે અવકાશની સફર કરી (પરંતુ તે પૃથ્વીની પદક્ષિણા ન હતી).

પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ અમેરિકન અવકાશયાત્રી જહોન ગ્લેન હતા જેમણે મર્ક્યુરી કેપ્સ્યુલ ફ્રેન્ડશીપ7 નામના યાનમાં 20 ફેબ્રુઆરી, 1962ના રોજ આશરે પાંચ કલાકમાં પૃથ્વીની ત્રણ પ્રદક્ષિણા કરી.

અનન્યાના વાચકમિત્રો જાણતાં હશે કે અવકાશયાત્રા કરનાર વિશ્વભરના પ્રથમ મહિલા અવકાશયાત્રી સોવિયેત રશિયા (USSR)ના  વેલેન્ટિના હતાં.  યુએસએસઆરના વેલેન્ટિના (Valentina) રશિયાના વોસ્તોક6 નામના યાનમાં બેસીને  (આશરે 70 મિનિટ માટે) અવકાશયાત્રા કરનાર વિશ્વનાં પહેલાં મહિલા અવકાશયાત્રી બન્યાં.*

*  *   * 

ગુજરાતી-અંગ્રેજી

અંગ્રેજી ભાષાના કેટલાક શબ્દોનાં બહુવચનનાં રૂપો ધ્યાનમાં રાખવા જેવાં છે.  આવા થોડા શબ્દોનાં એકવચન-બહુવચનનાં રૂપો નીચે આપેલ છે:

Crisis – Crises .  .  Basis – Bases.      Thesis – Theses .

Hypothesis – Hypotheses.   Analysis – Analyses.  Diagnosis – Diagnoses .  

Datum – Data . Stratum    Strata.  Alumnus – Alumni .   Bacillus – Bacilli.  

અનન્યા/071229/આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશદવે * * **

અનન્યા/071222/આજકાલ-સામાન્યજ્ઞાન

*

અનન્યા/071222/આજકાલ-સામાન્યજ્ઞાન

આજ-કાલ

* ભારતમાં પહેલું કોમ્પ્યુટર HEC-2M કોલકતા (કલકત્તા) માં ઇ.સ. 1955માં કાર્યરત થયું.

1975માં પર્સનલ કોમ્પ્યુટર (PC) અમેરિકન માર્કેટમાં આવ્યા પછી વિશ્વભરમાં કોમ્યુટર્સનો ઉપયોગ કૂદકે ને ભૂસકે વધતો ગયો છે.

1976માં અમેરિકામાં સેમૂર ક્રે (Seymour Cray) નામના કોમ્પ્યુટર એન્જિનિયરે દુનિયાનું સર્વપ્રથમ સુપર-કોમ્પ્યુટર બનાવ્યું.

સામાન્ય શબ્દોમાં સમજાવું તો, જે કોમ્પ્યુટર એક સેકંડમાં કરોડો અટપટી અને સંકુલ માહિતીઓ પર પ્રોસેસિંગ કે તેમની ગણતરી શકે તેને સુપર-કોમ્પ્યુટર કહેવામાં આવે છે.

ક્રેની અમેરિકન કંપનીનું પ્રથમ સુપર-કોમ્પ્યુટર “ક્રે-વન” Cray – 1″ નામથી ઓળખાયું. આ કોમ્પ્યુટરની કિંમત 8.8 મિલિયન ડોલર જેટલી હતી. તે અમેરિકાની એક નેશનલ લેબોરેટરીમાંમાં કાર્યરત થયું.

આ અમેરિકન સુપર-કોમ્પ્યુટર Cray – 1 નો કોમ્પ્યુટિંગ પાવર 160 મેગાફ્લોપ્સ (160 million floating point operations per second) નો હતો.

ત્યાર પછી 1982માં Cray X-MP સુપર-કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું. 1988માં Cray Y-MP માર્કેટમાં આવ્યું જેનો કોમ્પ્યુટિંગ પાવર ગીગાફ્લોપને પાર કરી ગયો.

વર્તમાન વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી પાસે નેશનલ ન્યુક્લિઅર સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન (National Nuclear Security Administration, USA) ને હસ્તક છે.

