અનન્યા/080607/ફિલ્મ-સિનેમા

.

ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 32)

.

મેં આપને ભોગીલાલ દવેના અમેરિકા-પ્રવાસની તથા અરદેશર ઈરાનીના ડિસ્ટ્રીબ્યુશન વ્યવસાયની વાતો કરી.

ભોગીલાલ દવેના મામાના દીકરા મયાશંકર ભટ્ટ દાદાસાહેબ ફાકેની હિંદુસ્તાન ફિલ્મ કંપનીના ફિલ્મ-વિતરક હતા.

અમેરિકાથી હિંદુસ્તાન પરત આવેલા ભોગીલાલ દવેનો પરિચય અરદેશર ઈરાની સાથે થયો. બંનેને મિત્રતા થઈ અને તેમણે ફિલ્મ નિર્માણ અર્થે ભાગીદારી કંપની ઊભી કરી. મુંબઈમાં અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ પ્રોડક્ષન કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’ અસ્તિત્વમાં આવી.

“અનન્યા”ના મારા મિત્રો! મૂંગી સિનેમા (સાયલેન્ટ મુવી) ના તે જમાનામાં પૌરાણિક કથાઓની ફિલ્મો ખૂબ ચાલતી. મેં અગાઉ આપને મોહનલાલ દવે ની વાત કહી હતી.

ગુજરાતી પટકથા લેખક મોહનલાલ ગોપાળદાસ દવે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ સ્ટોરી રાઈટર.

ઇરાની શેઠે મોહનલાલ જી. દવેને ફિલ્મ માટે સારો વિષય અને સબળ પટકથા – સ્ક્રીપ્ટ – સૂચવવા અનુરોધ કર્યો.

તેમાંથી ઈરાની – દવેની ‘સ્ટાર ફિલ્મ કંપની’ની પ્રથમ ફિલ્મ ‘વીર અભિમન્યુ” બની.

ફિલ્મ વિશે હું કાંઈ કહું તે પહેલાં આપ મને અભિમન્યુ વિશે પ્રશ્ન કરવાના છો.

વેદ વ્યાસના અમર મહાકાવ્ય ‘મહાભારત’નું એક ઉત્તમ પાત્ર, વીર છતાં અતિ કરુણ પાત્ર તે અભિમન્યુ.

મહાભારતની કથા પ્રમાણે અર્જુનનાં એક પત્ની સુભદ્રા. ભગવાન શ્રીકૃષ્ણનાં બહેન સુભદ્રાજીનું હરણ કરી અર્જુને તેમની સાથે વિવાહ ફરેલા.

અર્જુન – સુભદ્રાનો મહા પરાક્રમી પુત્ર તે અભિમન્યુ.

અભિમન્યુને બે પત્નીઓ હતી. એક પત્ની વિરાટ રાજાની પુત્રી ઉત્તરા. બીજી પત્ની ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામની પુત્રી વત્સલા.

મહાભારતના યુદ્ધમાં કૌરવોએ દુર્ભેદ્ય ચક્રવ્યૂહ રચ્યો. તેરમા દિવસે વીર અભિમન્યુ એકલે હાથે તેના કોઠા ભેદવા લાગ્યો. છેક છેલ્લે કોઠે કૌરવ પક્ષના છ યોદ્ધાઓએ ભેગા મળી અભિમન્યુ પર હુમલો કર્યો.

ભારે શૌર્ય દાખવી, એકલે હાથે યુદ્ધ કરતાં કરતાં અભિમન્યુ વીર ગતિ પામ્યો.

તે સમયે ઉત્તરા ગર્ભવતી હતી. અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર તે રાજા પરીક્ષિત, જેમણે શુકદેવજી પાસેથી ભાગવત કથા સાંભળી હતી.

અભિમન્યુની કરુણ – વીર રસથી ભરી ગાથાને સ્ટાર ફિલ્મ કંપનીએ સુંદર ચિત્રણ કરી 1922માં ભવ્ય ફિલ્મરૂપે ‘વીર અભિમન્યુ’ રજૂ કરી.

* * ** * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 32) * * અનન્યા/080607/ફિલ્મસિનેમા/હરીશદવે * * *

* * * * * * * * *** * * * *

* * *** * * * * * * * ** * * * * * * **

One Response

  1. [...] અનન્યા/080607/ફિલ્મ-સિનેમા [...]

Leave a Reply