અનન્યા/080209/ગુજરાતી નેટ જગત

*

અનન્યા/080209/ગુજરાતી નેટ જગત

શ્રીમતી નીલમબહેન દોશીના સુંદર બ્લોગ ‘પરમ ઉજાસ’ની તાજેતરની એક પોસ્ટ નોંધપાત્ર છે. નીલમબહેને ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થયેલ સાહિત્યકાર સુશ્રી ધીરુબહેન પટેલના એક લેખ પ્રત્યે ધ્યાન દોર્યું છે. તેમાં કહેવાતા સંશોધકો કે ‘સંચયકારો’ની વાત કરી છે.

મારા મતે મુદ્દાની વાત એ કે પુન: પ્રકાશન કે સાહિત્યિક રિમિક્સ કયા ક્ષેત્રમાં, કયા હેતુથી થાય છે? ધીરુબહેન કદાચ માત્ર પ્રિંટ મીડિયાની વાત કરતા હોય તેવું બની શકે. પ્રિંટમાં ‘રીડર્સ ડાઇજેસ્ટ’ની પ્રવૃત્તિને આપણે આવકારી નથી?

બીજું, ગુજરાતી ઇન્ટરનેટ અત્યારે પ્રારંભિક તબક્કામાં છે. આપણે ગુજરાત અને ગુજરાતી વિષયક મોટો સંચય ઇન્ટરનેટ પર મૂકવાનો છે. તો આપણે ભારે મહેનતથી શોધેલ સામગ્રી, એટલી જ મહેનતથી નેટ પર મૂકનાર મિત્રોને વખોડી કાઢીશું? નીલમબહેને ‘મુંબઈ સમાચાર’નો લેખ તેમની સાઇટ પર મૂક્યો તેને આવકારીશું જ ને?

એક અગત્યનો મુદ્દો – ‘નન-ફિક્શન’માં રિમિક્સ વધતા-ઓછા પ્રમાણમાં હોય જ છે. નન-ફિક્શનમાં ઔચિત્યપૂર્ણ ‘રિમિક્સ’ તો સ્વીકારવાં જ પડે ને! આવા ‘નન-ફિક્શન’ રિમિક્સમાં મૌલિકતા હોય તો પછી વાંધો ન હોઇ શકે ને?

પરંતુ યાદ રાખીએ કે ફિક્શનમાં, વાર્તા, નવલકથા, કવિતામાં આમ બનતું હોય તે સ્વીકાર્ય ન જ ગણાય. આપની નવલકથાનો પ્લોટ નજીવા ફેરફાર સાથે બીજા સાહિત્યકારની અન્ય નવલકથામાં આવે તો … ?

‘સાહિત્યિક રિમિક્સ’થી જો સાક્ષર આટલા વ્યથિત હોય, તો જેમની કૃતિની બેઠી કોપી, વિના અનુમતિએ, પ્રકાશિત થતી હશે, તે સર્જકને કેવી વેદના થતી હશે?

દુનિયાનાં સાહિત્યવર્તુળો હવે ઇન્ટરનેટ વિશે પણ ચિંતિત થઈ રહ્યાં છે. જો સર્જક/લેખક/ કવિની લેખિત અનુમતિ/સંમતિ વિના આપ તેમની પ્રગટ કૃતિને બીજે ક્યાંયે પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત ન જ કરી શકો, તો શું ઇન્ટરનેટ પર બેધડક પ્રકાશિત કરી શકો? લક્ષ્મણરેખા ક્યાં દોરવી? કોણે દોરવી? ઔચિત્ય કોણ નક્કી કરશે?

આ એક ગંભીર બાબત છે. ઇન્ટરનેટના વધતા વ્યાપ સાથે આ સમસ્યા વકરી રહી છે. ઘણા સાહિત્યકારો, લેખકો, કવિઓએ દબાયેલા અવાજમાં આ વાત કહેવા પ્રયત્ન કર્યો છે. તેમની મજબૂરી એ છે કે તેઓ ઇન્ટરનેટથી પરિચિત નથી, તો તેની ગતિ-વિધિઓથી શી રીતે પરિચિત હોય? ઇન્ટરનેટ પર કોપીરાઇટના કાયદાની એવી ક્રૂર મજાક ઊડી છે કે ન ચર્ચો તો સારું! સાહિત્યકારો- સર્જકો કરી પણ શું શકે?

પરમ ઉજાસ પર સુશ્રી ધીરુબહેન જેવા અનેકની આંતરવ્યથા કોઇ સમજશે?
* *  * *  * *  * *

One Response

  1. ધીરુબેનની વાત સાચી જ છે,
    અને પ્રખ્યાત સાહિત્યકારોની કૃતિનો ફેરફાર જાણકારોને દેખા દેશે પણ સામે નવોદિતોના વિચારો અને શબ્દોના ફેરફાર અંગે તેઓ ખુદ પણ નથી બોલી શકવાના……!!
    તો નવોદિતોએ પણ સાવધ રહેવાની જરુર છે.

Leave a Reply