ભારત પણ આ દોડમાં કેમ પાછળ રહે? “અનન્યા”ના સુજ્ઞ વાચકો જાણતા હશે કે ભારતે અગાઉ ‘પરમ’ (CDAC) તથા ‘અનુપમ’ (BARC) આદિ સુપર કોમ્પ્યુટર્સ ડેવલપ કરેલાં છે.

હવે ટાટા ગૃપ – ટાટા સન્સ (TATA Sons) ની ટીસીએસ (TCS Tata Consultancy Services)  કંપનીએ સુપર કોમ્પ્યુટર ક્ષેત્રે ઝુકાવ્યું છે.

ટાટા સન્સની ટીસીએસના નેજા હેઠળ પૂના(મહારાષ્ટ્ર)ની સીઆરએલ (Computational Research Laboratories : CRL, Pune) ના કોમ્પ્યુટર તજજ્ઞોએ સુપર કોમ્પ્યુટર વિકસાવ્યું છે. “અનન્યા”ના વાચકો નોંધે કે ટાટાએ આ ભારતીય સુપર કોમ્પ્યુટરનું નામ સંસ્કૃતમાં “એક” (Eka means one) રાખ્યું છે.

ટાટાનું “એક” (Eka) ભારતનું જ નહીં, સમગ્ર એશિયા ખંડનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર છે.

ટાટા ગ્રુપ (Tata Group)ની ટીસીએસ (TCS Tata Consultancy Services) કંપની દ્વારા પ્રેરિત સુપર કોમ્પ્યુટર “એક” (Eka)નો કોમ્પ્યુટિંગ પાવર 120 ટેરાફ્લોપ્સનો છે. ખાસ સિદ્ધિ એ કે આ સુપર કોમ્પ્યુટરે 172 ટેરાફ્લોપ્સનો peak performance પણ આપેલો છે. સો કરોડ રૂપિયાથી પણ વધુ બજેટના પ્રોજેક્ટ હેઠળ બનેલ સુપર કોમ્પ્યુટર “એક” (Eka) માં ઇન્ટેલ પ્રોસેસર્સ – Dual quad-core Intel Processors – નો ઉપયોગ થયેલો છે. * અનન્યા/071222/આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશદવે * *

* *  * *   * *
સામાન્ય જ્ઞાન

.
આજે આપણે અવકાશ-સંશોધન વિશે વાત કરીએ. બ્રહ્માંડ ની, અવકાશની ખોજના માનવીના આરંભિક પ્રયત્નોનો ચિતાર મેળવીએ.

માનવીએ અવકાશમાં મોકલેલ અમાનવ (માનવવિહીન) અને સમાનવ અવકાશયાનોની અવકાશયાત્રાઓનો ઇતિહાસ રસપ્રદ છે. અવકાશ-સંશોધનના શરૂઆતના વર્ષોમાં તે સમયના બે સુપર પાવર અમેરિકા (USA) અને સોવિયેટ રશિયા (USSR) વચ્ચે ભારે સ્પર્ધા રહી.

“અનન્યા”ના વાચકમિત્રો! આપ જાણો છો કે સૌ પ્રથમ માનવનિર્મિત કૃત્રિમ ઉપગ્રહ (artificial satellite / man-made satellite) સોવિયેત રશિયા – યુએસએસઆર દ્વારા 4 ઓક્ટોબર, 1957ના રોજ છોડવામાં આવ્યો. માનવી દ્વારા અવકાશમાં છોડાયેલ આ સૌ પ્રથમ ઉપગ્રહનું નામ સ્પુટનિક – 1 (Sputnik-1) હતું.

તે પછી અમેરિકાએ પોતાનો પ્રથમ ઉપગ્રહ 31 જાન્યુઆરી, 1958ના રોજ છોડ્યો. આ પ્રથમ અમેરિકન ઉપગ્રહનું નામ એક્સપ્લોરર – 1 (Explorer-1) હતું.

3 નવેમ્બર 1957ના રોજ રશિયાએ સજીવ પ્રાણી સાથેનું પ્રથમ અવકાશયાન છોડ્યું. સ્પુટનિક-2 નામક આ રશિયન અવકાશયાનમાં લાયકા નામની કૂતરીને મોકલવામાં આવી હતી.

