*
.
અનન્યા/080112/ફિલ્મ-સિનેમા
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 11)
મુંબઈના કોરોનેશન સિનેમા ગૃહમાં પોતાની પ્રથમ ફીચર ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર” ની સફળતાથી દાદાસાહેબ ફાલકેને અત્યંત હર્ષ થયો. આ ફિલ્મથી મારો ઠસ્સો ખાસ્સો વધી ગયો. ફિલ્મની સફળતાથી દાદાસાહેબના ચહેરા પર ઝળકેલી ખુશી મને આજે પણ યાદ આવે છે. તે પછી તેમણે કેટલીક લોકભોગ્ય ફિલ્મો બનાવી.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન દાદાસાહેબની એક નોંધપાત્ર ફિલ્મ “લંકાદહન” 1917માં આવી. “લંકાદહન” (અંગ્રેજી ટાઈટલ “બર્નિંગ ઓફ લંકા”) માં ટ્રીક ફોટોગ્રાફી ધ્યાન ખેંચે તેવી હતી. મિત્રો! દાદાસાહેબ સિનેમેટોગ્રાફીની કેટલીક વિશિષ્ટ ટેકનીક્સ યુરોપમાં જર્મનીથી શીખેલા. ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા ફ્રાંસના લુમિયેર બ્રધર્સના કેટલાક કલાકારોની કલા પણ દાદાસાહેબને ઉપયોગી થઈ.
“લંકાદહન” ફિલ્મ મુંબઈના ગીરગામના ‘વેસ્ટ એન્ડ’ સિનેમા ગૃહમાં રજૂ થઈ.
મને યાદ છે, મારી સામે બેઠેલાં પ્રેક્ષકો ઊડતા હનુમાનજીનાં દ્રશ્યો જોઈ હરખાઈ જતાં. ભડભડ બળતી લંકાને દાદાસાહેબના કેમેરાએ એવી તો રજૂ કરી કે પ્રેક્ષકો છળી ઊઠતાં! ત્યાર પછી દાદાસાહેબની “શ્રીકૃષ્ણજન્મ” અને “કાલિયમર્દન” ફિલ્મો પણ આવકાર પામી. “અનન્યા”ના વાચક મિત્રો કદાચ નહીં જાણતા હોય કે દાદાસાહેબ ફાલકેએ 1917-18માં નાસિક (મહારાષ્ટ્ર)માં ભારતની મોખરાની ફિલ્મ કંપની સ્થાપી. દાદાસાહેબની “હિંદુસ્તાન ફિલ્મ કંપની”ના ભાગીદારોમાં ગુજરાતી ભાગીદારો માધવજી જેશિંગ અને મયાશંકર ભટ્ટનો સમાવેશ થતો હતો. સમય જતાં ભાગીદારો છૂટા પડ્યા; દાદાસાહેબ ફાલકે બનારસ ગયા અને તે દરમ્યાન વામનરાવ આપ્ટે નામક ભાગીદારે કંપની ચલાવી.
દાદાસાહેબ નાસિક પાછા ફર્યા ત્યારે ફરી “હિંદુસ્તાન ફિલ્મ કંપની”માં જોડાઈ ગયા. 1931 સુધી દાદાસાહેબની “હિંદુસ્તાન ફિલ્મ કંપની” મૂગી ફિલ્મો બનાવતી રહી. કહે છે કે તે કંપનીએ લગભગ 97 ફિલ્મ્સ બનાવેલી!
ભારતનું કેવું કમનસીબ કે દાદાસાહેબ ફાલકેની ઉત્તમ ફિલ્મ્સમાંથી માંડ પાંચ-છ ફિલ્મોના રીલ આજે પૂનાના નેશનલ ફિલ્મ આર્કાઈવ્ઝમાં સચવાયેલા છે. તેમાં “રાજા હરિશ્ચન્દ્ર” ફિલ્મના તો માંડ બે-ત્રણ જ રીલ બચેલા છે!! આપને આ વાતો કરતાં મારી આંખો છલકાય છે!
ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 11) * *
* * * અનન્યા/080112/ ફિલ્મ-સિનેમા/હરીશ દવે/ Ananyaa/ * * *
* * * * * *
પિંગબેક: અનન્યા/080524/ફિલ્મ-સિનેમા « અનન્યા . Ananyaa
પિંગબેક: સિનેમા ઉદ્યોગના પ્રણેતા હીરાલાલ સેન: બંગાળના અર્ધ-અજાણ્યા ફિલ્મ સર્જક – અનુપમા
પિંગબેક: સ્ટિલ ફોટોગ્રાફીથી સિનેમેટોગ્રાફીની સફર અને સિનેમા ઉદ્યોગનો આરંભ – અનામિકા
પિંગબેક: મુંબઈ ભારતની આર્થિક રાજધાની કેવી રીતે બન્યું? – અનુપમા