10 જુલાઈ, 1962ના રોજ અમેરિકાએ સંદેશાવ્યવહારના હેતુથી વિશ્વનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ લોંચ કર્યો. એટલાંટિક મહાસાગર પારના દેશોમાં એક સાથે ટેલિવિઝનનું પ્રસારણ કરનાર આ અમેરિકન ઉપગ્રહનું નામ ટેલસ્ટાર-1 (Telstar-1) હતું. * અનન્યા/071222/સામાન્યજ્ઞાન/હરીશદવે * * ** *
*

ગુજરાતી-અંગ્રેજી

અંગ્રેજી ભાષાના કેટલાક શબ્દો તેમના મૂળ (Roots) પરથી શીખવામાં મઝા આવે છે. આવું એક મૂળ “MEM” છે જે ‘meminisse’ (યાદ કરવું) શબ્દ પરથી આવેલ છે. અંગ્રેજી મૂળ “MEM” પરથી બનતા શબ્દો જોઇએ:
Memory means ability to recall.

Memorize means to commit to memory.

Remember means to bring to mind.

Memorial mens something that keeps remembrance.

Memorandum means a note; a reminder.

Memoir means an official note or report. * * * અનન્યા/071222/ગુજરાતી-અંગ્રેજી/હરીશદવે * * ** *

*

અનન્યા/071215/આજકાલ-સામાન્યજ્ઞાન

*

અનન્યા/071215/આજકાલ-સામાન્યજ્ઞાન

* અમેરિકામાં ચિંતાજનક ઇકોનોમી અને સબ-પ્રાઇમ પ્રોબ્લેમ પછી અમેરિકન ડોલર નબળો પડતો જાય છે, તો ભારતમાં આર્થિક ક્ષેત્રમાં (કાંઇક વિસ્મયજનક તેજી) સાથે રૂપિયો મજબૂત થઈ રહ્યો છે. આ સમાચાર ભારતના આઈટી (IT – Information Technology) ક્ષેત્ર માટે ચિંતા પ્રેરી રહ્યા છે.

અમેરિકન ડોલર – ભારતીય રૂપિયાના બદલાતા એક્ષ્ચેન્જ રેટ (American Dollar – Indian Rupee Exchange rate) સાથે મજબૂત થતો રૂપિયો અને કર્મચારીઓના વધતા વેતન ખર્ચાઓને કારણે આઈટી કંપનીઓ પર આર્થિક ભીંસ વધવા લાગી છે. કંપનીઓ પાસે વેતન-વધારા નિયંત્રણ, ક્લાયંટના બિલ અને સર્વિસ ફીઝમાં વધારો આદિ રસ્તાઓ છે.

ભારતનો ઇન્ફર્મેશન ટેકનોલોજી ઉદ્યોગ – (આઈટી ઉદ્યોગ – IT – Information Technology industry) અમેરિકા ઉપરાંત યુરોપ સહિત વિશ્વનાં અન્ય બજારો તરફ નજર દોડાવી રહ્યો છે.

વળી ભારતની અગ્રણી આઈટી કંપનીઓ ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો વગેરે તો ભારતના અલ્પ વિકસિત પ્રદેશોના વિકસતા ટાઉન્સની સોફ્ટવેર જરૂરતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. * * * અનન્યા/071215/આજકાલ/હરીશદવે * *

*
* * * અમેરિકાની ડ્યુ પોન્ટ (Du Pont, USA) કંપની આશરે બસો વર્ષ જૂની કંપની છે. વિશ્વપ્રસિદ્ધ કેમિકલ કંપની ડ્યુ પોન્ટ તેના વિશિષ્ટ સંશોધનો માટે નામના ધરાવે છે.

એક ભારતીય મહિલા શ્રીમતી ઉમા ચૌધરી ડ્યુ પોન્ટ કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે.

ડ્યુ પોન્ટ કંપનીએ તાજેતરમાં ભારતમાં રીસર્ચ એન્ડ ડેવલપમેંટ સેન્ટર શરૂ કરેલ છે. આ ભારતીય સેંટરના મુખ્ય અધિકારી પણ એક ભારતીય વૈજ્ઞાનિક છે.

અમેરિકન કંપની ડ્યુ પોન્ટના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સર્વોચ્ચ અધિકારી પણ શ્રીમતી ઉમા ચૌધરી છે. દુનિયાની સૌથી મોટી કેમિકલ કંપની ડ્યુ પોન્ટમાં આ સ્થાને પહોંચનાર ઉમાબહેન પ્રથમ મહિલા છે. ભારતમાં મુંબઈના એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા ઉમાબહેને અમેરિકા જઈ એમઆઇટી (MIT, USA) માંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. શ્રીમતી ચૌધરી ત્રીસેક વર્ષથી ડ્યુ પોન્ટમાં સેવારત છે.

ગયા જાન્યુઆરીમાં અમેરિકાના પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશ ડ્યુ પોન્ટની મુલાકાતે ગયા હતા. ડ્યુ પોન્ટના બસો વર્ષના ઈતિહાસમાં કોઈ અમેરિકન પ્રમુખની આ પ્રથમ વિઝિટ હતી. અમેરિકન પ્રેસિડેન્ટ બુશ શ્રીમતી ચૌધરીને મળ્યા હતા અને તેમની સાથે ડ્યુ પોન્ટની સંશોધન કામગીરીની ચર્ચા પણ કરી હતી. ** * અનન્યા/071215/આજકાલ/હરીશદવે * * * *

* * *
સામાન્ય જ્ઞાન

* * વિશ્વમાં સૌથી નાના દેશોની વાત કરીએ. દુનિયાભરના સ્વતંત્ર સાર્વભૌમ દેશોમાં સૌથી નાનો દેશ વેટિકન સિટી (Vatican City or The Holy See) છે. વેટિકન સિટીનો વિસ્તાર અર્ધા ચોરસ કિમીથી પણ ઓછો છે (માત્ર 0.44 ચોરસ કિમી અથવા લગભગ 109 એકર) !!

યુરોપના ઇટાલી (Italy, Europe) દેશની રાજધાનીના શહેર રોમમાં આ ટચૂકડો દેશ વેટિકન સિટી સમાયેલો છે.

વેટિકન સિટીમાં ખ્રિસ્તી ધર્મના કેથલિક (કેથોલિક) સંપ્રદાયના વડા ધર્મ ગુરુ પોપનો મહેલ ‘વેટિકન પેલેસ’ છે. તેથી કેથલિક ક્રિશ્ચિયન્સ માટે વેટિકન સિટી પવિત્ર ધામ છે. આ નાનકડા દેશની વસ્તી માંડ 900 જેટલી છે! આમ, વેટિકન સિટી વિસ્તાર અને વસ્તી બંને દ્રષ્ટિએ પૃથ્વી પરનો સૌથી નાનો દેશ છે. * *

* * વિશ્વનો બીજા નંબરનો સૌથી નાનો સ્વતંત્ર દેશ મોનેકો છે. યુરોપ ખંડમાં ભૂમધ્ય સમુદ્રતટ પર ફ્રાન્સની બાજુમાં આવેલા દેશ મોનેકો (Monaco) નો વિસ્તાર બે ચોરસ કિમી કરતાં પણ ઓછો (1.95 ચોરસ કિમી) છે. મોનેકોની વસ્તી માત્ર 32,000 જેટલી છે. આમ છતાં આ નાનકડા દેશની પર કેપીટા જીડીપી (Per capita GDP) 27,000 ડોલર છે. આપને ખ્યાલ હશે કે ભારતની પર કેપીટા જીડીપી (Per capita GDP) માત્ર 2,200 ડોલર છે! * * અનન્યા/071215/સામાન્યજ્ઞાન/હરીશદવે * * *

* * વાચક મિત્રો! વિશ્વનું સૌથી મોટું રણ સહરાનું રણ આફ્રિકા ખંડમાં આવેલું છે. પૃથ્વી પરના આ સૌથી મોટા રણનો વિસ્તાર લગભગ યુરોપ ખંડ જેટલો છે. સહરાના રણનો વિસ્તાર એટલો મોટો છે કે તેમાં ભારત દેશ જેવા ત્રણ દેશો સમાઈ જાય! * અનન્યા/071215/સામાન્યજ્ઞાન/હરીશદવે * *

* * * * *

ગુજરાતી–અંગ્રેજી

આપણે ભાષાના ઉપયોગને મઠારવા પ્રયત્નશીલ રહી શકીએ તો કેવું સારું! તદ્દન સરળ શબ્દોના ઉચિત ઉપયોગથી અભિવ્યક્તિ સુંદર લાગે છે. વિભિન્ન શબ્દપ્રયોગો/ વાક્યપ્રયોગો દ્વારા પણ અભિવ્યક્તિ સુધારી શકાય છે.
આપણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લેખન કલા પર વિચારતા જઈશું અને વિવિધ પ્રયોગોથી અભિવ્યક્તિ કઈ રીતે સુધારવી તે ચર્ચતા જઈશું.

આપ સૌ વાચકમિત્રો આમાં સાથ આપી શકો? આપ આવા વાક્યો કોમેંટ્સ તરીકે લખતા જશો તો શાળા-કોલેજના ગુજરાતી વિદ્યાર્થીઓ તથા સામાન્ય શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગુજરાતીઓને ઉપયોગી થશે. આપણે તેમને અભિવ્યક્તિ માટે પ્રેરણા આપવી છે.

વાચકમિત્રોને ફરી નમ્ર વિનંતી કે આ યજ્ઞમાં જરૂર ભાગ લેશો. આપની કોમેંટ્સ આપણા લાખો મિત્રોને અર્થપૂર્ણ, રસપ્રદ અભિવ્યક્તિથી પરિચિત કરાવશે.

આપણે કોઇ દુઃખી વ્યક્તિને એકાદ વાક્યમાં વર્ણવવી છે. આપણું સાદું સીધું ગુજરાતી ભાષાનું વિધાન હશે: “તે ખૂબ દુઃખી હતો.” આપણે ગુજરાતીમાં વિવિધ શબ્દોના પ્રયોજનથી આ સરળ વિધાનને વિશેષ રસપૂર્ણ બનાવી શકીએ. આપ પ્રયત્ન કરી જોજો! આપને સૂઝે તે વાક્યો કોમેન્ટમાં લખજો!

હવે તે ભાવ બતાવતું વિધાન અંગ્રેજી ભાષામાં કંઈક આમ લખી શકાય (આપણે શબ્દાર્થ નહીં, ભાવાર્થ જોઇએ છે): He was very sad. How sad he was! His face was grief-striken. He was miserably depressed. He was terribly upset.
His face was pale with grief. His gloomy face spoke of his miseries.
His pale face described his sadness. His swollen eyes were suggestive of his sufferings. The paleness of his face could not hide the woes he had suffered. * * * અનન્યા/071215/ગુજરાતીઅંગ્રેજી /હરીશ દવે * **

* *

અનન્યા/071208/આજકાલ-સામાન્યજ્ઞાન

* *

અનન્યા/071208/આજકાલ-સામાન્યજ્ઞાન

* *

આજકાલ:

ભારતની પ્રથમ દરજ્જાની બાયોટેક  કંપની બેંગલોરની  “બાયોકોન” (Biocon , Bangalore, Karnatak) વખતોવખત સમાચારમાં ચમકતી રહે છે.

બાયોકોનની સફળતા તેના સ્થાપક મહિલા વૈજ્ઞાનિક કિરણ મઝુમદાર -શૉ (Kiran Mazumdar – Shaw)ને આભારી છે.

ત્રીસેક વર્ષ પહેલાં એક ગેરેજમાં બાયોકોન કંપનીનો આરંભ થયો. પપૈયામાંથી એન્ઝાઇમ (ઉત્સેચક) પેપિનને એક્સ્ટ્રેક્ટ કરી  કિરણ મઝુમદાર -શૉએ બાયોકોનના પાયા નાખ્યા.

આજે બાયોકોન એક હજાર કરોડની રેવન્યુ ધરાવતી બાયોટેક (biotech) કંપની છે.

હવે કિરણ મઝુમદાર -શૉની લીડરશીપ નીચે બાયોકોન કંપની બાયોફાર્મા (bio-pharma) ના નવા પણ અતિ આકર્ષક ક્ષેત્રમાં પ્રવેશી રહી છે. કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ઉત્પાદન એકમો ધરાવતી  બાયોકોન કંપની ડાયાબિટીસ, આર્થ્રાઇટીસ અને કેન્સર માટેના ઔષધોની રીસર્ચને પ્રાથમિકતા આપી રહી છે. *  *   * અનન્યા/071208/હરીશ દવે * *

*  *  *    **

* * વિશ્વના આઈટી સર્વિસીઝ (IT Services) સેક્ટરમાં ભારતનો હિસ્સો વધતો જાય છે.

ભારતમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી (Information Technology) સર્વિસીઝ સેકટરની છ મોટી કંપનીઓ ટીસીએસ (TCS), ઇન્ફોસિસ (Infosys), વિપ્રો (Wipro), સત્યમ (Satyam), કોગ્નિઝંટ (Cognizant) અને એચસીએલ ટેકનોલોજીઝ (HCL Technologies) છે.

આઈટી સેકટરના વૈશ્વિક બિઝનેસ (Global IT business) માં સૌથી મોટો  હિસ્સો (7.25%) ધરાવતી કંપની આઈબીએમ (IBM, USA) છે, જ્યારે ભારતમાં આ સ્થાન  ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ – ટીસીએસ (TCS) ભોગવે છે. આઈટી સર્વિસીઝના જગતભરના બિઝનેસમાં આઈબીએમના 7.25 % હિસ્સા સામે ટાટા ગ્રુપની ટીસીએસનો હિસ્સો 0.6 % છે. * * * અનન્યા/071208/હરીશ દવે * *

* * *

સામાન્ય જ્ઞાન:

આપણે પૃથ્વીના કેટલાક મોટા દેશો વિશે માહિતી મેળવીએ.

*  *

દેશ

વિસ્તાર  (લાખ વર્ગ કિમી)

વસ્તી, લાખ (ઈસ 2000 નો અંદાજ)

રશિયા

170.70

 

1450   લાખ

કેનેડા

99.70

319   લાખ

ચીન

95.60

12843   લાખ

અમેરિકા

93.70

2805   લાખ

બ્રાઝિલ

85.00

1760   લાખ

ઓસ્ટ્રેલિયા

76.80

195   લાખ

ભારત

32.90

10458   લાખ

*   *   *     *  *   *     *   *

વિશ્વના મોટા મહાસાગરો (સમુદ્રો)માં સૌથી મોટો મહાસાગર પેસિફિક મહાસાગર (પ્રશાંત મહાસાગર Pacific Ocean ) છે. પેસિફિક ઓશનનો વિસ્તાર 1660 લાખ વર્ગ કિમી છે.

દુનિયાના સૌથી મોટા મહાસાગર પેસિફિક મહાસાગરને દુનિયાના સૌથી મોટા ખંડ એશિયા સાથે સરખાવી જુઓ!  પેસિફિક મહાસાગરના વિસ્તાર (1660 લાખ વર્ગ કિમી) સામે એશિયા ખંડનો વિસ્તાર (માત્ર 440 લાખ વર્ગ કિમી) લગભગ ચોથા ભાગનો છે!!!

વિશ્વના અન્ય મુખ્ય  મહાસાગરોમાં એટલાંટિક મહાસાગર (આટલાંટિક ઓશન Atalantic Ocean ) આશરે 865 લાખ વર્ગ કિમી તથા હિંદ મહાસાગર (ઇંડિયન ઓશન  Indianan Ocean ) 734 લાખ વર્ગ કિમી વિસ્તાર ધરાવે છે. ભૂમધ્ય સમુદ્ર (Mediterranean Sea) નો વિસ્તાર માંડ 25 લાખ વર્ગ કિમી જેટલો છે! *  * * અનન્યા/071208/હરીશ દવે * * *

*   *    *    *

ગુજરાતી-અંગ્રેજી:

કેટલાક શબ્દોના મૂળ (Root) પરથી અંગ્રેજી ભાષા શીખવાની મઝા ક્યારેક ઓર જ છે! એક મૂળ “bio” છે. શબ્દ Bio નો સંબંધ ‘જીવન’ સાથે છે. તેના પરથી અંગ્રેજી શબ્દો બન્યા – Biology (જીવવિજ્ઞાન), Biodata (વ્યક્તિની આવશ્યક અંગત માહિતી), Biography  વગેરે …

Biography  એટલે જીવનકથા,  અન્ય કોઈની જીવનકથા.

Biographer  એટલે અન્ય કોઈ વ્યક્તિની જીવનકથા લખનાર લેખક.

Biographee  એટલે જેની જીવનકથા લખાઈ છે તે વ્યક્તિ.

Autobiography એટલે આત્મકથા; વ્યક્તિની પોતાની જીવનકથા.

*  *   **    *  * * * અનન્યા/071208/હરીશ દવે * *

** **